કોઠાર : (સં. कोष्ठागार). આવાસ કે કિલ્લામાં જીવનોપયોગી સાધનસામગ્રી, ખાસ કરીને ખોરાક માટેની સામગ્રીના સંગ્રહ માટેનો ઓરડો. રાજધાનીથી માંડીને ઘરની અંદર આવેલ અનાજ ભરવાના કોઠા સુધી દરેક કોઠારના આયોજન પ્રત્યે સમાન સભાનતા અને ઉદ્દેશ જોવા મળે છે. કોઠારનો પ્રકાર અને તેનું આયોજન કૌટુંબિક સમૃદ્ધિ, રહેણીકરણી તથા કુટુંબના વિસ્તાર પર આધાર રાખે છે. સુર્દઢ સમાજવ્યવસ્થામાં પણ શહેર તથા ગ્રામવિસ્તાર માટે ખાદ્ય સાધનસામગ્રીના ભંડાર માટે કોઠારનું આયોજન સુવિકસિત છે.

રહેઠાણોની અંદર કોઠાર પ્રત્યે જુદી જુદી વ્યવસ્થા થાય છે. સંયુક્ત કુટુંબમાં રહેતા લોકોના આવાસોમાં કોઠારનું સ્થાન મુખ્ય રહે છે અને જેમ જેમ કુટુંબ નાનું થતું જાય છે અને સંગ્રહની પ્રથા બદલાતી જાય છે તેમ તેમ કોઠાર ધીરે ધીરે જુદા રૂપમાં પ્રચલિત થતો જાય છે – અલાયદા ઓરડાને બદલે દીવાલો સાથે સંકલિત. આપણી પ્રણાલીગત રીતોમાં પણ આ જાતનું વલણ જોવા મળે છે.

કોઠારના બાંધકામમાં સંગ્રહ કરેલ સામગ્રીની સાચવણી લાંબા સમય સુધી જળવાઈ રહે તે મુખ્ય ઉદ્દેશ રહેલ છે. રૂઢિગત રીતે હજી પણ ગ્રામજીવનમાં વાંસ અને માટીની કોઠીનો ઉપયોગ પ્રચલિત છે  અને આધુનિક પદ્ધતિમાં ભીંતબંધ ઓરડા પણ કોઠાર તરીકે ઉપયોગી ગણાય છે. ઘરના આયોજનમાં કોઠારની વ્યવસ્થા અલાયદા ભાગમાં કરાય છે. તેનું સ્થાન ઘરના સામાન્ય ભાગોથી અલગ હોય છે. કારણ કે આ ઓરડો સામાન્ય રીતે વપરાશમાં હોતો નથી. સાધનસામગ્રીની સાચવણી માટે ચોખ્ખી હવાની હેરફેર તથા સૂર્યપ્રકાશથી બચાવવા માટે તેની અંદર ફક્ત જરૂર પૂરતું જ અજવાળું રહે અને હવાફેર શક્ય થાય તેટલું જ ભંડકિયું રખાય છે. કોઠારનું સ્થાન ઘરના આયોજનમાં કૌટુંબિક રહેણીકરણી પ્રમાણે નક્કી કરાય છે જે બાબત આયોજનની ર્દષ્ટિએ સામાન્ય છે.

પ્રણાલીગત આવાસોમાં કોઠાઓ, ભીંતબંધ કૂંડીઓ અને દીવાલો સાથે સંકલિત કોઠારની સગવડોનાં ઉદાહરણો આપણને જોવા મળે છે. માટી, ઈંટ અને પથ્થરના બાંધકામ દ્વારા આની રચના થતી. સામાજિક સ્તરે સંકલિત કોઠાઓના સમૂહ, ભોંયરાંઓ વગેરે ઘણાં ઐતિહાસિક મકાનોમાં જોવા મળે છે. તે પરથી સમાજરચનામાં આ ઘણી જ જરૂરી સગવડ માટે રચાયેલ ઇમારતો પ્રત્યેની સૂઝ અને રીતરસમનો આપણને ખ્યાલ આવે છે. આધુનિક યુગમાં યાંત્રિક ઉપલબ્ધિને લઈને આ ઉપયોગી સગવડ પ્રત્યે નવી સૂઝ જોવા મળે છે અને આ પ્રમાણે કોઠારની વ્યવસ્થા અને રચનાઓમાં સુસંગત પરિવર્તનો જોવા મળે છે.

રવીન્દ્ર વસાવડા