કૉર્નેલિયસ, પીટર (જ. 1783, ર્હાઇન્લૅન્ડ, જર્મની; અ. 1867) : જર્મન રંગદર્શી ચિત્રકાર, નેઝેરનેસ (Nazarenes) કલા-આંદોલનનો એક અગત્યનો કલાકાર. આ આંદોલનની એક મહત્વની નેમ મધ્યયુગીન ગૉથિક કલાની પુન:પ્રતિષ્ઠા (‘ગૉથિક રિવાઇવલિઝમ’) હતી, જેની સિદ્ધિમાં કૉર્નેલિયસે પોતાનાં ચિત્રો દ્વારા મહત્વનો ફાળો આપ્યો. જર્મન મહાકવિ ગેટેના પદ્યનાટક ‘ફાઉસ્ટ’ (Faust) માટે તેમણે જર્મન ચિત્રકાર ડ્યુરર(Du..rer)ની શૈલીમાં વાસ્તવદર્શી શૈલી વડે દર્શકના ચિત્તમાં રંગદર્શી ભાવોદ્રેક કરનારાં પ્રસંગચિત્રો આલેખ્યાં. આ ચિત્રો ઉત્તમ ગુણવત્તા ધરાવતાં હોવા છતાં ગેટેએ તેમના પ્રત્યે નારાજગી પ્રકટ કરી. કૉર્નેલિયસ રોમ ચાલ્યા ગયા અને માઇકલેન્જેલો તથા અન્ય હાઇરેનેસાં ચિત્રકારોની કૃતિઓનો તેમણે અભ્યાસ કર્યો. પ્રશિયાના રાજા માટે કૉર્નેલિયસે ‘ફૉર હોર્સમૅન ઑવ્ ધી એપોકેલિપ્સ’ નામનું ચિત્ર તૈયાર કર્યું. આ ચિત્ર તેમની શ્રેષ્ઠ કૃતિ ગણાવાઈ છે. તેમાં ધસમસતી દેખાતી આકૃતિઓની ગતિ-શક્તિ સાથે કરુણ ભાવને સંયોજિત કરવામાં તેઓ સફળ થયા છે.

અમિતાભ મડિયા