કોચી : ભારતના પશ્ચિમ કિનારે એર્નાકુલમ્ જિલ્લામાં અરબી સમુદ્ર ઉપર આવેલું કેરળનું પ્રમુખ બંદર. તે 9o 58′ ઉ. અ. અને 76o 14′ પૂ. રે. ઉપર મુંબઈથી દક્ષિણે 930 કિમી. અને કન્યાકુમારીથી ઉત્તરે 320 કિમી. દૂર આવેલું છે. 1930થી આ બંદરના વિકાસનો પ્રારંભ થયો હતો અને 1936માં તેને પ્રમુખ બંદર તરીકે જાહેર કરાયું હતું. વેમ્બાડ સરોવર અને સમુદ્ર વચ્ચેનો કાંપ દૂર કરી બિલિંગ્ડન ટાપુની પૂર્વ તરફ એર્નાકુલમ્ ખાડી અને પશ્ચિમે મટ્ટનચેરી ઉપર આવેલું આ બંદર બારમાસી છે. આજુબાજુની લીલીછમ વનરાજિને કારણે તેને ‘અરબી સમુદ્રની રાણી’નું બિરુદ મળ્યું છે. રૉબર્ટ બિસ્ટોના પ્રયાસથી આ બંદર મહત્વ પ્રાપ્ત કરી શક્યું છે.
સમુદ્ર નજીક હોવાથી ઉનાળા અને શિયાળાનું તાપમાન મે અને જાન્યુઆરી માસમાં અનુક્રમે 33o અને 23o સે. રહે છે. આબોહવા ગરમ અને ભેજવાળી છે. અહીં જૂનથી ઑક્ટોબર સુધીમાં 3046 મિમી. વરસાદ પડે છે. કિનારે નારિયેળી, કેળ, આંબા તથા ફણસનાં વૃક્ષો જોવા મળે છે. ડાંગર, નારિયેળ, મરી, આદું, હળદર, લેમનગ્રાસ, રબર, ટૅપિઓકા, કંદ, ઇલાયચી, ચા, સોપારી, શેરડી, કેરી, કેળાં વગેરે તેના પીઠપ્રદેશનો પાક છે. કિનારાના પ્રદેશમાં મત્સ્યઉદ્યોગ વિકસ્યો છે. સાબુ બનાવવાનાં કારખાનાં, તેલ મિલ, લાકડાંની લાટી, ડાંગર છડવાની મિલ વગેરે જેવાં કારખાનાં છે. તેના પીઠપ્રદેશમાંનું અલવાઈ કેરળનું ‘રુહર’ કહેવાય છે. સસ્તી વીજળીને કારણે ઇલેક્ટ્રૉનિક્સ, વિરલ મૃદ, રેયૉન, સિમેન્ટ, રિફાઇનરી વગેરે જેવાં જાહેરક્ષેત્રોનાં ઘણાં કારખાનાં છે.
કોચી બંદર દ્વારા પેટ્રોલિયમ અને તેની પેદાશો, કોલસો, રસાયણો, ખાતર, રૉક ફૉસ્ફેટ, ગંધક, મીઠું, અનાજ, લોખંડ અને સ્ટીલ, કાચાં કાજુ, યંત્રો, ખાદ્ય તેલ વગેરે આયાત થાય છે, જ્યારે રબર, નારિયેળ, ચા, કૉફી, કોપરાં, કોપરેલ, બાંધકામનો સામાન, શુદ્ધ પેટ્રોલ, કાથી અને તેની બનાવટો, હાડકાંનો ભૂકો, કાજુ, મરી, ઇલ્મેનાઇટ, ઔષધિઓ, મચ્છી, જિંગા વગેરેની નિકાસ થાય છે. ત્યાં ભારતીય નૌકાદળનું મથક છે અને જાપાનની મદદથી જહાજવાડાનું નિર્માણ થયેલું છે. ત્યાં નૌકાદળનું મ્યુઝિયમ શરૂ કરાયું છે. 1978થી મચ્છીમારી બારાની રચના થઈ છે. ત્યાં 60,000થી 80,000 ટનનાં જહાજો આવે છે. હવે 1,50,000 ટનનાં મોટાં ટૅન્કરો આ બંદરે આવી શકે છે.
કોચી જળમાર્ગ, રેલમાર્ગ, હવાઈ માર્ગ તથા ધોરીમાર્ગો દ્વારા કેરળ અને કર્ણાટકના પીઠપ્રદેશ સાથે જોડાયેલું છે.
ઇતિહાસ : ચીનાઓને આ બંદરની નવમી સદીથી જાણ હતી. કાલિકટમાં ન ફાવવાથી ક્રેબલે ત્યાં ઉતરાણ કરી કોચીના રાજાને મળીને કોઠી નાખી હતી. દરિયાકિનારે અલ્બુકર્કે 1503માં ત્યાં કિલ્લો બાંધ્યો હતો. કોચી રાજ્યને કાલિકટના ઝામોરીન સાથેના વિગ્રહોમાં પોર્ટુગીઝ નૌકાકાફલા અને સૈન્યની સહાય મળતાં તે કાલિકટથી સ્વતંત્ર થયું હતું. વાસ્કો ડી ગામા અહીં 1502માં આવ્યો હતો. 1565માં યહૂદીઓ ક્રેગેનોર છોડીને ત્યાં વસ્યા હતા. તેમનું પ્રાચીન દેવળ પણ ત્યાં છે. એક સૈકા સુધી પોર્ટુગીઝો હિંદી મહાસાગરમાં સર્વોપરિ રહ્યા હતા અને પરદેશગમન કરતાં વહાણોને તેમનો પરવાનો લેવો પડતો હતો. મરી વગેરે તેમના તેજાના પોર્ટુગીઝો પોતે નક્કી કરે તે ભાવથી ખરીદવાનો ઇજારો ધરાવતા હતા. ડચો પ્રબળ બનતાં કોચી ડચ સત્તા નીચે સમૃદ્ધ થયું હતું. (1663-1795). ટીપુ સુલતાનના આક્રમણને કારણે કોચીના રાજાએ 1796માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શરણ સ્વીકાર્યું હતું. કોચી બંદર 1947 સુધી મદ્રાસ ઇલાકાના ભાગરૂપ હતું. કોચી રાજ્ય ભારતનાં પ્રગતિશીલ દેશી રાજ્યો પૈકી એક હતું અને ત્યાં શિક્ષણનું પ્રમાણ ભારતના અન્ય ભાગ કરતાં વિશેષ હતું. 10 જુલાઈ 1971ના રોજ કોચી યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. સમવાયી પ્રકારની આ યુનિવર્સિટીમાં મહાસાગર વિજ્ઞાન અને સાગરભૂવિજ્ઞાન જેવા વિશિષ્ટ વિષયો શીખવાય છે. આ જિલ્લાની વસ્તી આશરે 35,07,053 (2024), જ્યારે મેટ્રો પોલિટન શહેરની વસ્તી 6,02,046 (2024).
રસેશ જમીનદાર
જયકુમાર ર. શુક્લ