કૉમનવેલ્થ : ઇંગ્લૅન્ડ તથા બ્રિટિશ સામ્રાજ્યની પૂર્વ વસાહતોનાં સાર્વભૌમ સ્વતંત્ર રાજ્યોનું સહિયારું મંડળ. તેમાં 2000 સુધીમાં ચોપન સાર્વભૌમ રાજ્યો જોડાયેલાં છે. બ્રિટિશ સામ્રાજ્યના અનુગામી તરીકે તેને ઓળખવામાં આવે છે. તેની રચના ખતપત્ર, સંધિકરાર કે પછી બંધારણ દ્વારા નહિ પરંતુ સહકાર, મંત્રણા તેમજ પરસ્પર સહાયના પાયા પર થઈ છે. તેનાં સભ્યરાજ્યો આ પ્રમાણે છે :
દેશ | પ્રવેશનું વર્ષ |
ઍન્ટીગુઆ અને બાર્બુડા | 1981 |
ઑસ્ટ્રેલિયા (1) | 1931 |
કિરબાતી | 1979 |
કૅનેડા (1) | 1931 |
કેન્યા | 1963 |
કૅમેરૂન | 1995 |
ગામ્બિયા | 1965 |
ગિયાના | 1966 |
ગ્રેનેડા | 1974 |
ઘાના | 1957 |
જમૈકા | 1962 |
ઝામ્બિયા | 1964 |
ઝિમ્બાબ્વે | 1980 |
ટૉંગા (2) | 1970 |
ટ્રિનિદાદ અને ટોબેકો | 1962 |
ડોમેનિકા | 1978 |
તવાલ | 1978 |
તાન્ઝાનિયા | 1961 |
દક્ષિણ આફ્રિકા (7) | 1974 |
નાઇજિરિયા (5) | 1960 |
નામિબિયા | 1990 |
ન્યારુ (4) | 1968 |
ન્યૂઝીલૅન્ડ (1) | 1931 |
પાકિસ્તાન (6) | 1989 |
પાપુઆ ન્યૂ ગિયાના | 1975 |
ફીજી ટાપુઓ (3) | 1997 |
બહામાઝ | 1973 |
બાર્બાડોસ | 1966 |
બાંગ્લાદેશ | 1972 |
બોન્સવાના | 1966 |
બ્રુનેઈ (2) | 1984 |
બ્લિઝ | 1981 |
ભારત | 1947 |
મલેશિયા | 1957 |
માલદીવ્ઝ | 1982 |
માલાવી | 1964 |
માલ્ટા | 1964 |
મોઝામ્બિક | 1995 |
મોરેશ્યસ | 1968 |
યુગાન્ડા | 1982 |
યુનાઇટેડ કિંગ્ડમ (બ્રિટન) | 1931 |
લેસોથો | 1966 |
વાનાટુ | 1980 |
શ્રીલંકા | 1948 |
સમોઆ | 1970 |
સાયપ્રસ | 1961 |
સિએરાલિઑન | 1961 |
સીશેલ્સ | 1976 |
સિંગાપુર | 1965 |
સેંટ કિટ્સ અને કોવીરુ | 1983 |
સેંટ લુસિઆ | 1979 |
સેંટ વિન્સેંટ અને ગ્રેનાડાઇન્સ | 1979 |
સોલોમન આઇલૅન્ડ્સ | 1978 |
સ્વાઝીલૅન્ડ | 1968 |
(1) ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને ન્યૂઝીલૅન્ડની સ્વતંત્રતાને 1931ના સ્ટેચ્યુટ ઑવ્ વેસ્ટમિન્સ્ટર દ્વારા કાયદેસરની માન્યતા સાંપડી હતી.
(2) બ્રુનેઈ અને ટોંગાને બ્રિટન સાથેની સંધિ દ્વારા સાર્વભૌમ રાજ્ય જાહેર કરાયાં હતાં.
(3) 1987માં ફીજીએ કૉમનવેલ્થનું સંગઠન છોડ્યું અને તે 1997માં ફરી તેમાં જોડાયું. 1998માં તેણે રાજ્ય તરીકે નામ બદલી ફીજી ટાપુઓ નામ જાહેર કર્યું.
