કોકેન : ઇરિથ્રોક્સિલમ કોકા નામના છોડનાં પાંદડાંમાંથી મળી આવતું સફેદ સ્ફટિકમય મુખ્ય આલ્કલૉઇડ. તેનું અણુસૂત્ર C17H21O4N છે તથા બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે.
તેને બેન્ઝોઇલ મિથાઇલ એક્ગૉનીન પણ કહી શકાય. કોકોનો છોડ બેથી ત્રણ મીટર ઊંચાઈ ધરાવે છે. ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં અને ખાસ કરીને દક્ષિણ અમેરિકામાં બોલિવિયા, પેરૂ, કોલંબિયા વગેરે દેશોમાં તે મળી આવે છે. ત્યાંના મૂળ વતનીઓને તેનાં પાંદડાં ચૂના સાથે ચાવવાની આદત હતી, જેમાંથી કોકેન છૂટું પડતું. તે ઉત્તેજક (stimulating) અસર ધરાવતું હોવાને લીધે શરીરમાં સ્ફૂર્તિ લાવી તેને વધુ કાર્ય કરવાની શક્તિ પ્રદાન કરે છે. તે લેવાથી ભૂખ ઘટતી જાય છે અને દરરોજ લેવાથી બંધાણ થઈ જાય છે. તે વ્યસનકારક કહી શકાય નહિ, કારણ કે તેને લેવાનું બંધ કરતાં કોઈ જાતની આડઅસર ઉદભવતી નથી. વધુ લાંબો સમય લેવાથી ચિત્તવિક્ષેપી મનોરોગ (paranoid psychosis) ઉત્પન્ન થાય છે અને છેવટે મૃત્યુ નીપજે છે. 1860માં એ. નાઇમૅને તેને કોકાના પાનમાંથી છૂટું પાડ્યું. સિગ્મન્ડ ફ્રૉઇડે 1889માં મોઢા પરની અસર જાતે તપાસી અને જણાવ્યું કે તે લેવાથી જીભ જૂઠી પડી જાય છે. 1884માં ઈ. કોલરે આંખ પર તેની નિશ્ચેતક અસર બતાવી ત્યારથી વાઢકાપમાં સ્થાનીય નિશ્ચેતકનો પ્રથમ ઉપયોગ થયો તેમ કહી શકાય. પ્રોકેન તથા તેના જેવાં બિનવિષાળુ સંશ્લેષિત નિશ્ચેતકોની શોધ થવાથી હાલમાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. કોકેનનું બંધારણીય સૂત્ર વિલસ્ટેટરે 1901માં નક્કી કર્યું અને 1923માં રૉબિન્સનની રીત દ્વારા તેનું સંશ્લેષણ કર્યું. તે હૃદયના ધબકારામાં વધારો કરે છે તથા રક્તદબાણ વધારે છે. કોકેન લેનાર વ્યક્તિ સ્ફૂર્તિ અને સુખની ભ્રાંતિ (euphoria) અનુભવે છે. તે વિષાળુ અસર ધરાવતું હોઈ અને ઔષધ-પરવશતા (drug dependence) ધરાવતું હોવાને લીધે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનિઝેશને તેને બિનઅધિકૃત ઔષધ તરીકે જાહેર કર્યું છે. કોકેન અસરકારક સ્થાનિક નિશ્ચેતક તરીકે મુખ્યત્વે દંતચિકિત્સકો દ્વારા તેમજ આંખ, નાક, ગળાની વાઢકાપ દરમિયાન વપરાતું હતું. પણ હવે વધુ સારાં સ્થાનિક નિશ્ચેતકો વાપરવામાં આવે છે.
જ. પો. ત્રિવેદી