કૉર્નેલ, જોસેફ (જ. 1903; અ. 1972) : આધુનિક અમેરિકન કોલાજ-શિલ્પી. ખોખાંમાં કલાકૃતિઓ સર્જવાનું એમણે આરંભ્યું હતું. 1930 પછી તૈયાર ખોખું લઈ તેમાં કાચની શીશીઓ, પ્લાસ્ટિકનાં અને ધાતુનાં રમકડાં, ફોટોગ્રાફ, ઘડિયાળ આદિ ઉપાર્જિત (ready-made) જણસો ગોઠવીને ખોખાની એક બાજુએથી અપારદર્શક સપાટી હઠાવીને પારદર્શક કાચ ગોઠવીને એ રજૂઆત કરે છે. આ પારદર્શક કાચની સપાટી દર્શક સામે ધરવામાં આવે છે. વિવેચકો આ કલાસ્વરૂપને કોલાજનો જ એક પ્રકાર ગણાવે છે. તેમની શ્રેષ્ઠ ખોખાંકૃતિઓમાં ‘મેડિચી, સ્લૉટ મશીન’ (1942) અને ‘ફાર્મસી’ (1943) ગણાય છે. આધુનિક અમેરિકન કલા ઉપર તેમની મોટી અસર છે.

અમિતાભ મડિયા