(4) ન્યારુ પહેલાં મેન્ડેટ (Mandate) વિસ્તાર હતો જે પછીથી ટ્રસ્ટ વિસ્તારનો દેશ બન્યો અને 1999માં તે આ સંગઠનનું પૂરા કદનું સભ્ય રાજ્ય બન્યું.
(5) 1995માં નાઇજિરીઆનું સભ્યપદ બરતરફ કરાયું અને 1999માં તેણે સભ્ય દેશ તરીકે પુન:પ્રવેશ કર્યો.
(6) પાકિસ્તાને 1972માં કૉમનવેલ્થ છોડી અને 1989માં પુન: પ્રવેશ લીધો.
(7) દક્ષિણ આફ્રિકાએ 1961માં કૉમનવેલ્થ છોડી અને 1994માં પુન:પ્રવેશ લીધો.
અધિકૃત રીતે કૉમનવેલ્થનો જન્મ 1926ની ઇમ્પીરિયલ કૉન્ફરન્સ દ્વારા થયેલો ગણી શકાય. તે સમયે તે બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના સમુદાયોનું જૂથ હતું. તે પછી ક્રમશ: સામ્રાજ્યથી સ્વતંત્ર બનેલા દેશો તાજ પ્રત્યેની સર્વસાધારણ વફાદારીથી સંગઠિત રહ્યા અને કૉમનવેલ્થના સભ્યો તરીકે સ્વેચ્છાથી આ જોડાણ ચાલુ રાખ્યું. પરંતુ ‘આધુનિક’ કૉમનવેલ્થનો જન્મ 1949થી થયેલો માનવામાં આવે છે. 1949માં કૉમનવેલ્થમાં ભારતના જોડાણનો પ્રશ્ન ઉદભવ્યો ત્યારે ભારતે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી; પરંતુ તાજની ‘વફાદારી’ને સ્થાને તાજના ‘વડપણ’ને માન્ય રાખવાની તૈયારી બતાવી જણાવ્યું કે, ‘કૉમનવેલ્થના વડા’ તરીકે તે તાજનો કે રાજાનો સ્વીકાર કરશે. આ સિવાય પ્રજાસત્તાક ભારત તેમાં જોડાઈ શકશે નહિ. આ શરત કૉમનવેલ્થનાં અન્ય સભ્યરાજ્યોએ મંજૂર રાખતા ભારત કૉમનવેલ્થમાં જોડાતા તેમાં એક પ્રકારની આધુનિકતા – રાજાનું કે તાજનું માત્ર વડપણ સ્વીકારવામાં આવ્યું – આવી.
આમ છતાં નોંધવું જોઈએ કે બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ ગણાતા ઘણા વિસ્તારો કૉમનવેલ્થમાં જોડાયા નથી; જેમ કે, ઇજિપ્ત, ઇરાક, ટ્રાન્સજોર્ડન, મ્યાનમાર (બર્મા), પૅલેસ્ટાઇન, સુદાન, બ્રિટિશ સોમાલીલૅન્ડ અને એડન. મોઝામ્બિક 1995માં આ સંગઠનનું સભ્ય બન્યું. તેની વિશેષતા એ છે કે તે પૂર્વના બ્રિટિશ સામ્રાજ્યનો દેશ ન હોવા છતાં તેણે આ સંગઠનના સભ્ય બનવાનું પસંદ કર્યું. કૉમનવેલ્થના સભ્ય દેશો વચ્ચેનો વ્યવહાર બ્રિટિશ સરકારનું વિદેશ મંત્રાલય સંભાળે છે.
કૉમનવેલ્થનાં સભ્યરાજ્યોની કુલ વસ્તી લગભગ 1 અબજ ને 70 કરોડ (2000) છે. આમ, તેની કુલ વસ્તી દુનિયાની વસ્તીના લગભગ ત્રીસ ટકા જેટલી થાય છે. આ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે વિશ્વના પરિપ્રેક્ષ્યમાં કૉમનવેલ્થ સંસ્થા ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.
