કોઠી (કોઠાં) : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Feronia limonia (Linn). Swingle syn. F. alephantum Correa (સં. કપિત્થ; હિં. કૈથ, કબીટ; બં. કયેત ગાછ, કાત્બેલ; મ. કવઠ, કવિઠ; ક. વેલ્લુ, બેલડા; તે. વેલાગા; તામિ. વિલાંગા, વિળામારં; મલા. વિળાવુ, વિળા, વિળાટ્ટી; અં. એલિફંટ ઍપલ, વૂડ ઍપલ.) છે. તે એક નાનું, પર્ણપાતી, 9.0 મી.થી 12 મી. ઊંચું, 60 સેમી.થી 120 સેમી. ઘેરાવાવાળું, ટૂંકું, ટટ્ટાર અને નળાકાર પ્રકાંડ ધરાવતું વૃક્ષ છે. તેની શાખાઓ કાંટાળી હોય છે. પર્ણો પીંછાકાર (pinnate), 7.5 સેમી.થી 10 સેમી. લાંબાં હોય છે અને નાના, અંડાકાર કે પ્રતિઅંડાકાર પર્ણિકાઓ ધરાવે છે. પુષ્પો સર્વલિંગી (polygamous) અને શિથિલ લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ મોટું, ગોળ કે ચપટું, 2.5 સેમી.થી 6.25 સેમી. વ્યાસવાળું અને કાષ્ઠમય અનષ્ઠિલ પ્રકારનું હોય છે. તેનું ફલાવરણ સખત, ખરબચડું અને કાષ્ઠમય હોય છે. બીજ અસંખ્ય, નાનાં, ચપટાં અને મીઠાં, સુગંધિત અને ખાદ્ય ગરમાં ખૂપેલાં હોય છે. એક વૃક્ષ ઉપરથી 300થી 400 નાનાં અથવા 200 જેટલાં મોટાં ફળો મળી શકે છે.

આ જાતિ ભારત અને શ્રીલંકાની મૂલનિવાસી છે અને ખાસ કરીને શુષ્ક પરિસ્થિતિમાં ભારતનાં મેદાનોમાં બધે થાય છે. પશ્ચિમ હિમાલયમાં 450 મી.ની ઊંચાઈ સુધી વન્ય કે સંવર્ધિત સ્વરૂપે થાય છે. તે ડૅકન, મુંબઈના થાણા જિલ્લામાં અને મધ્યપ્રદેશમાં વધારે સામાન્ય છે. તે છોટા નાગપુરમાં હજારીબાગ અને પાલામાઉમાં થાય છે. તે ઘણીવાર ખેતરોની સીમાઓ ઉપર, ગામની નજીક રસ્તાની બંને બાજુએ અને કેટલીક વાર ફલોદ્યાનમાં ઉગાડવામાં આવે છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા કે મૂળના કટકારોપણ દ્વારા અને દાબકલમ (layering) દ્વારા થાય છે. પરિપક્વ વૃક્ષની કલિકાનું રોપા ઉપર આરોપણ કરતાં વામન વૃક્ષો ઉત્પન્ન થાય છે, જેના ઉપર ફળ વહેલાં બેસે છે. મૃદાની અને આબોહવાની લગભગ બધી પરિસ્થિતિઓમાં તેને ઉગાડી શકાય છે. Citrus(લીંબુ, નારંગી, મોસંબી વગેરે)ની કલિકાઓનું કોઠી ઉપર આરોપણ કરવામાં આવે છે. જોકે આ કલિકાપદ્ધતિ સફળ નથી.

આકૃતિ : કોઠી(F. limonia)ની પુષ્પ સહિતની શાખાઓ

કોઠીના બે પ્રકાર પાડવામાં આવ્યા છે : (1) નાનાં અને ખાટાં ફળો, અને (2) મોટાં અને મીઠાં ફળો. ફળો સામાન્ય રીતે નવેમ્બરથી માર્ચમાં પાકે છે. પાકા ફળનો ગર સીધેસીધો અથવા ખાંડ સાથે ખવાય છે. તેના ગરમાંથી શરબત અને ચટણી બનાવાય છે.

