કોતર મહાકોતર

January, 2008

કોતર, મહાકોતર  (gorge, canyon) કોતર : ઊંડી અને સાંકડી, ઉપરથી નીચે સુધી સીધી બાજુઓવાળી ઊભી ખીણ. અંગ્રેજી શબ્દ ‘gorge’ જે અર્થમાં ઉપયોગમાં લેવાય છે તે મુજબ, બે પહાડી પ્રદેશો વચ્ચેનો, ખડકાળ બાજુવાળો સીધી ઊંડી કરાડ હોય એવો ઊભો સાંકડો માર્ગ.

મહાકોતર : કોતર કરતાં વધુ ઊંડાઈ અને લંબાઈ ધરાવતી સીધી બાજુઓવાળી ખીણ. નદી દ્વારા ભૂપૃષ્ઠમાં કોતરાયેલ ઊંડું, ઊભું નાળું, તેમાંથી પસાર થતી નદીની બંને બાજુઓ ઊંચી ભેખડોથી કે ભેખડ- શ્રેણીઓથી બંધાયેલી હોય. ક્યારેક તેની રચના નદીના કાયાકલ્પ (rejuvenation)ની સાથે પણ સંકળાયેલી હોય છે. મહાકોતર બનવા માટે નદી દ્વારા ક્રમશ: ઘસાતા જતા, કોતરાતા જતા તળખડકો ક્ષિતિજ-સમાંતર હોય અને સખત તેમજ ઘનિષ્ઠ હોય એ જરૂરી છે. એથી ઊલટું, જો ખડકો નમન દર્શાવતા હોય તો ખીણનો આકાર, અનિયમિત-અવ્યવસ્થિત બનતો જાય છે; ખડકો જો પોચા હોય તો ઉપર તરફના ખડકો તૂટી પડે છે. અને છેવટે V-આકારની ખીણરચના થાય છે; પરિણામે નીચેની બાજુની ખોતરાવાની ક્રિયા ઝડપી બની જાય છે અને અલ્પજીવી કોતર બનવાની શક્યતા વધી જાય છે.

કોતર કે મહાકોતરની રચના નદીના પાણીના વેગને કારણે થતા ઘસારા અને ધોવાણની ક્રિયા પર આધારિત હોય છે. મેદાનો અને પહાડી વિસ્તારોમાં વહેતી નદીઓ તેમના માર્ગમાં અસંખ્ય કોતરો કોરી કાઢે છે. ગુજરાતમાં મહી નદીના વિસ્તારમાં નાના કદનાં અસંખ્ય કોતરો જોવા મળે છે.

યુ.એસ.ના ઍરિઝોનામાં આવેલું ‘ગ્રાન્ડ કૅન્યન’ નામે જગપ્રસિદ્ધ મહાકોતર કૉલોરાડો નદીપટનું ઘસારા અને ધોવાણનું પરિણામ છે. અહીં આ નદી સૂકા પ્રદેશમાં થઈને વહેતી હોવાથી નદીતળના ખડકોને ઊભા કોરી કાઢ્યા છે. તેની બાજુઓ ઊંચી અને સીધી કાટખૂણે કોરાઈ ગઈ છે; આ પ્રદેશમાં વર્ષાનું પ્રમાણ નહિવત્ હોવાથી નદીની આજુબાજુના પ્રદેશનું ધોવાણ થઈ શક્યું નથી, તેથી 320 કિલોમીટર જેટલી લંબાઈવાળું અને 1.5 કિલોમીટરની ઊંડાઈવાળું મહાકોતર રચાયું છે.

હિમાલયના પર્વતીય વિસ્તારમાં ગિલગિટમાં આવેલું સિંધુ નદીનું મહાકોતર સૌથી ઊંડું ગણી શકાય. તે કેટલાંક સ્થાનોમાં તો તેના તળ પર રહેલા પાણીની સપાટીથી 5200 મીટર ઊંચાઈવાળા સમુત્પ્રપાતો(precipices)થી ઘેરાયેલું છે. નદીની સામાન્ય ઘસારાની ક્રિયાને કારણે તે અસ્તિત્વમાં આવેલું હોવાનું માનવું મુશ્કેલ બની જાય છે; પરંતુ તેના પાણીની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ મળી આવતા ગ્રેવલના બનેલા સીડીદાર પ્રદેશો (river terraces) તેની ઘસારાનિર્મિત ઉત્પત્તિને સમર્થન આપે છે. એ જ રીતે શિપ્કી નજીક સતલજ નદીએ 900 મીટર ઊંડું મહાકોતર રચેલું છે. શિપ્કીથી નદીના નીચાણવાળા ભાગમાં કેટલાંક સ્થાનોમાં મળી આવતાં મહાકોતરોની ઊંડાઈ 3050 મીટર જેટલી છે અને 1800થી 2100 મીટર ઊંચી ભેખડો તેને કાટખૂણે આવેલી છે. આ ઉપરાંત ગંડક, કોસી, અલકનંદા વગેરેનાં કોતરો 1800થી 3700 મીટરની ઊંડાઈવાળાં છે અને બાજુઓ પરનાં શિખરો વચ્ચે 9થી 29 કિમી.નું અંતર છે. સૉલ્ટરેન્જના પહાડી પ્રદેશમાં પણ અસંખ્ય કોતરોની લાક્ષણિક રચનાઓ જોવા મળે છે. ગુજરાત અને મધ્યપ્રદેશનાં મહી તેમજ ચંબલનાં કોતરો જાણીતાં છે.

ગિરીશભાઈ પંડ્યા