કૉમન લૉ : રિવાજો અને નિયમો પર આધારિત ઇંગ્લૅન્ડનો અલિખિત કાયદો. ડ્યૂક ઑવ્ નૉર્મન્ડી તરીકે ઓળખાતા વિલિયમ પહેલા(1028થી 1087)એ 1066માં ઇંગ્લૅન્ડ પર વિજય મેળવ્યા પછી ઇંગ્લૅન્ડ અને વેલ્સના સમગ્ર પ્રદેશ પર સમાન ધોરણે જે કાયદો અમલમાં મૂક્યો તેને કૉમન લૉ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદો અમલમાં આવ્યો તે પૂર્વે ઇંગ્લૅન્ડના જુદા જુદા પ્રદેશોમાં પરંપરાગત રિવાજો પર આધારિત સ્થાનિક કાયદા તથા ન્યાયપદ્ધતિઓ અસ્તિત્વમાં હતાં. સમગ્ર દેશ પર રાજસત્તા કે તાજનું વર્ચસ્ શિથિલ હતું. પરિણામે સમાન અને સુસંકલિત ન્યાયવ્યવસ્થાનો ત્યાં અભાવ હતો. હેસ્ટિંગ્ઝના યુદ્ધ(1066)માં ઇંગ્લૅન્ડ પર વિજય (Norman conquest) મેળવ્યા પછી વિલિયમે મજબૂત, સ્થિર અને સ્વચ્છ કેન્દ્ર સરકાર તથા સમગ્ર દેશ માટે સમાન ન્યાયતંત્ર અને સમાન કાયદા પ્રસ્થાપિત કરવા માટે અસરકારક પગલાં લેવાની શરૂઆત કરી. વિલિયમે કરેલી આ પહેલને લીધે તથા તેના ઉત્તરાધિકારી હેન્રી પહેલા (1069થી 1135) અને હેન્રી બીજા (1133થી 1189) એ બંને શાસકોએ આ બાબત અંગે ક્રમશ: અપનાવેલી નીતિને લીધે ઇંગ્લૅન્ડમાં એક સુર્દઢ, વિસ્તૃત અને બધા પ્રદેશો માટે સમાન ન્યાયવ્યવસ્થા ઊભી થઈ અને તે દ્વારા માત્ર ‘તાજની કેફિયતો’(pleas of the crown)ના અમલ ઉપરાંત ‘પ્રજાની કેફિયતો’(pleas of the people) પર નિર્ણય આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ. આમ નૉર્મન વિજય પહેલાં ઇંગ્લૅન્ડના જુદા જુદા પ્રદેશોમાં સ્થાનિક રિવાજો પર આધારિત જે ન્યાયપ્રણાલી હતી તેને બદલે સમગ્ર દેશ માટે સરખી ન્યાયપ્રણાલી ઊભી થઈ. તાજ દ્વારા નિમાયેલા ન્યાયાધીશોને વિવાદોના ઉકેલ માટે રાજાના નામે જુદાં જુદાં સ્થળોએ મોકલવામાં આવતા. તેમણે ન્યાયપ્રણાલી અને કાયદાઓ વચ્ચે સંકલન કરવાનું કાર્ય કર્યું અને સમય જતાં માત્ર જમીનનો કબજો કે માલિકી પૂરતા જ નહિ; પરંતુ અન્ય પ્રકારના વિવાદો પણ પોતાના કાર્યક્ષેત્ર હેઠળ આવરી લઈને તાજની હકૂમત હેઠળની ન્યાયવ્યવસ્થાનું વિસ્તરણ કર્યું. શરૂઆતના તબક્કામાં આ પ્રકારનું વિસ્તરણ સજાપાત્ર ગુનાઓ પૂરતું જ મર્યાદિત રહ્યું; પરંતુ મધ્યયુગના ઉત્તરાર્ધમાં મિલકત અંગેના વિવાદો અને અપરાધો ઉપરાંત કૉમન લૉના કાર્યક્ષેત્રમાં કરારને લગતા કાયદા, ગુના સિવાયનાં અપકૃત્યો (torts) વગેરેનો પણ સમાવેશ થયો. ઇંગ્લૅન્ડમાં કૉમન લૉના વિકાસ પરથી સાબિત થાય છે કે તે મહદંશે પરંપરાગત વાસ્તવિક રિવાજો અને પ્રણાલિકાઓ પર આધારિત હોવાને કારણે ન્યાયાધીશપ્રેરિત કાયદો બને છે. ઉપરાંત આજદિન સુધી તેનું સંહિતીકરણ (codification) થયેલું ન હોવાથી કૉમન લૉ એ ‘અલિખિત કાયદો’ ગણાય છે.

