કોઠ : આયુર્વેદ અનુસાર ત્વચાવિકારનું દર્દ. તેમાં ચળ આવે છે અને ત્વચાનો રંગ બદલાય છે. કોઠમાં પિત્તકફદોષની પ્રધાનતા હોય છે. દર્દનાં વિશિષ્ટ લક્ષણો આ મુજબ છે :

ઘણીવાર ઊલટી કરાવતાં કે થતાં ઊબળેલાં પિત્ત, કફ અને અન્નદોષના વિકારથી ઊલટી બરાબર ન થતાં શરીર ઉપર ગોળ તથા લાલ રંગનાં પુષ્કળ ચકરડાં ઊઠે છે અને તેમાં ચળ (વલૂર) આવે છે તેને ‘કોઠ’ કહે છે. તેવાં ચકરડાં થઈને, પાછાં લુપ્ત થઈ જાય અને ફરી થાય તેવી સ્થિતિને ‘ઉત્કોઠ’ કહે છે.

રોગસારવાર : આ દર્દમાં વમન (ઊલટી) કરાવવું સારું છે. તે માટે કડવાં પરવળ તથા અરીઠાનું પાણી કે મીંઢળચૂર્ણનો ઉપયોગ થાય છે. કોઈને વિરેચનક્રિયા જરૂરી હોય છે. તે માટે ત્રિફળા, ગૂગળ, હરડે, લીંડીપીપર વગેરેનો ઉપયોગ થાય છે. આ દર્દમાં દર્દીના શરીરે સરસિયું તેલ જરા ગરમ કરી માલિસ કરાય છે અથવા અડાયાં છાણાંની બારીક ભસ્મ ચોળાય છે.

ખાવાનાં ઔષધો : (1) આદાના રસમાં જૂનો ગોળ ઉમેરી સવાર-સાંજ પાવું. (2) અજમાનું ચૂર્ણ જૂના ગોળ સાથે નરણા કોઠે લેવું. (3) ત્રિકટુ ચૂર્ણ 2થી 3 ગ્રામ સાકર સાથે લેવું. (4) આમળાનું ચૂર્ણ ગોળ સાથે લેવું. (5) અજમો, ત્રિકટુ અને જવખારનું ચૂર્ણ પાણી સાથે લેવું. (6) આમળા તથા લીમડાનાં પાનનું ચૂર્ણ ઘી સાથે લેવું.

શાસ્ત્રોક્ત ઔષધો : આ દર્દમાં આર્દ્રકખંડ અવલેહ, હરિદ્રાખંડ અવલેહ, આરોગ્યવર્ધિની, ગંધક રસાયન, કિશોર ગૂગળ, નવાકાર્ષિક ગૂગળ, પંચનિમ્બ ચૂર્ણ, વિડંગારિષ્ટ, સારિવાદ્યાસવ, વિડંગતંડૂલ ચૂર્ણ વગેરે અપાય છે. આ દર્દોમાં દર્દીને મહાતિક્ત ઘૃતનું પાન કરાવીને રક્તમોક્ષણ (રક્ત ખેંચાવવું) કરાવવાનું ખાસ લાભપ્રદ છે. આ દર્દમાં દર્દીને સ્નેહન, સ્વેદન તથા સંશોધન ક્રિયા (પંચકર્મ) કર્યા પછી તેને કૃમિઘ્ન તથા દદ્રુઘ્ન ચિકિત્સા કરવાનો સિદ્ધાંત છે.

આ રોગમાં સાઠી ચોખા, મગ, કળથી, તાંદળજાની ભાજી તથા ગરમ પાણી લેવાં હિતકારી છે.

ચં. પ્ર. શુક્લ

બળદેવપ્રસાદ પનારા