કૉર્બૂઝિયે, લ. (જ. 6 ઑક્ટોબર 1887, લા ચો-દ-ફોન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 29 ઑગસ્ટ 1965, કેપ માર્ટિન, ફ્રાંસ) : ક્રાન્તિકારી સ્થાપત્યના પ્રણેતા. મૂળ નામ શાર્લ એદવાર ઝનિરે. સ્વિટ્ઝર્લૅન્ડના ફ્રાંસની સરહદે આવેલા લા-શૉદ-ફૉના મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ.
સ્થપતિ, શિલ્પી, ચિત્રકાર, કવિ, ફિલસૂફ અને સ્થાપત્યના એક નવા યુગના સર્જક કૉર્બૂઝિયેએ મૂળ તાલીમ તો કોતરણીકાર (engraver) તરીકેની લીધેલી. પરંતુ અંગત રસ અને આગવી સૂઝથી ફક્ત 17 વર્ષની વયે તેમના ચિત્રશિક્ષક માટે એક ઘર બાંધીને પોતાના સ્થાપત્યકલાસર્જનની શરૂઆત કરી.
સ્વિટ્ઝર્લૅન્ડ છોડી પૅરિસ સ્થાયી થયા તે દરમિયાન ચિત્રકાર તેમજ સંપાદક તરીકેની ભૂમિકાઓ તેમના સ્થાપત્યસર્જનમાં ખૂબ અગત્યની બની રહી. ચિત્રકલા દ્વારા રેખાના વળાંકો, સાતત્ય, આકાર, ભૂમિતિ તથા પ્રકાશની માત્રા વગેરેનો મહાવરો મળ્યો જ્યારે ‘ન્યૂ સ્પિરિટ’ નામની પત્રિકાના પ્રકાશન દરમિયાન ઇતિહાસ તથા પ્રવર્તમાન સ્થાપત્ય અંગે ગહન વિચાર અને ચિંતન કરવાનો મોકો મળ્યો.
સર્જનાત્મક શક્તિ, મૌલિકતા અને વિચારોની પરિપક્વતાનો સુભગ સમન્વય તેમના સ્થાપત્યમાં અચૂક જોવા મળે છે.
શુદ્ધ પ્રાથમિક આકારો જેમ કે ઘન (cube), શંકુ (cone), નળાકાર (tube) વગેરેના નિરૂપણ ઉપરાંત વીસમી સદીને અનુરૂપ આધુનિક શૈલીના નકશા (designs) અને બાંધકામ કૉર્બૂઝિયેના સ્થાપત્યનાં અગત્યનાં પાસાં હતાં.
ઇમારતોની સંરચનામાં સિમેન્ટ-કૉંક્રીટનો તે બહોળો ઉપયોગ કરતા. આ નવીન સામગ્રી (material) અને બાંધકામપદ્ધતિને લીધે થાંભલા પર મકાન ઊભું કરીને બહુમૂલ્ય જમીનને બીજા ઉપયોગો માટે ફાળવી શકાતી. અગાસી પર બગીચો કરી તેનો પણ આગવો ઉપયોગ તેમણે શક્ય બનાવ્યો. ઇમારતનો ભાર ચોક્કસ ભૂમિતિમાં ગોઠવેલ સ્તંભો પર આવતાં અંદરની દીવાલો અને બારીબારણાં માત્ર પડદા સ્વરૂપ બનતાં. કદ અને અવકાશ મૂળ ઉપયોગ અને ઉદ્દેશને અનુરૂપ બની શકે તે રીતે દીવાલોને મુક્ત વળાંક આપી શકાતા. તે માનતા કે કદ અને આકાર દ્વારા સ્થાપત્ય પ્રદર્શિત જરૂર થાય છે; પરંતુ તેના ઉદભવસ્થાને તો પ્લાન એટલે કે ખંડોની ગોઠવણી દીવાલોની સંરચના – રહેલી હોય છે, જ્યારે બારી-બારણાં એ સ્વરૂપની સૂક્ષ્મતાને ઉપસાવવાનું કાર્ય કરે છે.
