કોઠારી, દયાનંદ ચંદુલાલ (28 ફેબ્રુઆરી 1914, અમરેલી) : જાણીતા ઉદ્યોગપતિ તથા કોઠારી ઔદ્યોગિક સંકુલના આદ્યસ્થાપક. પિતાનું નામ : સી. એમ. કોઠારી તથા માતુશ્રીનું નામ : રમાબહેન. પત્નીનું નામ : ઇંદિરાબહેન. તેમનાં સંતાનોમાં ત્રણ પુત્રી અને એક પુત્ર.
તેમનો કૌટુંબિક વ્યવસાય શેરદલાલનો હતો તેમાંથી તેમણે વિવિધ ઉદ્યોગોના ક્ષેત્રે ઝંપલાવ્યું, જેમાં ખાસ કરીને કાપડ, ખાંડ, કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ તથા ઇલેક્ટ્રૉનિક્સ મુખ્ય છે. આઝાદી પછીના ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં કોઠારી ગૃહે નોંધપાત્ર ફાળો આપ્યો છે. તે અનેક ઉદ્યોગો, વ્યવસાયો તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે; જેમાં મુખ્યત્વે, કોઠારી (મદ્રાસ) લિમિટેડ, કોઠારી કન્સલ્ટન્ટસ્ ઍન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ, સધર્ન રિજીયનલ કાઉન્સિલ, ઇન્ડો-જર્મન ચેમ્બર ઑવ્ કૉમર્સ (અધ્યક્ષ); ઇન્ડો-કોરિયન સોસાયટી (પ્રમુખ); ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ ફૉરિન ટ્રેડ, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માર્કેટિંગ ઍન્ડ મૅનેજમેન્ટ, દિલ્હી (ઉપપ્રમુખ); રિઝર્વ બૅન્ક સેન્ટ્રલ બોર્ડ, મુંબઈ, આઈ. ડી.બી.આઈ. સેન્ટ્રલ બોર્ડ, મુંબઈ, આંધ્રપ્રદેશ સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ તથા સાઉથ ઇન્ડિયા વિસ્કોસ લિમિટેડ (ડિરેક્ટર) નોંધપાત્ર છે. ઉપરાંત, નૅશનલ કમિશન ઑવ્ લેબરના સભ્યપદે તેમજ ઍસોસિયેટેડ ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડો-યુ.એસ. જૉઇન્ટ બિઝનેસ કમિટી, અને ઇન્ડો-જાપાન બિઝનેસ કૉર્પોરેશન કમિટીમાં કાર્યકારી સભ્યપદે સેવા આપે છે. સમસ્ત ભારતના ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખપદે તેઓ રહી ચૂક્યા છે.
વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે તેમજ નાણાકીય વહીવટ અને સંશોધન, બૅંન્કિગ, વીમો, ટૅક્નૉલૉજી અને સમાજકલ્યાણના ક્ષેત્રે તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ તથા ગણનાપાત્ર પ્રતિષ્ઠા ધરાવે છે. કોઠારી ઉદ્યોગ પરિવારને ઉદાર તંત્રસંચાલનના પૂરેપૂરા લાભ પ્રાપ્ત છે. કામદારો સાથેના સંબંધો અંગે તેમની આજ દિન સુધીની તવારીખ નિષ્કલંક રહી છે.
તેમને 1980ના વર્ષનો ‘વિશ્વગુર્જરી ઍવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.
સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત તથા યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા, મુંબઈમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.
તેમને મદ્રાસ યુનિવર્સિટીએ ડૉક્ટર ઑવ્ લૉઝની માનાર્હ પદવી એનાયત કરેલ છે.
દયાનંદ કોઠારી, ચેન્નાઈની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફાઇનાન્શિયલ મૅનેજમેન્ટ ઍન્ડ રિસર્ચ સંસ્થાના આદ્યસ્થાપક છે તથા ત્યાંની કોઠારી ટૅક્નૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅન છે. ઉપરાંત, ચેન્નાઈની સ્કૂલ ઑવ્ સૉશિયલ વર્ક્સના પણ ચૅરમૅન છે.
તેઓ ચેન્નાઈના શેરિફ રહી ચૂક્યા છે.
ઈન્દુભાઈ દોશી