કોડર્મા

January, 2008

કોડર્મા (Kodarma) : ઝારખંડ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 28′ ઉ.અ. અને 85o 36′ પૂ.રે.ની આજુબાજુનો 1311.62 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. છોટાનાગપુરના પ્રદેશમાં આવેલા આ જિલ્લાની ઉત્તરે બિહાર રાજ્યની સીમા, પૂર્વ તરફ ગિરિદિહ, તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ હઝારીબાગ જિલ્લા આવેલા છે. કોડર્મા જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.

કોડર્મા જિલ્લો

ભૂપૃષ્ઠજળપરિવાહવનસ્પતિ : આ જિલ્લાનો વિસ્તાર છોટાનાગપુરના ઉચ્ચ પ્રદેશના ફાંટા હઝારીબાગના ઉચ્ચપ્રદેશનો એક ભાગ હોવાને કારણે તેનું ભૂપૃષ્ઠ ગીચ જંગલ-આચ્છાદિત ટેકરીઓની હારમાળાથી બનેલું છે. તેની સરેરાશ ઊંચાઈ સ્થળભેદે 300થી 1300 મીટરની છે. મુખ્ય વૃક્ષોમાં સાલ, વાંસ, ખેર, સલાઈ, શીમળો, મહુડો, પલાશ, કુસુમ, કેન્દ્ર, અસમ, પિયર અને ભીલવાનો સમાવેશ થાય છે. બરસોતી અને સાકરી અહીંની મુખ્ય નદીઓ છે.

ખેતીપશુપાલન : જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, મકાઈ, બાજરી, કઠોળ (વિશેષ તુવેર) તેમજ શેરડીનો સમાવેશ થાય છે. મધ્યમ કક્ષાની તેમજ નાની સિંચાઈ યોજનાઓ દ્વારા ખેતીના પાકો માટે પાણી મળે છે. દામોદર ખીણ-યોજનાનો લાભ પણ મળે છે. રેંટ, પંપ, વીજળીના પંપ, ટ્યૂબવેલ વગેરેનો પણ ઉપયોગ થાય છે. ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરાં અને ભુંડ અહીંનાં મુખ્ય પશુઓ છે; જોકે પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની છે. પશુઓ માટે પશુદવાખાનાં અને ચિકિત્સાલયોની સુવિધા ઉપલબ્ધ છે. પશુસુધારણાની યોજના અમલમાં મુકાઈ રહી છે.

ઉદ્યોગવેપાર : જિલ્લાનો મુખ્ય ઉદ્યોગ અબરખના ખનનના અનુષંગે પ્રસર્યો છે. ભારતનું વધુમાં વધુ અબરખ અહીંથી મળે છે. મધ્યમ અને નાના પાયા પરના ગૃહઉદ્યોગો પણ અહીં કાર્યરત છે. જિલ્લામાં માઇકાનાઇટ, લોખંડના સળિયા અને કાચ બને છે. અબરખ અને માઇકાનાઇટની નિકાસ તથા ચોખા, ઘઉં, અને રાઈની આયાત થાય છે.

પરિવહન : જિલ્લામાં સડકમાર્ગોની ગૂંથણી ફેલાયેલી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 2 (ગ્રાન્ડ ટ્રન્ક રોડ) તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 31નો એક ભાગ બરહી-રાજૌલી માર્ગ અહીંથી પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગો તથા જિલ્લા-માર્ગોની પણ સુવિધા સારી છે. જિલ્લામથક કોડર્મા રેલમાર્ગથી જોડાયેલું છે. પૂર્વ વિભાગીય રેલમાર્ગ (Grand cord line) આ જિલ્લામાંથી પસાર થાય છે.

પ્રવાસન : ઘોરિશ્મા અને તિલૈયા અહીંનાં મુખ્ય પ્રવાસી સ્થળો છે. ઘોરિશ્મા તેના શિવમંદિર અને શિવરાત્રિના મેળા માટે તથા તિલૈયા દામોદર ખીણયોજનાના સ્થળ માટે જાણીતું છે. તિલૈયા તેના કુદરતી સૌંદર્ય માટે તથા ઉજાણીસ્થળ માટે જાણીતું છે. શિવરાત્રિ, વસંતપંચમી અને દશેરાએ મેળા ભરાય છે.

વસ્તી : જિલ્લાની વસ્તી 7,17,179 (2011) જેટલી છે. અહીં મુખ્યત્વે હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. ઝૂમરી તિલૈયા ખાતે વિનયન કૉલેજ, ઉચ્ચતર શિક્ષણની, માધ્યમિક શિક્ષણની તેમજ પ્રાથમિક શિક્ષણની શાળાઓની સગવડ છે, જાહેર ચિકિત્સાલય, પુસ્તકાલય અને વાચનાલયની પણ સગવડ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને ઉપવિભાગ, સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે.

ઇતિહાસ : કોડર્મા જિલ્લો જૂના હઝારીબાગ જિલ્લાના ત્રણ ભાગ પાડવાથી અસ્તિત્વમાં આવેલો છે, તેથી તેનો ઇતિહાસ હઝારીબાગના ઇતિહાસ સાથે સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા