કૉફકા, કુર્ત (જ. 18 માર્ચ 1886, બર્લિન; અ. 22 નવેમ્બર 1941, નૉર્ધમ્પટન) : મનોવિજ્ઞાનમાં સમષ્ટિવાદી (ગેસ્ટાલ્ટ) સંપ્રદાયના સ્થાપકોમાંના એક. 1892-1903 સુધી ત્યાંની શાળામાં અભ્યાસ કર્યો.
એડિનબરોમાં સમકાલીન કાન્ટ અને નિત્શેને કારણે તે તત્વજ્ઞાન અને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત થયા. કૌટુંબિક વ્યવસાય વકીલાતનો હોવા છતાં મનોવિજ્ઞાનક્ષેત્રે કારકિર્દી આરંભી. તેમણે મનોવૈજ્ઞાનિક સ્ટમ્ફના માર્ગદર્શન હેઠળ લય (rhythm) સંબંધી સંશોધન કરીને 1908માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. વુર્ઝબર્ગમાં ઓસ્વાલ કુલ્પે અને કાર્લ માર્બના મદદનીશ તરીકે કામ કર્યું. 1910-11માં ફ્રૅન્કફર્ટ એકૅડેમીમાં શિક્ષણકાર્ય સંભાળ્યું. ત્યાં મૅક્સ વર્ધીમર (1911) અને વુલ્ફગૅંગ કોલરની સાથે મનોવિજ્ઞાનક્ષેત્રે કામગીરી આરંભી. વર્ધીમર સાથે કામ કરવા તેઓ ગિશેનમાં અધ્યાપક બન્યા. 1919-27 સુધી મદદનીશ પ્રાધ્યાપક તરીકે રહ્યા. ત્યાં ‘બીસ્ટેજ ઝુસ સાયકોલૉજી ડેસ ગેસ્ટાલ્ટ’ વિષયનો પ્રયોગલક્ષી અભ્યાસ શરૂ કર્યો. 1913-29ના ગાળા દરમિયાન તેમણે પાંચ ઉત્તમ ગ્રંથો આપ્યા. એમનાં સંશોધનોએ સમષ્ટિવાદી મનોવિજ્ઞાનના વિકાસને વેગ આપ્યો.
પ્રથમ વિશ્વયુદ્ધ વખતે મસ્તિષ્કમાં ઈજા પહોંચેલા દર્દીઓની તેમણે ગિશેનમાં ‘સાઇકિયાટ્રિક ક્લિનિક’માં સારવાર કરી. એમણે યુએસની કોર્નેલ અને વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય પણ કર્યું.
ઈ.સ. 1923માં ઑક્સફર્ડમાં મળેલી ઇન્ટરનૅશનલ કૉંગ્રેસ ઑવ્ સાઇકૉલૉજીમાં ભાગ લઈ સમષ્ટિવાદી સંપ્રદાયને ખ્યાતિ અપાવી. 1927માં અમેરિકામાં કાયમી નિવાસ કર્યો અને સ્મિથ કૉલેજ, નૉર્ધમ્પટનમાં પ્રોફેસર બન્યા. 1932માં યુ.એસ.એસ.આર. સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટના આમંત્રણથી ‘એથનો-સાઇકૉલૉજિકલ રિસર્ચ’ કરવા માટે ઉઝબેકિસ્તાન ગયા, પણ માંદગીને કારણે પાછા આવ્યા.
તેમની પ્રમુખ રચનાઓમાં ‘ડેવલપમેન્ટલ ચાઇલ્ડ સાઇકૉલૉજી’ (1921) છે, જેનો 1924માં ‘ધ ગ્રોથ ઑવ્ ધ માઇન્ડ’ નામે અંગ્રેજીમાં અનુવાદ થયો. 1929માં ‘ગેસ્ટાલ્ટ સાઇકૉલૉજી’ અને 1935માં ‘પ્રિન્સિપલ્સ ઑવ્ ગેસ્ટાલ્ટ સાઇકૉલૉજી’ એ પુસ્તકો પ્રસિદ્ધ થયાં.
તેમણે વર્તનવાદીઓની આલોચના કરી છે. તેમના મતે વર્તન કોઈ ઉદ્દીપકની માત્ર પ્રતિક્રિયા નથી, પણ તે ઉદ્દીપક વ્યક્તિના વર્તનનું સ્તર નિશ્ચિત કરે છે. માનવીની પ્રતિક્રિયા પર્યાવરણ પ્રત્યે હોય છે. માનવવર્તન ક્ષેત્ર કે વાતાવરણ પ્રત્યેની અર્થપૂર્ણ અને અખંડ અનુક્રિયા છે.
સમષ્ટિવાદી મનોવિજ્ઞાનમાં સિદ્ધાંતને આધારે બાળમનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વ્યક્તિત્વ સંબંધી તેમણે અભ્યાસ કર્યો. સંગીત, કલા અને પ્રવાસમાં તેમને રુચિ હતી અને સ્વભાવે આનંદી હતા. સમષ્ટિવાદી સંપ્રદાયને વિકસાવવામાં તેમણે જીવન સમર્પ્યું.
શાંતિલાલ છ. કાનાવાલા