ફળના ખાદ્ય ભાગ(55 % – 58 %)નું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 69.5 %, પ્રોટીન 7.3 %, ઈથર-નિષ્કર્ષ 0.6 %, ખનિજદ્રવ્ય 1.9 %, રેસો 5.2 % કાર્બોદિત 15.5 %; કૅલ્શિયમ 0.13 %, ફૉસ્ફરસ 0.11 %, લોહ 0.6 મિગ્રા. / 100 ગ્રા., રાઇબોફ્લેવિન 170 માઇક્રોગ્રામ/100 ગ્રા., અને વિટામિન ‘સી’ 2.0 મિગ્રા. / 100 ગ્રા. કોઠીમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસ જેવાં ખનિજ-ઘટકો સારા પ્રમાણમાં હોય છે. કાચાં ફળોના ગરમાં 2.3 % જેટલું હોય છે. તે 3 % – 5 % જેટલું પૅક્ટિન ધરાવે છે અને તેનો જેલી બનાવવામાં ઉપયોગ થાય છે. કોઠીની જેલી કાળી દ્રાક્ષ અને સફરજનની જેલી સાથે સામ્ય ધરાવે છે. તે સ્વચ્છ, ચળકતા જાંબલી રંગની અને ર્દઢ ઘટ્ટતાવાળી હોય છે અને અત્યંત આનંદદાયી સુગંધ ધરાવે છે.

તેનું ફળ બલ્ય, સ્ફૂર્તિદાયક, હૃદ્ય, પાકે ત્યારે સ્તંભક (astringent), પ્રતિસ્કર્વી (antiscorbutic) અને વિષરોધી (alexiformic) ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ અતિસાર (diarrhoea) અને મરડામાં બીલીની અવેજીમાં થાય છે. ગર પેઢાંની અને ગળાની તકલીફોમાં વપરાય છે. પાકેલા કોઠાનો મુરબ્બો પણ થાય છે.

આયુર્વેદ અનુસાર કોઠીનું વૃક્ષ મધુર, ખાટું, ગુરુ, ગ્રાહક, શીત અને કડવું હોય છે. તે પિત્ત અને વ્રણનો નાશ કરે છે. તેનાં કાચાં ફળ ગ્રાહી, ઉષ્ણ, રુક્ષ, લઘુ, ખાટાં, તૂરાં અને લેખન હોય છે. તે વાયુ, પિત્ત અને જિહવાની જડતા કરનાર અને રુચિકર હોય છે. ઉપરાંત, તે વિષ, જ્વર અને કફનો નાશ કરે છે. પાકાં ફળ રુચિકર, ખાટાં, તૂરાં, ગ્રાહક, મધુર, કંઠશુદ્ધિકર, શીતળ, ગુરુ, વૃષ્ય અને દુર્જર હોય છે અને શ્વાસ, ક્ષય, રક્તરોગ, ઊલટી, વાયુ, શ્રમ, વિષ, ગ્લાનિ, તૃષા, ત્રિદોષ, ઊંચકી અને ઉધરસનો નાશ કરે છે. તેનાં બીજ હૃદરોગ, મસ્તકશૂળ, વિષ અને વિસર્પનો નાશ કરે છે. બીજનું તેલ તૂરું, ગ્રાહક અને મીઠું હોય છે અને પિત્ત, ઉંદરનું વિષ, કફ, આંચકી અને ઊલટી મટાડે છે. તેનાં પુષ્પો વિષનાશક હોય છે. તેનાં પર્ણો ઊલટી, અતિસાર અને હેડકીનો નાશ કરે છે.

