કૉર્ડોવા : દક્ષિણ સ્પેનના અંડાલુસિયાના મેદાનમાં સિયેરા મોરેના પર્વતની તળેટીમાં ગૌડાલકવીવીર નદીને કાંઠે આવેલું પ્રાચીન સ્થાપત્ય તેમજ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું કેન્દ્ર તથા તે જ નામના પ્રાંતની રાજધાની. ભૌગોલિક સ્થાન : 37° 53′ ઉ.અ. તથા 4.46′ પ. રે. પ્રાંતની વસ્તી : 7,67,175 તથા શહેરની વસ્તી 3,25,708 (2023) અને મેટ્રો શહેરની વસ્તી 3,45,000 (2023)

શિયાળામાં આહ્લાદક આબોહવા અને ઉનાળામાં સખત ગરમી ધરાવતા આ સ્થળે વાર્ષિક સરેરાશ 500 મિમી. વરસાદ પડે છે. ફળદ્રૂપ મેદાનમાં અનાજ, ફળો, ઑલિવ, કપાસ વગેરે ઉગાડાય છે. સૂકા ભાગમાં ઘેટાં અને ડુક્કરો ઉછેરાય છે. કાપડની મિલ અને દારૂ ગાળવાનાં કારખાનાં, સોનારૂપાનું કોતરકામ અને ચામડાની એમ્બૉસ કરેલી વસ્તુઓ વગેરે માટે તે જાણીતું છે. કોલસો, સીસું અને તાંબું વિપુલ માત્રામાં મળે છે. તેથી તાંબું શુદ્ધ કરવાનો અને યંત્રો બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે.

ઇતિહાસ : મૂળ તે કાર્થેજિયન વસાહત હતી પણ ઈ. સ. પૂ. 152માં માર્કસ ક્લૉડિયસ માર્સેલસે જીતી લીધા પછી તે સ્પેનનું પ્રથમ રોમન સંસ્થાન બન્યું અને બેએટીકા પ્રાંતની રાજધાની બન્યું. છઠ્ઠીથી આઠમી સદી દરમિયાન વિસિગૉથોનું અહીં રાજ્ય હતું. 711માં આરબોએ તેને જીત્યું અને તેનો નાશ કર્યો. પણ આઠમી સદીના અંત સુધીમાં પશ્ચિમી ઇસ્લામિક સંસ્કૃતિના રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે તેને ખ્યાતિ મળી. અબ્દ અલ રહેમાન પહેલાએ (731-788) સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. અબ્દ અલ ત્રીજાના સમય (891-961) દરમિયાન તે સત્તા અને ભવ્યતાની ટોચે પહોંચ્યું અને યુરોપનું સૌથી મોટું અને ધનિક નગર બન્યું. તે સમયે તેની વસ્તી આશરે પાંચ લાખ હતી. તેના પુસ્તકાલયમાં આશરે ચાર લાખ પુસ્તકો હતાં. ગણિતશાસ્ત્ર, ઔષધશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર અને સંગીતના શ્રેષ્ઠ વિદ્વાનો અહીં થઈ ગયા. હિશામ બીજાનો (976-1013) મહા અમાત્ય અલ મન્સૂર મહામેધાવી વ્યક્તિ તરીકે જાણીતો હતો.

બગદાદની તે હરીફાઈ કરતું હતું. અહીં 3000 મસ્જિદો અને 300 જાહેર હમામખાનાં હતાં. સમગ્ર દુનિયામાંથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અહીં આવતા હતા. 1010માં બર્બરો અને 1091 અને 1148માં બે મુસ્લિમ જાતિઓના આક્રમણને કારણે કૉર્ડોવાની પડતી થઈ. કૅસ્ટાઇલના ફર્ડિનાન્ડ ત્રીજાએ ઈ. સ. 1236માં આ શહેર જીતી લેતાં મુસ્લિમોએ ગ્રૅનેડામાં સ્થળાંતર કર્યું. ખ્રિસ્તી રાજવીએ મુસ્લિમ સ્થાપત્યો અકબંધ રહેવા દીધાં પણ મેઝક્વીટા તરીકે જાણીતી મસ્જિદનું કેથીડ્રલમાં રૂપાન્તર કરાયું હતું.

હાલ થોડા દરવાજા અને ભગ્ન મિનારા અવશેષરૂપ રહ્યા છે. લુસિયસ એનિયસ સેનેકા, રોમન કવિ લ્યુકન, આરબ તત્વવેત્તા એવેરરોએસ, મૈમોનીડ્ઝ નામના યહૂદી ધર્મપ્રચારક, પ્રખ્યાત સ્પૅનિશ કવિ લુઇ દ ગોન્ગોરાઇ આરગોટે વગેરે આ શહેરના નિવાસી હતા. કાબાથી બીજા નંબરે ગણાતી મસ્જિદ અને રોમના સેન્ટ પીટરના દેવળ પછી બીજા નંબરનું દેવળ કૉર્ડોવામાં છે. 244 મી. લાંબો પુલ આઠમી સદીની અજાયબી છે. 936માં શરૂ કરાયેલ અબ્દ અલ રહમાન ત્રીજા માટેનું સહેલગાહ માટેનું ઉપવન શહેરની વાયવ્યે ચારેક કિમી.ના અંતરે આવેલું છે. ભવ્ય મૂર સંસ્કૃતિના યુરોપમાંના અવશેષો કૉર્ડોવામાં સચવાઈ રહ્યા છે.

શિવપ્રસાદ રાજગોર