ઐતિહાસિક વિહંગાવલોકન : બ્રિટિશ સામ્રાજ્ય કૉમનવેલ્થમાં કેવી રીતે પરિવર્તન પામ્યું તે સંદર્ભમાં એમ કહી શકાય કે બ્રિટિશ સામ્રાજ્યમાંથી અમેરિકન સંસ્થાનો અલગ થયાં અને સ્વતંત્ર બન્યાં તે બનાવે બ્રિટિશ સામ્રાજ્યને પોતાના વલણમાં ફેરફાર કરવાની પ્રેરણા પૂરી પાડી અને તેમાંથી કૉમનવેલ્થ અસ્તિત્વમાં આવી શક્યું.
જિતાયેલ નવાં સંસ્થાનો માટે ‘ક્રાઉન કૉલોની’ (રાજાની સીધી સત્તા નીચેની વસાહત) નામની અનોખી પદ્ધતિ બ્રિટિશ સરકારે રચેલી. તેમાં વહીવટી તંત્ર ખૂબ મજબૂત હતું. ગવર્નર કાયદા ઘડવાની તથા કરવેરા નાખવાની સત્તા ધરાવતો હતો. બ્રિટિશ સરકાર પોતે ઑર્ડર ઇન કાઉન્સિલ દ્વારા કાયદા ઘડી શકે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટને જ્યાં જ્યાં પ્રત્યક્ષપણે શાહી શાસન સ્થાપ્યું ત્યાં ત્યાં ક્રાઉન કૉલોની શાસન સ્થાપવામાં આવ્યું. બાર્બાડોસને બાદ કરતાં બાકીનાં વેસ્ટ ઇન્ડિયન સંસ્થાનોમાં તેમજ 1857માં રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસંગ્રામ પછી ભારતમાં પણ વાસ્તવમાં આ પ્રકારનું શાસન દાખલ કરવામાં આવ્યું.
બ્રિટિશ સામ્રાજ્યને કૉમનવેલ્થમાં પરિવર્તિત કરવા માટેનું પાયાનું કારણ વિશિષ્ટ સ્વરૂપે અને પદ્ધતિથી વિકસેલ રાષ્ટ્રવાદ ગણાય છે. રાષ્ટ્રવાદના ઉદય સાથે સંસ્થાનનો કોઈ પણ પ્રકાર હોય તોપણ દરેક સંસ્થાનની ગણના ચોક્કસ પ્રકારનો વ્યક્તિત્વ ધરાવતો એક એકમ તરીકે થવા લાગી. સંસ્થાનોમાં ઉદભવેલ રાષ્ટ્રવાદ ઘણી બધી રીતે સમાન સ્વરૂપ ધરાવતો હતો. બ્રિટિશ સામ્રાજ્યમાં સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રવાદ વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયાએ બ્રિટન તથા તેનાં સંસ્થાનોમાંથી ઉદભવેલ રાષ્ટ્રો વચ્ચે તેમજ આવાં રાષ્ટ્રોમાં પરસ્પર અમુક પ્રકારની સમાનતા તેમજ નિકટતા આણી. આ જ બાબતે સામ્રાજ્યનું છેવટે કૉમનવેલ્થ(રાષ્ટ્રસમૂહ)માં પરિવર્તન કર્યું. સંસ્થાનોમાં બ્રિટિશ શાસન રહ્યું તે સમય દરમિયાન બ્રિટને સંસ્થાનોમાં સંસદીય લોકશાહી તથા કાયદાના શાસનના બાહ્ય માળખાને દાખલ કર્યું અને તમામ સંસ્થાનોમાં અંગ્રેજી ભાષાના ઉપયોગનો સંવહનના માધ્યમ તરીકે વ્યાપક પ્રમાણમાં ફેલાવો કર્યો; જેથી તમામ સંસ્થાનોમાં રહેતા લોકો સમાન કક્ષાના ગ્રંથો વાંચી શક્યા, સમાન કાનૂની કેસનો અભ્યાસ કરી શક્યા, એકબીજા રાષ્ટ્રમાં થતી ચર્ચાઓનું વાચન કરી શક્યા અને વ્યાપાર-સંબંધોની રીતભાત શીખી શક્યા. ટૂંકમાં બ્રિટિશ શાસને લીધેલાં ઉપર્યુક્ત પગલાંને કારણે અલગ અલગ વિસ્તારમાં પથરાયેલાં સંસ્થાનો વચ્ચેનું અંતર ઘણે અંશે ઘટી ગયું અને સહુ એકતાની લાગણી અનુભવવા લાગ્યાં, જેમાંથી છેવટે કૉમનવેલ્થનું સર્જન થયું.
