કૉપ્લે જોન સિન્ગલ્ટન

January, 2008

કૉપ્લે, જોન સિન્ગલ્ટન (Copley, John Singleton) જ. 3 જુલાઈ 1738, બૉસ્ટન, અમેરિકા; અ. 9 સપ્ટેમ્બર 1815, લંડન, બ્રિટન) :  ઐતિહાસિક પ્રસંગોનાં ચિત્રો તથા વ્યક્તિચિત્રો ચીતરવા માટે જાણીતા અમેરિકન ચિત્રકાર. સાવકા પિતા પીટર પેલ્હામ પાસે તેમણે ચિત્રકલાના પ્રાથમિક પાઠ ગ્રહણ કર્યા. કૉપ્લે પોતાનાં મૉડલ્સને પુસ્તકો, ખુરશી, રસોઈની સામગ્રી, પાળેલાં કૂતરાં-ઘોડાં, ભરતગૂંથણના સોયા આદિને તેમની ચીજવસ્તુઓ સાથે એવી રીતે આલેખિત કરતા કે ચિત્રિત મૉડલની રોજિંદી જીવનશૈલી, કામકાજ, શોખ, પ્રવૃત્તિ સાથેનું સઘળું વાતાવરણ જીવંત રીતે તાર્દશ થાય. આમ

કૉપ્લેએ દોરેલું ચિત્ર : ‘વૉટ્સન ઍન્ડ ધ શાર્ક’

વ્યક્તિચિત્રને અક્કડ, શુષ્ક કે કૃત્રિમ પરિવેશમાં નહિ પણ અત્યંત સ્વાભાવિક પરિવેશમાં ચીતરવા માટે તેઓ જાણીતા બન્યા. આ જ રીતે તેમણે ચીતરેલું એક વ્યક્તિચિત્ર ‘બૉય વિથ એ સ્વીટલ’ તેમણે લંડન ખાતેની ‘સોસાયટી ઑવ્ આર્ટિસ્ટ્સ ઇન લંડન’માં પ્રદર્શિત કર્યું. એ વખતના અગ્રણી બ્રિટિશ ચિત્રકાર સર જોશુઆ ટેનોલ્ડ્ઝ તથા અમેરિકાના અગ્રણી ચિત્રકાર બૅન્જામિન વેસ્ટ આ ચિત્ર ઉપર વારી ગયા. એમણે કૉપ્લેને લંડન રહેવા આવવા આમંત્રણ આપ્યું. પછી કૉપ્લેએ રંગદર્શી ચિત્ર ‘વૉટ્સન ઍન્ડ ધ શાર્ક’ ચીતર્યું. તેમાં માનવી અને પ્રકૃતિ વચ્ચેના સંઘર્ષને ઉત્કટ વ્યાકુળ લાગણીપૂર્વક ચીતર્યો છે. રંગદર્શી કલામાં આ ચિત્ર આજે પણ અગત્યનું સ્થાન ધરાવે છે.

અમિતાભ મડિયા