કોઠીનો ઉપયોગ પિત્તશમન થવા માટે, કમળા અને પ્રદર ઉપર, ધાતુપુષ્ટિ માટે, ઉંદરના વિષ ઉપર, પિત્તનાં ઢીમણાં ઊઠે તે ઉપર, શરીરમાં જામેલું રસાયન કાઢવા માટે, હેડકી, શ્વાસ અને અન્નદ્વેષ ઉપર થાય છે.

વૃક્ષનાં પર્ણોનો ચારા તરીકે ઉપયોગ થાય છે. પર્ણો સુગંધિત, વાતાનુલોમક (carminative) અને સ્તંભક ગુણધર્મો ધરાવે છે. બાષ્પનિસ્યંદનથી પર્ણોમાંથી 0.73 % બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. તેના ગુણધર્મો આ પ્રમાણે છે : ઉત્કલનબિંદુ 209o – 211o સે., વિ.ગુ. 23o સે. 0.9668 વક્રીભવનાંક (n23o) 1.5195, વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન [α]D Oo અને સાબુકરણઆંક 11.0. તેનું  મુખ્ય ઘટક ઍસ્ટ્રાગોલ (C10H12O, ઉ.બિં. 215o સે.) છે.

થડ અને તેની શાખાઓમાંથી ગુંદરનો સ્રાવ થાય છે. ગુણધર્મોની ર્દષ્ટિએ તે બાવળના ગુંદર સાથે સામ્ય ધરાવે છે. વર્ષા ઋતુ પછી ગુંદરનો સ્રાવ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેનો બાવળના ગુંદરની અવેજીમાં ઉપયોગ થાય છે. કોઠીનો ગુંદર અર્ધપારદર્શક, રતાશ પડતો બદામીથી માંડી આછો પીળો કે રંગહીન હોય છે. ગુંદર પાણીમાં ઓગળી સ્વાદવિહીન શ્લેષ્મ બનાવે છે. બાવળના ગુંદર કરતાં તે વધારે ઘટ્ટ હોય છે અને તેનો આસંજક (adhesive) ગુણધર્મ પણ બાવળના ગુંદરથી ઊતરતો હોતો નથી. ગુંદર મિથૉક્સિલ સૂચકાંક 12.6, (વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન +4o) 12-17 % પાણી અને 4-5 % ભસ્મ ધરાવે છે. તેનું જલાપઘટન કરતાં 35.5 % પૅન્ટાઝ (એરેબિનોઝ અને ઝાયલોઝ), 42.7 % ગૅલેક્ટોઝ અને અલ્પપ્રમાણમાં રહેમ્નોઝ અને ગ્લુક્યુરોનિક ઍસિડ પ્રાપ્ત થાય છે. ક્રમિક જલાપઘટનથી ગુંદરમાંથી આલ્ડોબાયૉયુરોનિક ઍસિડ મળે છે. લખવાની શાહીના ઘટક તરીકે ગુંદરનો ઉપયોગ થાય છે. તે રંગકામમાં પણ ઉપયોગી છે.

કાષ્ઠ પીળાશ પડતું ભૂખરું કે ભૂખરું-સફેદ હોય છે. તે સખત, ભારે (વિ.ગુ. આશરે 0.83) અને સંશોષણ માટે કંઈક અંશે ઉચ્ચતાપસહ (refractory) હોય છે. તે ખુલ્લી અને ઢાંકેલી બંને સ્થિતિમાં ટકાઉ રહે છે. તેનો ઉપયોગ ઘર-બાંધકામમાં; પૈડાં, તેલનું સંપીડક (crusher), માપપટ્ટીઓ, પેન-હોલ્ડરો અને કૃષિનાં ઓજારો બનાવવામાં અને સુશોભિત કોતરકામમાં થાય છે.

જ. પુ. ભટ્ટ

પ્રાગજી મો. રાઠોડ

બળદેવભાઈ પટેલ