કોકીડીઓ ઓઇડો માયકોસિસ

કોકીડીઓ ઓઇડો માયકોસિસ : કોકીડીઓઇડીસ ઇમિટિસ નામની ફૂગથી વનસ્પતિને થતો રોગ. સેબોરાડ ગ્લુકોઝ અગારના માધ્યમ ઉપર તે ફૂગ જેવું તંતુમય સંવર્ધન દર્શાવે છે, જ્યારે રોગગ્રસ્ત ભાગમાંથી થતા બહિ:સ્રાવમાં તે જાડી દીવાલના આંતર બીજાણુવાળા એકકોષીય જીવ તરીકે દેખાય છે.

આ રોગ વૅલીફીવર, સાન વાકીન ફીવર અને ડેઝર્ટ રૂમેટિઝમ જેવા જુદા જુદા નામે ઓળખાય છે. હવામાં રહેલા બીજાણુઓ શ્વાસ વાટે ફેફસામાં દાખલ થવાથી તેનો ચેપ લાગે છે. મોટાભાગના દરદીઓમાં રોગ હળવા પ્રકારનો હોય છે, જ્યારે 30 %થી 40 % દરદીઓમાં તીવ્ર કફજ્વરનો રોગ થાય છે. આ ફૂગ મૃતોપજીવી છે અને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક ચોક્કસ વિસ્તારમાં એના બીજાણુઓ મોટા પ્રમાણમાં ફેલાયેલા હોય છે.

યુ. એમ. દેસાઈ