કૉમન લૉ આજે પણ આધુનિક અંગ્રેજ કાયદાનો પાયો મનાય છે. તેની વિકાસકૂચ સતત ચાલુ રહી છે. આજે તેમાં પરંપરાગત રિવાજો ઉપરાંત અદાલતના ર્દષ્ટાન્તરૂપ ચુકાદાઓ અને અધિનિયમો(statutes)નો પણ સમાવેશ કરવામાં આવે છે. છતાં પરંપરાગત રિવાજોના મૂળ પાયા પર તે રચાયેલો હોવાથી ‘the universal custom of the realm’ આ રીતે કૉમન લૉની વ્યાખ્યા કરવામાં આવે છે. ભારતના ઘણા કાનૂની સિદ્ધાંતો પ્રસ્તુત ‘કૉમન લૉ’ પર આધારિત છે.

ફરતા ન્યાયાધીશો મારફત સમગ્ર સામ્રાજ્યમાં એકસરખો કાયદો અમલી બનાવવા ઉપરાંત હેન્રી બીજાએ ઇંગ્લૅન્ડમાં ન્યાયદાનની પ્રક્રિયામાં જ્યૂરીની પ્રથા પણ દાખલ કરી. આમાં સામેલ કરવામાં આવતા ન્યાયાધીશો જાતે સ્થળની મુલાકાત લઈ હકીકતોની તપાસ કરતા અને ઉપલબ્ધ પુરાવાને આધારે દરેક કેસમાં રહેલ સત્ય જાહેર કરતા. આ પ્રકારની કામગીરી ખાસ કરીને એક પરગણામાંથી બીજા પરગણામાં જતા શેરિફોને સોંપવામાં આવતી. આ પ્રથામાંથી જ કાળક્રમે મોટી જ્યૂરી (grand jury) અને નાની જ્યૂરી(petty jury)ની પ્રથા વિકસી. આરોપી સામે આરોપનામું મૂકવા જેવો પ્રથમદર્શનીય કેસ છે કે કેમ તેની તપાસ મોટી જ્યૂરીને સોંપવામાં આવે છે. કેસની સુનાવણી વખતે હકીકતની તપાસ કરતી જ્યૂરીને નાની જ્યૂરી કહેવામાં આવે છે. ન્યાયાધીશ પોતાનો ચુકાદો આપતા પહેલાં જ્યૂરીમાં ખાસ પસંદગી દ્વારા સામેલ કરવામાં આવેલા નાગરિકોને ફરિયાદીના કેસમાં સત્ય છે કે નહિ તે અંગે તેમનો અભિપ્રાય પૂછતા અને તે અભિપ્રાયના ગુણદોષોને આધારે ન્યાયાધીશ પોતાનો ચુકાદો આપતા. આ પદ્ધતિમાંથી જ જ્યૂરી મારફત ઇન્સાફી કાર્યવાહી(trial by jury)ની પ્રથા વિકાસ પામી છે.

કૉમન લૉ તથા હેન્રી બીજાએ દાખલ કરેલ જ્યૂરીની પ્રથાએ વર્તમાન લોકશાહીને ગતિશીલ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

રસેશ જમીનદાર