સંસ્થાનોમાં રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય-આંદોલને વેગ પકડ્યો અને તેમને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ, તેની જે ભાત ઊપસી તે સમગ્ર સામ્રાજ્યમાં એકસરખી જણાય છે. દરેક સંસ્થાનને પાર્લમેન્ટ તથા અદાલતો દ્વારા સ્વતંત્રતા મળી છે અને દરેક સ્વતંત્ર રાજ્યમાં બ્રિટનને પોતાની પ્રતિકૃતિનાં દર્શન થયાં છે. સામ્રાજ્યને કૉમનવેલ્થમાં ફેરવી નાખવામાં પણ આ બાબતે મહત્વનું પ્રદાન કર્યું છે. કૉમનવેલ્થનાં સભ્યરાજ્યોમાં સંસદીય લોકશાહી સમાનપણે જોવા મળે છે. તેનું કારણ એ નથી કે સભ્યરાજ્યોએ પોતાની આ સંસ્થાઓ બ્રિટન પાસેથી લીધી છે, તેનું કારણ એ છે કે દરેક રાજ્યે પોતાની ઇચ્છાથી એવા રાષ્ટ્રનું નિર્માણ કર્યું જેનો સંસદીય લોકશાહી એક અંતર્ગત ભાગ હોય.
બ્રિટિશ સામ્રાજ્યનું કૉમનવેલ્થમાં પરિવર્તન થયું તે અંગે સૌપ્રથમ સંસ્થાનોના બે વિભાગ પડ્યા : (1) વસાહતી સંસ્થાનો અને (2) રાજાની સીધી સત્તા નીચેનાં સંસ્થાનો. સ્વાતંત્ર્ય માટેના આંદોલનની શરૂઆત સૌપ્રથમ વસાહતી સંસ્થાનોમાં થઈ. ત્યાંની પ્રજાએ પશ્ચિમમાં પ્રવર્તતા રાષ્ટ્રના ખ્યાલને અપનાવ્યો અને સંસદીય સંસ્થાઓ દ્વારા તેને વ્યક્ત કર્યો. રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે મથતી સંસ્થાનોની પ્રજા પોતાના રાષ્ટ્રત્વને સામ્રાજ્યની અંદર રહીને પ્રાપ્ત કરવા માગતી હતી, નહિ કે સામ્રાજ્યથી અલગ થઈ જઈને. વસાહતી સંસ્થાનો રાષ્ટ્રોમાં પરિણમ્યાં તે પ્રક્રિયાએ એવો વેગ પકડ્યો કે તેને રોકવી અશક્ય બની. એશિયામાં આવેલ સંસ્થાનો સ્વતંત્ર રાજ્યોમાં ફેરવાયાં તે પછી આફ્રિકાનાં સંસ્થાનો અને મલાયાએ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું. એશિયાનાં રાજ્યો સ્વતંત્રતાની સાથે જ કૉમનવેલ્થમાં સ્વેચ્છાથી જોડાયાં તેની અસર આફ્રિકાનાં રાજ્યો પર પણ થઈ અને તેઓ પણ એશિયાનાં રાજ્યોને આ બાબતમાં અનુસર્યાં.
કૅનેડા વસાહત સ્વરૂપે હતું ત્યારે ત્યાં વસાહતીઓ અને બ્રિટિશ સરકાર વચ્ચે થતું ઘર્ષણ નિવારવા ફર્સ્ટ અર્લ ઑવ્ ડરહામને કૅનેડાના ગવર્નર બનાવવામાં આવ્યા. તેમણે 1847માં ડરહામ અહેવાલ રજૂ કર્યો હતો. તેમાં ઉત્તર-દક્ષિણ કૅનેડાના ધારાકીય સંઘની અને પછીથી અમેરિકાના સમવાયતંત્રની ભલામણ કરવામાં આવી હતી. આથી વસાહતી સમુદાયોની સમસ્યાઓ ઉકેલવાની એક શૈલી વિકસી. પાછળથી ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને ભારત આ પ્રથાને અનુસર્યા હતા.
