કૉર્બેટ, જિમ (જ. 25 ઑગસ્ટ 1875, નૈનિતાલ; અ. 1955) : કુમાઉં(ઉત્તર પ્રદેશ)ના માનવભક્ષી વાઘોના અઠંગ શિકારી તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ અંગ્રેજ શિકારી. પિતા ક્રિસ્ટોફર ટપાલખાતાના અધિકારી. કૉર્બેટે મૅટ્રિક સુધીનું માધ્યમિક શિક્ષણ લઈ અઢાર વરસની વયે રેલવેમાં નોકરી લીધી. હિમાલયના પ્રદેશમાં  વૅકેશન ગાળતાં જંગલજીવનનો સીધો પરિચય થયો. 1920થી 1944 સુધી નૈનિતાલની સુધરાઈના સભ્યપદે સેવા આપી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન (1939-45) બ્રિટિશ સૈનિકોને જંગલયુદ્ધની તાલીમ આપવાની કામગીરી દરમિયાન કુમાઉંનું જંગલ ખૂંદવાની અને વાઘ, ચિત્તા, દીપડા વગેરેની ખાસિયતોનો અભ્યાસ કરવાની તક મળી. તેમણે પ્રાણીઓના અવાજની નકલ કરવામાં પ્રાવીણ્ય મેળવ્યું હતું. શિકારી જીવન દરમિયાન 1500 માણસોનો જીવ લેનાર બાર વાઘોને ખતમ કર્યા. તેમણે શિકારી જીવનના અનુભવથી તારણ કાઢ્યું કે રાની પશુઓ ઘવાય કે તેના ઉપર હુમલો થાય તો જ માણસ ઉપર હુમલો કરે છે. તેમણે જંગલી પ્રાણીઓના અભ્યાસ તથા રક્ષણ માટે મંડળ સ્થાપી તે અંગેનું સામયિક શરૂ કર્યું હતું. તેમના પ્રયત્નથી ગઢવાલમાં રાષ્ટ્રીય ઉપવન તથા હેલી ઉપવન અસ્તિત્વમાં આવ્યાં. તેમણે જંગલજીવનના અનુભવોને વર્ણવતાં છ પુસ્તકો લખ્યાં છે. તે પૈકી ‘મૅનઈટર્સ ઑવ્ કુમાઉં’ એ ખૂબ જાણીતું છે. 1947માં તે કેન્યા ગયા અને તેમણે તેમનું ઘર રાષ્ટ્રીય સંગ્રહસ્થાન માટે આપ્યું.

જિમ કૉર્બેટ

શિવપ્રસાદ રાજગોર