કોઠારી, કકલભાઈ (જ. 1892; અ. 1966) : ગુજરાતના એક નીડર પત્રકાર, ઉદ્દામવાદી વિચારક અને લેખક. 1923માં અમૃતલાલ શેઠના ‘સૌરાષ્ટ્ર’માં જોડાઈને કકલભાઈએ દેશસેવાના સાધન તરીકે પત્રકારત્વને અપનાવ્યું. 1932માં છ મહિનાના કારાવાસ બાદ, બંધ પડેલા ‘સૌરાષ્ટ્ર’ને ‘ફૂલછાબ’ રૂપે પ્રગટ કર્યું અને ર્દષ્ટિપૂર્ણ સંપાદન તેમજ નિર્ભીક લખાણોથી જાણીતા બન્યા. 1936માં ‘નવસૌરાષ્ટ્ર’ સાપ્તાહિક અને 1940માં ‘પ્રભાત’ દૈનિકનો પ્રારંભ કર્યો. એમના પર સમાજવાદ

કકલભાઈ કોઠારી

અને લેનિનના વિચારનો પ્રભાવ હતો. એમના તંત્રીલેખો એમની પ્રતિભાના પરિચાયક બન્યા. કૉંગ્રેસની નીતિઓની બાબતમાં વખત આવ્યે હિંમતભેર સરદાર પટેલની પણ કડક ટીકા કરતા હતા. આઝાદીકાળના આ પત્રકારને આઝાદી પછી પત્રકારત્વના ક્ષેત્રે આવેલી દિશાશૂન્યતાથી અકળામણ થતી હતી. ‘સૌરાષ્ટ્ર’ અને ‘ફૂલછાબ’ને સાહિત્યિક સ્પર્શ આપવાનું કાર્ય કરનાર આ પત્રકાર પીઢ સમાજસેવક અને ‘બુઝાતો દીપક’, ‘લેનિન’ ‘નરવીર લાલાજી’ જેવાં પુસ્તકોના લેખક પણ હતા.

પ્રીતિ શાહ