કોઠારી, દોલતસિંહ (જ. 6 જુલાઈ 1906, ઉદેપુર; અ. 4 ફેબ્રુઆરી 1993, જયપુર) : ભારતની સ્વાતંત્ર્યોત્તર પેઢીના બહુમુખી પ્રતિભાશાળી ભૌતિકવિજ્ઞાની અને શિક્ષણશાસ્ત્રી. તેમણે ઉદેપુર અને ઇંદોર ખાતે શાલેય શિક્ષણ લીધું. ઉદેપુરના મહારાજા તરફથી ખાસ શિષ્યવૃત્તિ મળતાં ઉચ્ચ શિક્ષણ માટે તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંથી ભૌતિકવિજ્ઞાનના વિષયમાં એમ.એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી.  ત્યારબાદ તે જ યુનિવર્સિટીમાં નિર્દેશક તરીકે નિમણૂક મળી. અહીં ડૉ. કોઠારીને જગવિખ્યાત ન્યૂક્લિયર અને ખગોળભૌતિકવિજ્ઞાની મેઘનાદ સહાના વિદ્યાર્થી બનવાનું સદભાગ્ય સાંપડ્યું. ત્યારબાદ તેઓ આધુનિક ભૌતિકવિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસાર્થે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંથી તેમણે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યાં કૅવેન્ડિશ લૅબોરેટરીમાં લૉર્ડ રૂધરફોર્ડ, પ્રો. કપિત્ઝા અને પ્રો. આર. એચ. ફાઉલર જેવા પ્રતિભાશાળી વિજ્ઞાનીઓ સાથે કામ કરવાની તક મળી. અન્ય થોડાક ભારતીય વિજ્ઞાનીઓની જેમ વિદેશને પોતાનું વતન ન બનાવતાં ડૉ. કોઠારી સ્વદેશ પાછા ફર્યા અને દિલ્હી યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના રીડર તરીકે જોડાયા. ત્યારબાદ પ્રાધ્યાપક અને તે જ વિભાગના અધ્યક્ષ તરીકે વર્ષો સુધી સેવાઓ આપી. દિલ્હીમાંથી મોટી સંખ્યામાં ભૌતિકવિજ્ઞાનના શિક્ષકો અને સંશોધકો તૈયાર કર્યા. નિવૃત્ત થતાં સુધીમાં તો તેમણે દિલ્હી યુનિવર્સિટીના ભૌતિકવિજ્ઞાન વિભાગને ભારતના નકશા ઉપર સ્થાન અપાવ્યું.

સ્વાતંત્ર્ય બાદ શિક્ષણના માળખાને સુગ્રથિત અને સમૃદ્ધ કરવા માટે ત્રીજા શિક્ષણપંચના અધ્યક્ષ તરીકે ડૉ. કોઠારીએ 1964-66 સુધી કામગીરી બજાવી. આ સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે 1961-73 સુધી કામ કર્યું. યુનિવર્સિટીઓની તંદુરસ્તી માટે તેમણે શૈક્ષણિક અને ઉદાર અભિગમ અપનાવ્યો હતો. પ્રાથમિક શિક્ષણની સઘનતા અને સમૃદ્ધિ માટે તેમણે તેમના હેવાલમાં ખાસ ભાર મૂક્યો છે. ત્યારબાદ તેમને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

દોલતસિંહ કોઠારી

ડૉ. કોઠારીનું વ્યક્તિત્વ એટલે શિક્ષણ અને સંશોધનનો અદભુત યોગ. વિવિધ કક્ષાએ તેમની પોતાની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. વિજ્ઞાન અને તકનીકી શબ્દકોશ-પંચના અધ્યક્ષ તથા રિસર્ચ કાઉન્સિલ ઑવ્ ગાંધી પીસ ફાઉન્ડેશનની કારોબારીના સભ્ય રહ્યા. સંરક્ષણ વિભાગના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે તેમણે એક દશકો સેવાઓ આપી. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન(Defence Research and Development Organisation – DRDO)ના અધ્યક્ષપદે રહી આ વિભાગને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ સાથે ઇન્ડિયન ફિઝિકલ સોસાયટી, ઇન્ડિયન નૅશનલ એકૅડેમી અને ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના તેઓ પ્રમુખ તરીકે રહ્યા હતા.

