કૉર્ડોવાની મસ્જિદ

January, 2008

કૉર્ડોવાની મસ્જિદ (785થી 987) : અસંખ્ય સ્તંભ અને વિવિધ પ્રકારની કમાનોનું અતિ સુંદર સ્થાપત્ય ધરાવતી ભવ્ય મસ્જિદ. સીરિયામાંથી ટ્યુનિસિયા અને ત્યાંથી સ્પેન આવી વસેલા મુસલમાન સરદાર આયદ-અર-રહેમાનની આગેવાની હેઠળ કૉર્ડોવાની મુખ્ય મસ્જિદનું બાંધકામ શરૂ થયું હતું. ત્યારબાદ ત્રણ જુદા જુદા આગેવાનોએ લગભગ બસો વર્ષમાં તે પૂરી કરી. તેમાં 950માં વિજયસ્તંભ (minaret) પણ ઉમેરાયો હતો. આ મસ્જિદની રચના પરંપરાગત નકશા પ્રમાણે જ છે. વચ્ચે મોટો ખુલ્લો ચોક અને ત્રણ બાજુ કમાનોવાળી ઓસરી છે. જ્યારે મક્કાની દિશા તરફ નમાજ પઢવા માટેની મુખ્ય ઇમારત આવેલી છે. ચૉકમાં વચ્ચે વજૂ કરવા માટે પાણીનો કુંડ (હોજ) પણ હતો.

કૉર્ડોવાની મસ્જિદ

મુખ્ય મસ્જિદના બાંધકામમાં વિવિધ પ્રકારની ક્લાસિકલ શૈલીમાં બાંધેલા અસંખ્ય સ્તંભોનો ઉપયોગ કરાયો છે. તેની ઉપર ઘોડાની નાળના આકારની કમાનો આવેલી છે. દરેક દિશામાં જતી આ કમાનો લાલ ઈંટો અને સફેદ પથ્થરના એકાંતરિયા સ્તરોથી બનાવેલી છે. આ રચના પાછળથી મૂરિશ સ્થાપત્યનું પ્રતીક ગણાયું છે. તે ઉપરાંત આ મસ્જિદમાં કમાનાકાર પીઢિયાં (curved fibs) પરના નાના ગુંબજોને આધાર અપાયેલો છે. સોનેરી રંગના આ ગુંબજો પરની નયનરમ્ય મોઝેકની સુંદર ગોઠવણી મસ્જિદની મનોહરતામાં વૃદ્ધિ કરે છે. આ ઉત્કૃષ્ટ પ્રકારની કામગીરી માટેના કારીગરોને ખાસ કૉન્સ્ટેન્ટિનોપલથી બોલાવવામાં આવ્યા હતા.

મુખ્ય મસ્જિદના સ્થાપત્યમાં જગ્યાની ઊંચાઈને લીધે એકની ઉપર એક કમાનો ગોઠવાયેલી છે જેને લીધે અહીંની રચના વિશિષ્ટ બની છે. તેનો દેખાવ તોરણ જેવો થયો છે અને નીચેની કમાનો બાંધકામમાં મજબૂતાઈ વધારે છે.

અઢારમી સદીમાં આ મસ્જિદનું દેવળમાં પરિવર્તન થયું ત્યારે ફિરંગી રાજાએ કહેલું કે, ‘‘જો તમારે ફક્ત સાદું દેવળ જ બાંધવું હોય તો આ અદ્વિતીય અને અલભ્ય મસ્જિદને તોડવાનો શો અર્થ છે ?’’ થોડા સુધારાવધારા સાથે તે આજે પણ સ્થાપત્યના લાક્ષણિક નમૂના તરીકે આકર્ષણ ધરાવે છે.

મીનાક્ષી જૈન