કૉડ માછલી : ઉત્તરીય સમુદ્રનાં પાણીમાં વાસ કરનાર અને આર્થિક ર્દષ્ટિએ અગત્યની એવી ગેડસ પ્રજાતિની માછલીઓ. જોકે સાચી કૉડ ઉપરાંત બ્રેગ્મૅસેરાટિડે, દરિયાની ઊંડાઈએ રહેતી મોરિડે અને હેક માછલીઓ પણ કૉડ તરીકે ઓળખાય છે. સાચી કૉડને 3 પૃષ્ઠ-મીનપક્ષો (dorsal fins) અને 2 ગુદા-મીનપક્ષો (anal fins) હોય છે અને હડપચી (chin) પર એક સ્પર્શવર્ધ (barbel) હોય છે. દરિયાકિનારા તરફ જોવા મળતી કૉડ સામાન્યપણે 75 સેમી. લાંબી અને વજનમાં 5થી 10 કિગ્રા. હોય છે. જોકે કેટલીક કૉડ માછલીઓનું વજન 95 કિગ્રા. જેટલું પણ હોય છે. કૉડના દાંત તીણા હોય છે અને તે ખોરાક તરીકે અન્ય માછલી મૃદુકાયો (mollusis) અને સમુદ્રને તળિયે રહેતાં અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરે છે. શિયાળામાં કૉડની માદા કરોડોની સંખ્યામાં ઈંડાં મૂકે છે જે દરિયાઈ સપાટીએ પ્રસરે છે અને ઘણી વાર ભક્ષકોનાં ભોગ બને છે. શુક્રકોષોના સંપર્કમાં આવતાં તે ફલિત થાય છે. પુખ્ત માછલીઓ સ્થળાંતર (migration) કરતી હોય છે. હેક માછલીઓ દરિયાની ઊંડાઈએ આશરે 700થી 750 મીટર નીચે વાસ કરતી હોય છે.
આટલાન્ટિક કૉડ (Gadus callarias) આર્થિક ર્દષ્ટિએ ઘણી અગત્યની છે. તે આટલાન્ટિક મહાસાગરને બંને કિનારે પ્રસરેલી હોય છે. માત્ર ન્યૂ ઇંગ્લૅન્ડ અને યુરોપના દરિયામાંથી દર વર્ષે આશરે 30થી 65 લાખ કૉડ માછલી પકડાય છે. અગાઉ આ માછલી અબજોની સંખ્યામાં પકડવામાં આવતી, પરંતુ તેનો પકડવાનો અતિરેક થતાં તેની સંખ્યા ઘટીને કરોડો પૂરતી મર્યાદિત થઈ છે.
પૅસિફિક કૉડ (Gadus macrocephalus) પણ સારી સંખ્યામાં પકડાય છે. કદમાં તે આટલાન્ટિક કૉડ કરતાં સહેજ નાની હોય છે.
કૉડ માછીમારી કરનાર દેશોમાં આઇસલૅન્ડ, કૅનેડા, નૉર્વે, ડેનમાર્ક, સોવિયેત યુનિયન, બ્રિટન, પોલૅન્ડ અને જાપાનનો સમાવેશ થાય છે. મોટે ભાગે કૉડ માછલીની વિલાવરી તાજી અથવા થીજવીને કરવામાં આવે છે અને વધારાની માછલીને ધુમાડા વડે (smoking) કે મીઠા(salting)થી સાચવવામાં આવે છે. કૉડનું યકૃત તેલ વિટામિન-ડીથી સમૃદ્ધ હોય છે, જેથી તેનો ઉપયોગ ટૉનિક તરીકે કરવામાં આવે છે.
મ. શિ. દૂબળે