1887માં લંડન ખાતે ફર્સ્ટ કૉલોનિયલ કૉન્ફરન્સ મળી હતી તે ઢબે કૉમનવેલ્થમાં જોડાયેલાં રાજ્યોના વડાપ્રધાનોની પરિષદ મળે એવી પદ્ધતિ પણ જન્મી. 1900થી 1909 સુધીમાં ઑસ્ટ્રેલિયા, કૅનેડા, ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકાનાં મૂળ રાજ્યો પુનર્જન્મ પામતાં આ ગાળા દરમિયાન કૉમનવેલ્થની અધિકૃત રીતે 1907માં શરૂઆત થઈ, આથી 1907નું વર્ષ કૉમનવેલ્થનું જન્મનું વર્ષ ગણાય છે. 1912માં આ ચારે રાજ્યોએ સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સમજૂતી પર અલગ અલગ સહીસિક્કા કર્યા હતા. 1926માં બાલ્ફર અહેવાલ પ્રસિદ્ધ થયો જેમાં કૉમનવેલ્થ શબ્દપ્રયોગ કરવામાં આવ્યો. વળી ‘બ્રિટિશ કૉમનવેલ્થ ઑવ્ નેશન્સ’નાં સભ્ય રાજ્યો સ્વાયત્ત સમુદાયો છે અને સમાન દરજ્જો ધરાવે છે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું. 1931માં બાલ્ફર અહેવાલનો કાનૂની રીતે સ્વીકાર કરવામાં આવ્યો. આમ વિવિધ અહેવાલ અને તબક્કાઓના પરિણામે કૉમનવેલ્થનો આરંભ થયો.
ભૂતકાળમાં વિવિધ મુલકો બ્રિટિશ સરકાર સાથે સંપર્કમાં રહેવા માટે લંડનમાં પોતપોતાના ઉચ્ચાયુક્ત (High Commissioners) નીમતા હતા. 1907માં કૉલોનિયલ ઑફિસ(સંસ્થાનો માટેના કાર્યાલય)માં મુલકો માટેનું ખાતું (dominion department) શરૂ કરવામાં આવ્યું જે 1925માં મુલકો માટેના કાર્યાલય (dominion office) તરીકે ઓળખાયું. ટૂંકમાં, જ્યારથી ગવર્નર-જનરલ માત્ર રાજાનો પ્રતિનિધિ બન્યો ત્યારથી બ્રિટિશ સરકારે મુલકો સાથે સંબંધ-સંપર્ક જાળવવા માટે મુલકોમાં પોતાના ઉચ્ચાયુક્ત નીમવાનું શરૂ કર્યું. ત્યારપછી ક્રમશ: કૉમનવેલ્થ ડિપ્લોમૅટિક નેટવર્કની રચના થઈ કેમકે મુલકો અરસપરસ પોતપોતાના ઉચ્ચાયુક્ત એકબીજાના મુલકમાં મોકલવા લાગ્યા. સમય જતાં ઉચ્ચાયુક્તોને અન્ય એલચીઓને મળતાં અધિકારો, અગ્રપદ (precedence) અને કાનૂની સુરક્ષિતતા (legal immunity) આપવામાં આવ્યાં.
1947ની 15 ઑગસ્ટે ભારત સ્વતંત્ર રાજ્ય બન્યું. ભારત અને પાકિસ્તાને બ્રિટિશ કૉમનવેલ્થના સભ્યો તરીકે સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી હતી. સ્વતંત્રતા પછી તે કૉમનવેલ્થના સભ્યો તરીકે ચાલુ રહે તેવું કોઈ દબાણ કે શરત લાદવામાં આવ્યાં ન હતાં. ભારતની પ્રજા બ્રિટિશ કૉમનવેલ્થમાં રહેવાનું પસંદ કરશે. આમ કરવાથી તેને લાભ થશે. બ્રિટિશ કૉમનવેલ્થ અને સામ્રાજ્ય બાહ્ય દબાણોની સાંકળથી બંધાયેલાં નથી, તે તો સ્વતંત્ર પ્રજાઓનું બનેલું સ્વતંત્ર મંડળ છે.
