કૉર્બિયે ત્રિસ્તાં

January, 2008

કૉર્બિયે, ત્રિસ્તાં (જ. 18 જુલાઈ 1845, કોતકાંગાર, બ્રિતાની, ફ્રાંસ; અ. 1 માર્ચ 1875, મોર્લે) : ફ્રેંચ કવિ. મૂળ નામ એદુઆજોઆશિમ. પિતા ખલાસી, જહાજના કપ્તાન અને ખલાસીઓ તથા સમુદ્ર વિશેની નવલકથાઓના લેખક. એમનાં લખાણોનો કૉર્બિયેની કવિતા પર પ્રબળ પ્રભાવ હતો. પંદર વર્ષની વયે કૉર્બિયેને સંધિવા(rheumatism)નો રોગ થયો હતો. મોર્લેમાં અભ્યાસ કર્યો પણ માંદગીને કારણે અભ્યાસ અધૂરો રહ્યો હતો. શાળામાં લૅટિન ભાષાનો અભ્યાસ કર્યો હતો. માવજત માટે પ્રથમ નાંતમાં અને કાનમાં વસ્યા

ત્રિસ્તાં કૉર્બિયે

પછી રોસ્કોફમાં વસ્યા હતા. જન્મથી તો એમનો દેહ સુડોળ હતો પણ રોગને કારણે પછી એમની આકૃતિ કંઈક વિકૃત બની, એમનો દેહ કંઈક વિરૂપ થયો હતો. વધુમાં એમનો વેશ – હૅટ, બૂટ, શર્ટ, દાઢી બધું જ – વિચિત્ર. બુઝર્વા સમાજને આઘાત આપવા માટે એમનું વર્તન પણ બોદલેરના બોહેમિયન ડૅન્ડી જેવું વિચિત્ર – ધૂની, તરંગી, અપ્તરંગી. હવે આ સમયમાં એમણે એમનું નામ પણ બદલ્યું : ત્રિસ્તાં. એક કૂતરો પાળ્યો, એનું નામ પણ રાખ્યું : ત્રિસ્તાં બીજો. એનો વેશ અને એનું વર્તન પણ વિચિત્ર. એથી હવે સમાજે કૉર્બિયેનું નામ રાખ્યું : આંકુ (મૃત્યુ). આ સમયમાં એમના આ વિચિત્ર વ્યક્તિત્વ વિશે એમણે કૅરિકેચર જેવાં અતિશયોક્તિપૂર્ણ અનેક રેખાચિત્રો કર્યાં છે. અહીં આ સમયમાં 1870 પૂર્વે એમનાં સૌ મહત્વનાં કાવ્યો રચાઈ ચૂક્યાં હતાં. એમણે 1869-70માં ઇટલીનો અને 1871માં નિકટના પૂર્વના પ્રદેશોનો પ્રવાસ કર્યો હતો. 1871માં રોસ્કોફમાં એ કાઉન્ટ રોદોલ્ફ દ બાતિનની ઉપવસ્ત્ર એવી ઇટાલિયન નટી આત્રિદાના પ્રેમમાં હતા. આ અનુભવની પ્રેરણાથી એમણે એમનાં ઉત્તમ પ્રેમકાવ્યોનો સંચય ‘લે ઝામુર ઝોન’ – ‘પીતવર્ણ પ્રણય’ – રચ્યો. છ માસ પછી કાઉન્ટ અને આર્ત્રિદા પૅરિસ ગયાં. 1872માં કૉર્બિયે એમની પાછળ પાછળ પૅરિસ ગયા. પૅરિસમાં મોંમાર્ત્રમાં શ્યુ બ્લાંશમાં એક સ્ટુડિયો-સિતે ગેઈલા-માં વસ્યા. અહીં પણ એમણે કાવ્યો અને ચિત્રો રચ્યાં. 1872માં કાવ્યસંગ્રહ(490 નકલો)નું પ્રકાશન કર્યું. કાવ્યસંગ્રહ પિતાને અર્પણ કર્યો. પૅરિસમાં ક્ષયરોગ થયો. ડૉક્ટર દુવાલના દવાખાનામાં દાખલ થયા. ત્રીસ વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. હાસ, ઉપહાસ, અટ્ટહાસ, કટાક્ષ, વક્રતા, ક્રૂરતા, કૅરિકેચર, આત્મનિર્ભર્ત્સના, વિચિત્ર વિરામચિહનો તથા વ્યાકરણ, અપરિચિત શબ્દો તથા શ્લેષ, ખલાસીઓની બોલી તથા બોલચાલની ભાષા, અંગત વિચિત્ર કલ્પનો તથા લયો આદિ લક્ષણો સમેતની, એમનાં વિશિષ્ટ સ્વભાવ અને વિચિત્ર વ્યક્તિત્વને અનુરૂપ એવી, એમની કવિતા છે. એમની કવિતા એમના પિતાનાં ગદ્ય-લખાણો અને બોદલેરની પ્રતિરોમૅન્ટિક વિદ્રોહી કવિતાનો પ્રભાવ દર્શાવે છે. એ એમના જીવનકાળમાં પ્રસિદ્ધ ન હતા. એમના અવસાન પછી એમના મિત્રોએ એમની સમગ્ર કવિતાનું સંપાદન કર્યું હતું. પછી એ જગપ્રસિદ્ધ થયા હતા. લાફોર્ગ, એલિયટ આદિ અનુકાલીન કવિઓની કવિતા પર એમની કવિતાનો પ્રભાવ છે. ફ્રેંચ કવિતાના ઇતિહાસમાં એમનો એકમાત્ર પ્રતિસ્પર્ધી મધ્યકાલીન કવિ વિયોં છે. તેમની જીવનકથા 1925માં આર. માર્ટિન્યુએ પ્રસિદ્ધ કરી છે.

નિરંજન ભગત