કૉક્લોસ્પર્મેસી : વર્ગ દ્વિદલાનું એક કુળ. 3 પ્રજાતિ અને 25 જાતિઓ ધરાવતા આ કુળનાં ઝાડ ઉષ્ણ પ્રદેશોમાં જોવા મળે છે.

તે વૃક્ષ, ક્ષુપ કે ગાંઠામૂળીયુક્ત શાકીય વનસ્પતિ છે. નારંગી કે લાલ રંગનો રસ, પર્ણો સાદાં, એકાંતરિત, ઉપપર્ણીય; પુષ્પો સુંદર, સામાન્યત: નિયમિત અથવા અંશત: અનિયમિત; વજ્રપત્રો (calyx) અને દલપત્રો (corolla) 5, શીઘ્રપાતી, કોરછાદી (imbricate), મુક્ત; પુંકેસરો અસંખ્ય, મુક્ત, સમાન કે અસમાન; પરાગાશય (pollen chamber) દ્વિખંડી, રેખીય, અગ્રસ્થ છિદ્ર દ્વારા સ્ફોટન; 3-5 યુક્ત સ્ત્રીકેસરીય સ્ત્રીકેસરચક્ર; બીજાશય (ovary) ઊર્ધ્વસ્થ; એકકોટરીય; ચર્મવર્તી જરાયુવિન્યાસ; બીજાશય 3થી 5 આભાસી કોટરયુક્ત; અંડકો અસંખ્ય; 1 પરાગવાહિની (pollen tube), પરાગાસનો સૂક્ષ્મ, દંતૂરીવત્ – સ્ત્રીકેસરોની સંખ્યા જેટલાં; ફળ પ્રાવર જેની બાહ્ય દીવાલ જાડી અને અંદરની દીવાલ પાતળી, 3થી 5 કપાટો; બીજમાં ભ્રૂણ વક્ર, ભ્રૂણપોષ તૈલી.

આ કુળનું અંગ્રેજીમાં silk cotton tree નામે ઓળખાતું વૃક્ષ. શાસ્ત્રીય નામ Cochlos-permium religiosum. રાજપીપળાના જંગલમાં ઊગે છે. તેનું હિં. નામ कुंबि (गलगल); તેની પર્ણરહિત શાખાઓને છેડે ચમકદાર આકારમાં મોટાં પીળાં ફૂલો શોભિત હોય છે. આ વૃક્ષમાંથી અદ્રાવ્ય ગુંદર મેળવાય છે, જેનો ઉપયોગ ચર્મોદ્યોગ અને આઇસક્રીમની બનાવટમાં થાય છે. બીજમાંથી શુષ્ક (dry) તૈલી પદાર્થ મળે છે. જ્યારે તેના બીજ પર આવેલી રુવાંટીનો ઉપયોગ ગાદલાં, ઓશીકાં વગેરે ભરવામાં થાય છે.

બિક્સેસી કુળ કરતાં તે તેના પાણિવત્ છેદન પામેલાં પર્ણો અને કણિકામય કે અસ્થિમય ભ્રૂણપોષને સ્થાને તૈલી ભ્રૂણપોષ વડે જુદું પડે છે. તેનાં પીળાં પુષ્પો મોટાં અને સુંદર હોય છે. દક્ષિણ કૅલિફૉર્નિયામાં Cochlospermum vitifolium શોભાના વૃક્ષ તરીકે ઉગાડવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