કૉન્સ્ટન્ટાઇન

January, 2008

કૉન્સ્ટન્ટાઇન (જ. 280; અ. 22 મે 337) : રોમનો સમ્રાટ. કૉન્સ્ટન્ટિયસ અને હેલેનાનો અનૌરસ પુત્ર. કૉન્સ્ટન્ટાઇન દ્વારા ગૉલનું સફળતાપૂર્વક રક્ષણ થયું હતું. મૅક્સેન્શિયસને પરાજિત કરીને તેણે ઇટાલી પર વર્ચસ્ સ્થાપ્યું (ઈ.સ. 312). પૂર્વના સમ્રાટ લાયસિનિયસને હરાવ્યો અને રોમનો સમ્રાટ બન્યો (324).

તેણે બે મહાન સિદ્ધિઓ હાંસલ કરી. ખ્રિસ્તી ધર્મને રાજધર્મ બનાવી રોમન સામ્રાજ્યમાં ખ્રિસ્તી રાજ્યનું નિર્માણ કર્યું અને બૉસ્ફરસ ઉપર રોમન વિશ્વની નવી રાજધાની કૉન્સ્ટેન્ટિનોપલ(આજનું ઇસ્તંબૂલ)ની સ્થાપના કરી, જેના સ્થાપત્યમાં પૂર્વ અને પશ્ચિમની શૈલીઓનો સમન્વય થયેલો છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી