કોઠારી, જયંત (જ. 28 જાન્યુઆરી 1930, રાજકોટ; અ. 1 એપ્રિલ 2001, અમદાવાદ) : ગુજરાતી ભાષા-સાહિત્યના સંશોધક અને વિવેચક. પિતા : સુખલાલ; માતાનું નામ ઝબક. જ્ઞાતિએ દશા શ્રીમાળી વણિક અને ધર્મે સ્થાનકવાસી જૈન. 1956માં મંગળાબહેન સાથે લગ્ન.

1948માં મૅટ્રિક પાસ કર્યા પછી વતન રાજકોટમાં કટલરીની દુકાન કરેલી અને રેલવે ક્લેઇમ એજન્ટ તરીકે કામ કર્યું. શાળાજીવનમાં રાજકોટમાં ચાલતા ‘નવનિધાન મિત્રમંડળ’ દ્વારા હસ્તલિખિત માસિક, રમતગમત અને કેળવણી અંગેનાં પ્રવચનો જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં આઠ વર્ષ સુધી અગ્રેસર રહ્યા હતા. 1957માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી પ્રથમ વર્ગ સાથે બી.એ. થયા અને તે જ વિષયો સાથે 1959માં એમ.એ.માં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરીને કવીશ્વર દલપતરામ સુવર્ણચંદ્રક તથા કે. હ. ધ્રુવ ઇનામ મેળવ્યાં.

1959થી 1962 સુધી અમદાવાદની પ્રકાશ આર્ટ્સ કૉલેજમાં અને 1962થી 1989 સુધી અમદાવાદની ગુજરાત લૉ સોસાયટીની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. દરમિયાન 1977માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રનો ડિપ્લોમા બીજી શ્રેણીમાં પ્રાપ્ત કર્યો. 1980થી 1984 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતા ‘ગુજરાતી સાહિત્યકોશ ભાગ 1’ના માનાર્હ મુખ્ય સંપાદક તરીકે સેવા આપી.

એમની સાહિત્યસેવાનાં પ્રધાન ક્ષેત્રો બે : વિવેચન અને સંપાદન. ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ (1960, અન્ય સાથે) અને ‘પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા’ (1969), ‘પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉન્જાઇનસની કાવ્યવિચારણા’ (1998) ‘સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા’(1998)માં લેખકની સતેજ ચિકિત્સક ર્દષ્ટિ અને તાત્વિક છણાવટની ફાવટ નજરે પડે છે. અધ્યયન-અધ્યાપન નિમિત્તે ગુજરાતને મળેલો લેખસંગ્રહ ‘ઉપક્રમ’ (1969) જયંત કોઠારીને નોંધપાત્ર વિવેચક તરીકેની પ્રતિષ્ઠા અપાવે છે. ‘અનુક્રમ’(1975)માં ‘આપણો ઘડીક સંગ’ (દિગીશ મહેતા) જેવી આધુનિક કૃતિ અને પ્રેમાનંદનાં ‘મામેરું’, ‘નળાખ્યાન’ જેવાં આખ્યાનો પરના એમના લેખોમાં તેમની સૌંદર્યશોધક અને તત્વગામી ર્દષ્ટિ ઉપરાંત મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં એકસરખી સજ્જતાનાં દર્શન થાય છે. ‘વિવેચનનું વિવેચન’(1976)માં ગુજરાતી સાહિત્યવિવેચન પ્રવૃત્તિની તપાસમાં ઉત્તમ ભાવકની સહૃદયતા સાથે નિર્ભીક સત્યદર્શનની ચીવટ જોવા મળે છે. ‘અનુષંગ’(1978)માં સિદ્ધાંતચર્ચાના લેખોમાં પ્રચલિત હકીકતોની ફેરતપાસ છે. સાહિત્યસ્વરૂપો વિષયક લેખો ‘વ્યાસંગ’(1984)માં સંગૃહીત થયેલા છે. ‘વ્યાપન’(1997)માં કાકાસાહેબ અને ભાસના સાહિત્યના પરીક્ષણ સાથે કેટલાંક ગ્રંથાવલોકનો છે. ‘સંશોધન અને પરીક્ષણ’(1998)માં ગ્રંથાવલોકનો છે. ‘કવિલોક’(1994)માં ઉત્તમ કવિઓની કૃતિઓનાં રસસ્થાનોનો ઉઘાડ શબ્દબદ્ધ થયો છે તો ‘નવલલોક’-(2001)માં નીવડેલી નવલકથાઓ વિશેના વિવેચનલેખો છે. ‘કાવ્યછટા’(1998)માં મોટેભાગે મધ્યકાળની કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ રજૂ થયો છે; જેમ કે સ્થૂલિભદ્રવિષયક ત્રણ ફાગુકાવ્યો’. સંશોધનની ઝીણી ર્દષ્ટિનો પરિચય આપતા ‘અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર’ (1988) અને ‘સાહિત્યિક તથ્યોની માવજત’ (1989) છે. બંને ગ્રંથોને ક્રમશ: ‘સંધાન’ વિવેચનઍવૉર્ડ અને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘રામપ્રસાદ બક્ષી’ પારિતોષિક મળેલ છે. ‘વાંક દેખાં વિવેચનો’ (1993) તેમની સ્વાધ્યાય-સંશોધનપ્રવૃત્તિનું એક ઉત્તમ નિદર્શન છે.

