કૉફમાન એન્જેલિકા

January, 2008

કૉફમાન, એન્જેલિકા (Kauffmann, Angelica) (જ. 20 ઑક્ટોબર 1741, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 5 નવેમ્બર 1807, રોમ, ઇટાલી) : રોકોકો શૈલીમાં સર્જન કરનાર સ્વિસ મહિલા-ચિત્રકાર. પિતા જોન

એન્જેલિકા કૉફમાન

જૉસેફ પાસેથી જ તેઓ ચિત્રકલા શીખ્યાં. 1758થી 1766 સુધી તેમણે પિતા સાથે ઇટાલીનાં જુદાં જુદાં નગરોનો પ્રવાસ કર્યો અને ઇટાલિયન બરોક અને ઇટાલિયન રોકોકો ચિત્રશૈલીઓ આત્મસાત્ કરી.

1766માં કૉફમાન લંડન ગયાં. અહીં પ્રસિદ્ધ ચિત્રકાર સર જોશુઆ રેનૉલ્ડ સાથે તેમને દોસ્તી થઈ. બંનેએ પરસ્પરનાં આત્મચિત્રો ચીતર્યાં. 1769માં લંડન ખાતે રૉયલ એકૅડેમીનાં સ્થાપક સભ્ય બની એ સંસ્થાને ટેકારૂપ બની રહ્યાં. 1781માં વેનિસ ખાતેના ઇટાલિયન રોકોકો ચિત્રકાર ઍન્તૉનિયો ઝૂકી સાથે લગ્ન કર્યું. લગ્ન પછી બંનેએ રોમ ખાતે કાયમી વસવાટ શરૂ કર્યો.

વ્યક્તિચિત્રણામાં નામના મેળવવા ઉપરાંત કૉફમાને લંડનના સેંટ પોલ કેથીડ્રલમાં અને રૉયલ એકૅડેમીના સમરસેટ હાઉસ ખાતેના વ્યાખ્યાનખંડમાં ભીંતચિત્રો ચીતર્યાં છે.

અમિતાભ મડિયા