આ પ્રક્રિયા દરમિયાન કૉમનવેલ્થના સ્વરૂપમાં પણ પરિવર્તન આવી રહ્યું હતું. 1947ના જુલાઈમાં સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ધ ડોમિનિયન્સ અને સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા એ બે હોદ્દાને એક કરીને સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર કૉમનવેલ્થ રિલેશન્સના નામે નવો હોદ્દો શરૂ કરવામાં આવ્યો, અને ગર્ભિતપણે ‘બ્રિટિશ’ શબ્દ વપરાતો બંધ થઈ ગયો. આમ, ‘બ્રિટિશ કૉમનવેલ્થ’ના બદલે ‘કૉમનવેલ્થ’ શબ્દ પ્રચલિત બનવા લાગ્યો.
કૉમનવેલ્થના સભ્યપદે ચાલુ રહેવું કે નહિ તે ભારતે નક્કી કરવાનું હતું. આ અંગે નિર્ણયાત્મક ભાગ 1948માં કૉમનવેલ્થના વડા પ્રધાનોની મિટિંગમાં ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આપેલ હાજરીએ ભજવ્યો (વડા પ્રધાનોની પ્રથમ મિટિંગ 1944માં, બીજી મિટિંગ 1946માં અને ત્રીજી 1948માં મળી હતી). આ મિટિંગમાં આંતરરાષ્ટ્રીય સંબંધો, આર્થિક બાબતો, તેમજ સંરક્ષણ સંબંધે જે ચર્ચાઓ થઈ તેના લીધે સ્પષ્ટ થયેલ કૉમનવેલ્થના ઉદારમતવાદી વલણથી તેમજ આ સંસ્થા સાથે સંકળાયેલા રહેવાથી નક્કર લાભો થાય તેવી ખાતરીના કારણે નહેરુ પ્રભાવિત થયા. પરિણામે વડા પ્રધાનોની મિટિંગમાંથી તેઓ ર્દઢ સંકલ્પ સાથે ભારત પાછા ફર્યા કે ભારતે કૉમનવેલ્થના સભ્યપદે ચાલુ રહેવું જોઈએ. તેમણે કૉંગ્રેસ સંસ્થાને પણ આ દિશામાં વિચારવાનો ઇશારો કર્યો.
કૉમનવેલ્થના સભ્ય તરીકે ચાલુ રહેવાથી અન્ય રાજ્યોની મિત્રતાનો લાભ મળે, આર્થિક ફાયદાઓ થાય, બ્રિટન તથા કૉમનવેલ્થનાં અન્ય સભ્યરાજ્યો ભારતમાં મૂડીરોકાણ કરે અને તે કોઈ પણ શરતના બંધન વિના. આ બધાં કારણોસર ભારતે કૉમનવેલ્થના સભ્ય તરીકે ચાલુ રહેવાનું પસંદ કર્યું.
પ્રજાસત્તાક ભારત અને કૉમનવેલ્થ : સ્વતંત્રતા પછી ભારતે પ્રજાસત્તાક બનવાનું સ્વીકાર્યું હતું.
પ્રજાસત્તાકનો મર્યાદિત અર્થ થાય છે રાજાશાહી અથવા તો વારસાગત સત્તાના સિદ્ધાંતનો અભાવ. ભારતે પ્રજાસત્તાક બનવાનું સ્વીકાર્યું હોવાથી પ્રજાસત્તાક ભારત, રાજાને વડા તરીકે સ્વીકારનાર કૉમનવેલ્થનું સભ્ય કેવી રીતે બની શકે ? – એવો પ્રશ્ન ઉપસ્થિત થયો. વધુમાં કેટલાક ટીકાકારોએ એવી ટીકા પણ કરી કે કૉમનવેલ્થના સભ્ય બનવાથી સાર્વભૌમત્વનું હાર્દ જ દૂર થઈ જાય છે. આ અંગે વડા પ્રધાન નેહરુએ સૂચવેલ ઉકેલને સ્વીકારવામાં આવ્યો. ભારતે બ્રિટનના રાજાને કૉમનવેલ્થના પ્રતીક તરીકે સ્વીકાર્યો.
પ્રજાસત્તાક ભારત કૉમનવેલ્થનું સભ્ય બન્યું તે કૉમનવેલ્થના ઇતિહાસમાં અપૂર્વ ઘટના છે. ત્યારથી કૉમનવેલ્થના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. અને ભારત પછી અન્ય પ્રજાસત્તાક રાજ્યો માટે પણ કૉમનવેલ્થના સભ્ય થવાનું શક્ય બન્યું છે.