ક્વૉન્ટમ સ્ટૅટિસ્ટિક્સ, ક્ષુરણ પામતા (degenerating) પદાર્થના ગુણધર્મો, તારાઓનું આંતરિક બંધારણ, ઊર્જા-ઉત્પાદન અને અન્ય સંબંધિત વિષયો ઉપર એમના સંશોધનલેખો પ્રકાશિત થયેલા છે. તેમના અગાઉના સંશોધનલેખમાં ક્ષુરણ પામતા ઘટ્ટ (dense) પદાર્થની વૈદ્યુત તેમજ ઉષ્માવાહકતા (electrical and thermal conductivities) તેમણે નક્કી કરી હતી. તે ઉપરથી તેમણે એવો નિષ્કર્ષ તારવ્યો કે ક્ષુરણ પામતા તારાકીય (stellar) પદાર્થોમાં ઉષ્માવહન મહદંશે વહન (conduction) દ્વારા થતું હોય છે અને નહિ કે વિકિરણ દ્વારા. પ્રો. કોઠારીએ ન્યુટ્રૉન, ક્ષુરણ (degeneracy) અને શ્વેત વામન તારકો (white dwarfs) વચ્ચેના સંબંધનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરેલો છે. હાઇડ્રોજન-હાઇડ્રોજન પ્રક્રિયા(H-H reaction)માં ક્ષુરણ પામતા પદાર્થમાં ઉત્પન્ન થતી ઊર્જાનું મૂલ્ય પણ નક્કી કર્યું છે. ખગોળ-ભૌતિકી(astro-physics)માં ન્યુટ્રૉનના પ્રદાનનો સમાવેશ કરનાર તે સૌપ્રથમ વિજ્ઞાની હતા. 1933ની આસપાસ તેમણે દબાણ આયનીકરણ(pressure ionisation)નો સિદ્ધાંત વિકસાવ્યો હતો; જેનો ઉપયોગ શ્વેત વામન તારકોના બંધારણના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. તેમણે એવું દર્શાવ્યું છે કે ક્ષુરણ પામતા પદાર્થના બનેલા કોઈ તારકપિંડનું કદ ગુરુના ગ્રહ કરતાં મોટું હોઈ શકે નહિ. નાના ટુકડામાં વિભાજિત થતા તારાકીય પદાર્થો માટે પણ તેમણે એક સિદ્ધાંત વિકસાવેલ છે. ‘ન્યૂક્લિયર એક્સ્પ્લોઝન્સ ઍન્ડ ધૅર ઇફેક્ટસ્’ નામના તેમના અંગ્રેજી પુસ્તક(બીજી આવૃત્તિ, 1958)ને આવા જટિલ વિષય ઉપરના એક ઉત્તમ અને મૂલ્યવાન પ્રદાન તરીકે ગણવામાં આવેલું છે જે ભારતીય વિજ્ઞાનીઓની ગુણવત્તાને પ્રતિબિંબિત કરે છે.

બ્રહ્માંડવિજ્ઞાન (Cosmology); ન્યૂક્લિયર અને સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન તેમના શિક્ષણ અને સંશોધનના મુખ્ય વિષયો હતા. આ વિષયોના તેમના ઘણા સંશોધન-લેખો જગવિખ્યાત સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે. તેમનું પુસ્તક ‘ન્યૂક્લિયર એક્સપ્લોઝન ઍન્ડ ધેર ઇફેક્ટ્સે’ રાજકીય વિચારકો, બૌદ્ધિકો અને માનવ-હિતચિંતકોની આંખો ખોલી નાખી છે. આ મહામૂલા ગ્રંથનો રશિયન, જર્મન અને જાપાની ભાષાઓમાં અનુવાદ થયો છે.

ડૉ. કોઠારી વર્તમાન સદીના મહાન રાષ્ટ્રવાદી શિક્ષણશાસ્ત્રી અને વિજ્ઞાની હતા. રાષ્ટ્રોન્નતિની વિવિધ પ્રવૃત્તિઓ અને સંશોધન-સિદ્ધિઓના ઉપલક્ષમાં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’ના ખિતાબો એનાયત કર્યા હતા.

ડૉ. કોઠારી જૈન ધર્મના ઊંડા અભ્યાસી હતા. જૈન ધર્મના કેટલાક ખ્યાલોનું તેમણે પાંડિત્યપૂર્ણ વૈજ્ઞાનિક અર્થઘટન કર્યું છે. જૈન ધર્મના વૈજ્ઞાનિક અભિગમને અનુલક્ષી તેમને અણુવ્રત ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ સાથે ડૉ. કોઠારીનો વર્ષો સુધી સંબંધ રહેલો. એક વખત ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠમાં ડૉ. કોઠારીને એેવા ઝાડુની રચના કરવાનું સૂચન કર્યું જેનાથી વાળનારના મોઢામાં ધૂળ ન જાય, કમરને કનડગત ન થાય અને વાળવામાં કાર્યક્ષમતા જળવાઈ રહે. ગાંધીજીનું આ સૂચન અત્યંત માર્મિક હતું. એટલે કે આપણા દેશ અને સમાજને અનુરૂપ પ્રદૂષણરહિત, સ્વદેશી અને કાર્યક્ષમ ટૅક્નૉલૉજીનો આગ્રહ ગાંધીજી રાખતા હતા. ગાંધીજીનું આ સૂચન ડૉ. કોઠારીના હૃદયને સ્પર્શી ગયું. પરિણામે ડૉ. કોઠારીના જીવનમાં અને વિવિધ કાર્યક્ષેત્રોમાં સ્વદેશીપણાની ભાવના જળવાઈ રહી હતી. આથી ડૉ. કોઠારી અદ્યતન ટૅક્નૉલૉજીને ઘરઆંગણે વિકસાવવા હિમાયત કરતા હતા, જે આજે ડી.આર.ડી.ઓ. (Defence Research development organisation) વિભાગમાં મૂર્ત થતી જાય છે. ગાંધીવિચારોને અનુકૂળ એવા ડૉ. કોઠારીએ ગૂજરાત વિદ્યાપીઠના વિજ્ઞાન, શાંતિ અને અહિંસા વિભાગને વર્ષોથી માર્ગદર્શન આપી તેની માવજત કરી છે.

એરચ મા. બલસારા

પ્રહલાદ છ. પટેલ