કૉન્સ્ટૅન્ટિનોપલ : અગાઉ બાઇઝેન્ટિયમ અને વર્તમાનમાં ઇસ્તંબૂલ તરીકે ઓળખાતું ઐતિહાસિક નગર. તે ધર્મતીર્થ અને સંસ્કૃતિઓનું સંગમસ્થાન છે. તે 41o 00′ ઉ.અ. અને 29.o 00′ પૂ. રે.ની આજુબાજુનો 5591 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વસ્તી : 1,46,57,434 (2015) છે. મારમરા સમુદ્ર અને ગોલ્ડન હૉર્ન વચ્ચેની ભૂશિરના છેડા પરની બે ટેકરીઓના વ્યૂહાત્મક સ્થાને અસલ નગર બાઇઝેન્ટિયમ બંધાયું હતું. ચોથી સદીમાં આ નગરને વિસ્તારીને સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને દીવાલ બંધાવી હતી. પાંચમી સદીના બીજા દાયકામાં નગરને બીજી દીવાલનું રક્ષણ પ્રાપ્ત થયું. તે પછી 439માં દરિયાઈ દીવાલ લંબાતાં આ નગરની કિલ્લેબંધીનું કાર્ય પૂર્ણ થયું. આમ એના રક્ષણાત્મક સ્થાનને લીધે આ નગર ઉપર નૌકાસૈન્ય સિવાયનું આક્રમણ શક્ય ન હતું. દશમી-અગિયારમી સદીનો સમય આ નગરનો શ્રેષ્ઠ કાળ હતો.
આરંભકાળથી પચરંગી વસ્તીનું બનેલું આ નગર બાઇઝેન્ટાઇન સામ્રાજ્યનું પાટનગર અને સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું. તે સાથે તે રાજકીય અને ધાર્મિક સત્તાપલટાનું નોંધપાત્ર કેન્દ્ર તથા સ્થાપત્ય-શિલ્પના અભ્યાસીઓ માટે મહત્ત્વનું મથક બની રહ્યું હતું.
સમ્રાટ કૉન્સ્ટન્ટાઇન પહેલાએ 330માં પોતાની રાજધાની રોમથી આ સ્થળે ખસેડી પોતાના નામ ઉપરથી તે સ્થળને કૉન્સ્ટૅન્ટિનોપલ તરીકે ઓળખાવ્યું. 1453માં આ નગર તુર્કોના હાથમાં ગયું. તે પછી તે ઑટોમન સામ્રાજ્યની રાજધાની બની રહ્યું. પહેલા વિશ્વયુદ્ધ પછી 1918માં ઑટોમન સામ્રાજ્યનો અંત આવ્યો. 1923માં તુર્કી પ્રજાસત્તાકે આ નગર ઉપર કબજો મેળવી 1930માં એનું નામ ઇસ્તંબૂલ રાખ્યું.
આજનું ઇસ્તંબૂલ તુર્કીનું સૌથી મોટું શહેર છે અને ઉદ્યોગ, વ્યાપાર અને સંસ્કૃતિનું કેન્દ્ર છે. યુરોપ અને એશિયાના મિલનસ્થાન તરીકે તેની વ્યૂહાત્મક અગત્ય ઘણી છે. તેનો વ્યાપ 254 ચોકિમી. છે. એશિયા અને યુરોપને જોડતા બૉસ્ફરસની ખાડી ઉપરના પુલની લંબાઈ 1074 મીટર છે.
અગિયારમી સદીના મધ્યમાં ખ્રિસ્તી ચર્ચના વિભાજન પછી કૉન્સ્ટૅન્ટિનોપલ ગ્રીક રૂઢિચુસ્ત ચર્ચનું મુખ્ય મથક બન્યું. આ નગરસ્થિત સેન્ટ સોફિયાનું ચર્ચ વિશાળ છે. આરસના સ્તંભો અને રંગીન દીવાલોવાળો એનો ઘુમ્મટ કલાનો શ્રેષ્ઠ નમૂનો છે.
ખ્રિસ્તી ચર્ચના ઇતિહાસમાં આ ચર્ચનગરે મહત્વનો ભાગ ભજવ્યો હતો. અખિલ ખ્રિસ્તી ધર્મપરિષદો ત્રણ વખત આ નગરમાં યોજાઈ હતી, જેને પૂર્વ-પશ્ચિમનાં ચર્ચ-જૂથોએ માન્યતા આપેલી. આશ્રમિક વ્યવસ્થાનું આ મહાકેન્દ્ર હતું. બાઇઝેન્ટાઇન સામ્રાજ્યની ધર્મકલા, મુખ્યત્વે આ નગરમાં વિકસી હતી. એના અવશેષો આ નગરની ભવ્યતાની સ્મૃતિ તાજી કરાવે છે.
રસેશ જમીનદાર