1971માં ‘સિંગાપુર ડેક્લેરેશન’ ઘોષિત કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વશાંતિની પ્રાપ્તિ અને યુનોને સમર્થન પૂરું પાડવું, એમ બે મૂળ કે પાયાના ધ્યેયો જાહેર કરવામાં આવ્યા હતા. તે પછી 1991માં ‘હરારે ડેક્લેરેશન’ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં રાજકીય લોકશાહી, માનવ અધિકારો, સુશાસન (good governance), કાયદાનું શાસન અને કાયમી વિકાસ દ્વારા પર્યાવરણનું રક્ષણ – આ બાબતોને પાયાના સિદ્ધાંતો તરીકે ઘોષિત કરવામાં આવી. ઉપર્યુક્ત બાબતોની માવજત કરીને સંગઠન સભ્યોને એકવીસમી સદીમાં જવા પ્રોત્સાહિત કરે છે. આ ઘોષણાનો સાર્થક અમલ કરી શકાય તે માટે 1995માં મિલબ્રુક ઍક્શન પ્રોગ્રામ ઘડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા નિશ્ચિત કાર્યક્રમની દિશામાં જવા માટેનાં પગલાં સૂચવાયેલાં તથા કાર્યક્રમનો ભંગ કરનાર સભ્ય વિરુદ્ધ ઉગ્ર પગલાં ભરવાની ભલામણ થઈ હતી.
કૉમનવેલ્થ હેડ્ઝ ઑવ્ ગવર્નમેન્ટ્સ મીટ (CHOGM) : કૉમનવેલ્થનાં સભ્યરાજ્યોની સરકારોના વડા નિયમિતપણે દર બે વર્ષે મળતા રહે છે. આ બેઠકો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. કેમકે તેમાં પચાસ રાજ્યોના વડા આંતરરાષ્ટ્રીય બાબતો તેમજ પરસ્પર સહકારનાં ક્ષેત્રો સંબંધી ચર્ચાવિચારણા કરે છે.
કૉમનવેલ્થ રાજ્યોના નાણાપ્રધાનો પણ દર વર્ષે મળે છે અને અન્ય પ્રધાનો જ્યારે જરૂર પડે ત્યારે મળતા હોય છે.
સચિવાલય (secretariat) : કૉમનવેલ્થ સંસ્થા બરાબર કાર્ય કરી શકે તે માટે તેને સહાય કરવા માટે સચિવાલયની રચના કરવામાં આવી છે. તેનું મથક લંડન છે. તેના વડા સેક્રેટરી જનરલ તરીકે ઓળખાય છે. તેની મદદ માટે વિવિધ સભ્ય દેશોના અધિકારીઓનો બનેલો કર્મચારીગણ હોય છે. પ્રત્યેક વર્ષના માર્ચ મહિનાનો બીજો સોમવાર ‘કૉમનવેલ્થ ડે’ તરીકે ઓળખાય છે.
1972માં બ્રિટન યુરોપિયન કૉમન માર્કેટનું સભ્ય બન્યું. તેમ થવાથી બ્રિટનના કૉમનવેલ્થનાં સભ્યરાજ્યો સાથેના સંબંધો બદલાયા નથી. ઊલટાનું કૉમનવેલ્થનાં સભ્યરાજ્યોને યુરોપિયન કૉમન માર્કેટનાં સભ્યરાજ્યો સાથે વ્યાપારી સમજૂતીઓ માટેનું વિશાળ ક્ષેત્ર પ્રાપ્ત થયું છે.
આ પ્રમાણે બ્રિટને પોતાનાં સંસ્થાનોને સમયાનુસાર સ્વતંત્રતાના પંથે પ્રયાણ કરાવીને તેમની સાથેના સંબંધો તોડ્યા સિવાય એવાં વલણો અને અભિગમો અપનાવ્યાં કે સંસ્થાનો સ્વતંત્ર રાજ્યોમાં ફેરવાઈ ગયાં પછી પણ બ્રિટન સાથે ગાઢ સંબંધો ચાલુ રાખવા તૈયાર થયાં. આ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં કૉમનવેલ્થનાં અનૌપચારિક, લવચીક તેમજ ઉદાર વલણોનો ફાળો મહત્વનો છે.
હસમુખ પંડ્યા