સ્વાભાવિક વિશિષ્ટતા અનુસાર આકારોની ગૂંથણીથી એક પ્રકારનો લય સર્જાય છે, જેની અનુભૂતિ આપણી સંવેદનાને સ્પર્શી જાય છે.
ફ્રાંસમાં બાંધેલ દેવળ રોશોં (Ronchamp) આ ફિલસૂફી-અનુભૂતિને અચૂક પ્રતિપાદિત કરે છે. મૂળભૂત આકારોની શુદ્ધતા અને રેખાના લય અને મુક્ત વળાંકોના સંગમ ઉપરાંત કૉર્બૂઝિયેના સ્થાપત્યની પરિભાષાની બીજી સામાન્ય સંજ્ઞાઓ સ્તંભ (column), ઢોળાવ(ramp), સૂર્યરોધકો (sun-breakers), અગાસી-બગીચો (terrace garden) અને લાંબી રિબન બારીઓ ગણાવી શકાય.
વિલા સેવૉય (ફ્રાંસ), ફૉર વિઝ્યુઅલ આર્ટ્સ (અમેરિકા), માર્સે (ફ્રાંસ), મ્યુઝિયમ (જાપાન), લાતૂરેત (ફ્રાંસ) વગેરે સ્થાપત્યકલાના ઉત્કૃષ્ટ નમૂનાએ તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે. તેમના સર્જનથી પ્રભાવિત થઈ પંડિત જવાહરલાલ નહેરુએ તેમને તદ્દન નવા શહેર ચંડીગઢના નિયોજન માટે આમંત્રિત કર્યા હતા. નગરરચનાના નિષ્ણાત તરીકે લિયોનાર્દો દ વિન્ચી બાદ તેમનું નામ લેખાય છે. આવનાર સદીની જરૂરિયાતનો અગાઉથી વિચાર કરી તેમણે નગરનિયોજનમાં સુસંગત પહોળા રસ્તા, વિશાળ બગીચા, તેને મુક્ત રીતે સાંકળતી પગદંડીઓ અને ઊંચી બહુમાળી ઇમારતોનું સર્જન કર્યું. ચંડીગઢ ઉપરાંત પૅરિસથી માંડી બ્વાનસેરીઝ સુધીના નગરનિયોજનના નકશા તેમણે બનાવ્યા છે.
ચંડીગઢમાં સચિવાલય, હાઈકોર્ટ, વિધાનસભા વગેરે મકાનો અને અમદાવાદમાં મિલઓનર્સ ઍસોસિયેશનનું મકાન, મ્યુઝિયમ, સારાભાઈનું ઘર તથા શોધન વિલા વગેરેથી ભારત કૉર્બૂઝિયેના એક દેશમાં સૌથી વધુ સર્જનો ધરાવતું હોવાનું ગૌરવ લઈ શકે છે.
સ્થાપત્ય અને નગરરચના ઉપરાંત ચિત્રકાર તરીકે પણ તેમણે આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. પિકાસોની ક્યૂબિસ્ટ શૈલી ગણાતી તેમ કૉર્બૂઝિયે પ્યૉરિસ્ટ શૈલીનાં ચિત્રો બનાવતા જે પ્રતિષ્ઠિત મ્યુઝિયમોમાં પ્રદર્શિત છે.
આ બહુમુખી પ્રતિભાનાં સમગ્ર સર્જનો, વિચારો અને ચાળીસ ઉપરાંત પુસ્તકો તેમના અવસાનના ત્રણ દાયકા બાદ પણ દરેક પેઢીને પ્રેરતાં રહી સ્થાપત્યશાસ્ત્રના શિક્ષણનું એક અભિન્ન અંગ અને માધ્યમ બની ગયાં છે.
છેલ્લા ચાર દાયકાના સ્થાપત્યની ઊંચી ગુણવત્તાનું પ્રત્યક્ષ-પરોક્ષ નિમિત્ત લ. કૉર્બૂઝિયે રહ્યા છે.
બાલકૃષ્ણ દોશી