સંપાદનક્ષેત્રે પણ જયંત કોઠારીની કામગીરી નોંધપાત્ર રહી છે. મધ્યકાલીન કૃતિઓનાં સંપાદનો સાથે અર્વાચીન સાહિત્યસ્વરૂપોનાં સંપાદનો અત્યંત ઉપયોગી બન્યાં છે. ‘સુદામાચરિત્ર’ (1967, અન્ય સાથે), જિનહર્ષકૃત ‘આરામશોભા’ (1983, અન્ય સાથે), ‘આરામશોભા રાસમાળા’ (1998), ‘નરસિંહ પદમાલા’ (1997), ‘પ્રાચીન મધ્યકાલીન સાહિત્યસંગ્રહ’, ‘યશોગ્રંથ પ્રશસ્તિસંગ્રહ’ (1997, અન્ય સાથે) તેમના મધ્યકાલીન સમયને કેન્દ્ર કરતી કૃતિઓ અને કર્તાઓનાં સંપાદનો છે. ‘સંદર્ભ’ (1975, અન્ય સાથે) વિવિધ સાહિત્યિક નિબંધોનું સંપાદન છે. ‘નિબંધ અને ગુજરાતી નિબંધ’ (1976, 1995); ‘ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા’ (1977); ‘એકાંકી અને ગુજરાતી એકાંકી’ (1980) સ્વરૂપ-વિષયક સંપાદનો છે. ‘પાંચ અદ્યતન એકાંકી’ (અન્ય સાથે, 1979) પણ તેમણે સંપાદિત કર્યાં છે. ‘કલાપી સ્મરણમૂર્તિ’(1998)માં કલાપીવિષયક, ‘મેઘાણી વિવેચનસંદોહ’(ખંડ 1-2) (2002)માં મેઘાણીવિષયક, ‘રેષાએ રેષાએ ભરી જ્ઞાનઝંખા’(અન્ય સાથે, 1997)માં ભૃગુરાય અંજારિયા-વિષયક તથા ‘વિરલ વિત્યત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા’(અન્ય સાથે, 1992)માં મોહનલાલ દલીચંદ દેસાઈ-વિષયક, ‘મારા સાધુજીવનનાં સંસ્મરણો’- (1984)માં મુનિશ્રી કલ્યાણચંદ્ર-વિષયક, ‘સરસ્વતીચંદ્ર : વીસરાયેલાં વિવેચનો’(અન્ય સાથે, 1987)માં ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા-વિષયક કેટલાક લેખોનું સંકલિત સંપાદન થયું છે.

ગ્રંથાવલોકનો અને સંકલિત સંપાદનોમાં જયંત કોઠારીની આગવી પ્રતિભા ઊપસે છે. પ્રસ્તુત સંપાદનો અહીંતહીંથી ભેગી કરેલી સામગ્રી નથી એ ચોક્કસ વિષયનો નિર્દેશ કરીને વિષયને તેની સમગ્રતામાં પ્રત્યક્ષ કરી આપે છે.

‘મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ’ (1995), ‘ગુજરાતી સાહિત્યકોશ’ (અન્ય સાથે, 1989), ‘જૈન ગૂર્જર કવિઓ’નાં પુન:સંપાદનો (1986-1997) કોઠારીના શોધક, પરીક્ષક, ખંતીલા, નિર્ણયબુદ્ધિ ધરાવતા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે.

‘સંગમયુગના દ્રષ્ટાની જીવનસરસ્વતી’ (ગોવર્ધનરામનું જીવનચરિત્ર) (2001), ‘યુગદેવતાને જીવનસમર્પણ’ (મહાદેવ દેસાઈની જીવનરેખા) (2002), ‘રાજા રામમોહન રાય’ (2002), ‘જીવનસૌરભ’ (અકબરનું જીવનચરિત્ર (2003), ‘અબોલ બોલે છે જગદીશનાં જીવનસંભારણાં’ (જગદીશચંદ્ર બોઝનું જીવનચરિત્ર) (2004) પ્રસ્તુત જીવનચરિત્રો જયંત કોઠારી પાસેથી મળ્યાં છે. ચરિત્રોમાં પણ સંશોધક ર્દષ્ટિ ભળી છે, જેથી પ્રત્યેક ચરિત્રની સત્ય હકીકત અહીં પ્રાપ્ત થાય છે. ચરિત્રલેખનમાં વિવેચક કોઠારીની કલમ સત્યપૂત અને રસાળ બની છે.

ગુજરાતી ભાષા વિશે વૈજ્ઞાનિક ર્દષ્ટિએ તૈયાર થયેલું પુસ્તક ‘ભાષા-પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’ (1973થી 2000, 6ઠ્ઠી આ.) અધ્યાપકીય કૌશલ અને આદર્શ પાઠ્યપુસ્તકના નમૂનારૂપ છે.

ભાષાની જોડણીવિષયક ઝુંબેશના સંદર્ભે ‘જો મન ખુલ્લું હોય તો’ (1998), ‘જોડણી વિશે ભૃગુરાય અંજારિયા’ (અન્ય સાથે, 1996), ‘શું ભાષાશુદ્ધિ-અભિયાન એ તૂત છે ?’ (1998) જેવા ભાષાવિષયક વિચારગ્રંથો તેમની પાસેથી મળ્યા છે.

કોઠારીએ માધ્યમિક શાળાનાં પાઠ્યપુસ્તકોનું સંપાદન અને ગુજરાતી વ્યાકરણનાં પાઠ્યપુસ્તકો, શિક્ષકોની નોંધપોથીઓ વગેરેનું લેખનકાર્ય પણ કરેલું છે. ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના મંત્રી તરીકે ‘અધીત’ના બે, ત્રણ, ચાર અને પાંચમા અંકનું સંપાદન કર્યું છે. 1985માં પુણેમાં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેત્રીસમા અધિવેશનમાં વિવેચન-સંશોધન વિભાગના તેઓ અધ્યક્ષ હતા.

કીર્તિદા શાહ