કૉકેસસની હારમાળા : રશિયાના નૈર્ઋત્ય ભાગમાં આવેલી હારમાળા. ભૌગોલિક સ્થાન : 42o 30′ ઉ. અ. અને 45o 00′ પૂ. રે.. આલ્પ્સ અને હિમાલય જેવા જળકૃત ખડકોના ગેડવાળા ટર્શિયરીયુગમાં બનેલા પર્વતો છે. કાળા તથા કાસ્પિયન સમુદ્રોના તામન અને અપ્શેરોન દ્વીપકલ્પ પ્રદેશોમાં તે આવેલી છે. તેની લંબાઈ 1210 મીટર છે. આ પહાડોમાં ઇલરૂઝ (5617 મી.) અને કઝબેક (4968 મી.) નામનાં ઊંચાં શિખરો હિમાચ્છાદિત છે. કૉકેસસમાં ઉત્તરના પર્વતોમાં સીસું અને જસત મળે છે. લોખંડ, મૅંગેનીઝ, તાંબું અને ઍલ્યુમિનિયમ દક્ષિણના પર્વતોમાં નીકળે છે. જ્યારે સુલેક પ્રદેશમાં  બાકુ, તિફલીસ, ગ્રોઝની અને માયકોપ જેવાં ખનિજતેલનાં ક્ષેત્રો છે. સુલેક નદીના જળમાંથી વિદ્યુતશક્તિ ઉત્પન્ન કરતું મથક આવેલું છે. આથી કૉકેસસ પહાડી વિસ્તારમાં અનેક ઉદ્યોગો વિકસ્યા છે. ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ર્દષ્ટિએ રશિયા માટે કૉકેસસ પહાડોનું મહત્વ વિશિષ્ટ છે. ઐતિહાસિક કાળમાં પરંપરાથી કૉકેસસની હારમાળા યુરોપ અને એશિયાની સરહદ તરીકે આલેખવામાં આવતી, પરંતુ હાલમાં તેનું વહીવટી ર્દષ્ટિએ કોઈ જ મહત્વ રહ્યું નથી.

જ્યોતેન પ્ર. વ્યાસ