કૉક્તો, ઝ્યાં (જ. 5 જુલાઈ 1889, મેઝોં-લફીત, પૅરિસ; અ. 11 ઑક્ટોબર 1963, મિલી લ ફૉરે, પૅરિસ) : ફ્રેન્ચ લેખક, કલાકાર અને ફિલ્મસર્જક. તે 10 વર્ષની વયના હતા ત્યારે પિતાએ આત્મહત્યા કરી હતી. તેથી માતા પ્રત્યે સવિશેષ સ્નેહ બંધાયો હતો. અભ્યાસમાં તેમને ઝાઝો રસ ન હતો તેથી થોડો અભ્યાસ કર્યા બાદ પ્રયોગશીલ આધુનિક કલાકારોના વર્તુળમાં જોડાયા. કૉક્તોએ કવિતા, નવલકથાઓ, નાટકો તથા બૅલે માટેના સિનારિયો લખવા ઉપરાંત પોતાનાં પુસ્તકોનાં ચિત્રાંકન કર્યાં છે તેમજ ચૅપલ-સુશોભનનું કામ પણ કર્યું છે. પરંતુ ફ્રાન્સ બહાર વિશ્વભરમાં તેમને બહોળી ખ્યાતિ અને પ્રતિષ્ઠા મળ્યાં તે તો ફિલ્મસર્જક તરીકે. નવ્ય સિનેમાની તેમની કેટલીક ચિરંજીવ કૃતિઓમાં પ્રભાવક ર્દશ્યકલ્પનો પ્રયોજવાની તેમની નૈસર્ગિક બક્ષિસનું તે પૂરેપૂરું સામર્થ્ય દાખવી શક્યા છે. તેમની ફિલ્મોમાં નિર્જીવ પૂતળાં અહીંતહીં હરફર કરતાં હોય, જીવનથી મૃત્યુ પર્યંતના માર્ગમાં અરીસા જડેલા હોય, મૃત્યુના સંદેશવાહકો મોટરસાઇકલ પર સવારી કરતા હોય વગેરે જેવી ચમત્કૃતિઓ આલેખાયેલી હોય છે. સિનેમાના ‘જાદુ’ વડે કૉક્તો એવું પ્રતિપાદિત કરે છે કે કલાની શક્તિ કાળના બંધન પર અને એ રીતે અંતે તો સ્વયં મૃત્યુ પર સરસાઈ ભોગવે છે. તેમનો આ કેન્દ્રવર્તી વિચાર સચોટ રીતે કંડારાયો છે ‘ધ બ્યૂટી ઍન્ડ ધ બીસ્ટ’(1945)માં. આ ફિલ્મમાં સૌથી પ્રાચીન પરીકથાનાં રૂપકોનું સિનેમાની વાણીમાં અત્યંત ભાવવાહી ઢબે નિરૂપણ કરાયું છે. તેમની નવલકથા પરથી રચાયેલું તેમનું બીજું કીર્તિપ્રદ ફિલ્મસર્જન તે ‘ઑરફી’ (1950). ગ્રીક પુરાકથાના આ હૃદયંગમ રૂપાંતરમાં પ્રણય, મૃત્યુ તથા કલાના તેમના પ્રિય વિષયો કલોચિત રીતે સાંકળી લેવાયા છે.

કૉક્તોને રંગભૂમિ પર પણ એવી જ યશસ્વી સફળતા સાંપડી. ‘પરેડ’ (1917), ‘ઑક્સ ઑન ધ રૂફ’ (1920) તથા ‘ધ એફિલ ટાવર વેડિંગ પાર્ટી’ (1921) જેવી નૃત્યનાટ્યરચનાઓ કે મૂક અભિનયસભર નાટ્યકૃતિઓ પિકાસો, સાતી, મીયો જેવા પ્રતિભાસંપન્ન સર્જકોના સહયોગથી લખાઈ હતી જે વિશેષ કરીને ભદ્ર સમાજમાં ખૂબ લોકપ્રિય નીવડી હતી. તેમનાં મહત્વનાં નાટકોમાં ‘ધ હોલી ટેરર્સ’ (1925) ઉલ્લેખનીય છે; એમાં ભાઈબહેનના દેહસંબંધના અરૂઢ વિષયની યૌવનસહજ બંડખોરી તથા કલાકારસહજ સંવેદનશીલતાપૂર્વક માવજત કરી છે. પ્રાચીન ગ્રીક નાટ્યાદર્શને આધારે રચાયેલી ‘ઍન્ટિગોની’ (દ્યુ લેં દ્વારા 1922માં નિર્દેશિત), ઑરફિયસના આધારે લખાયેલી ‘ઑરફી’ (પિતોફ દ્વારા 1926માં નિર્દેશિત) તથા ‘ધ ઇન્ફર્નલ મશીન’ (ઝૂ વે દ્વારા 1934માં નિર્દેશિત) જેવી રચનાઓમાં દેખીતી રીતે જ તેમણે ટ્રૅજેડીનું આધુનિક સ્વરૂપ વિકસાવવાની મથામણ કરી જણાય છે. પણ બહુધા તેમાં પ્રતિકૃતિ(parody)ની લગોલગ આવી ઊભવાનું બન્યું છે. વસ્તુત: ‘ઇન્ટિમેટ રિલેશન્સ’ (1938) આધુનિક કુટુંબજીવનની વિશેષ અસરકારક અને વાસ્તવદર્શી ટ્રૅજેડી નીવડી શકી છે. નીતિમત્તા તથા જાહેરજીવન માટે તેને હાનિકારક ગણાવી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ‘નાઇટ્સ ઑવ્ ધ રાઉન્ડ ટેબલ’ (1937), ‘ધ સૅક્રેડ મૉન્સ્ટર્સ’ (1940), ‘ધ ટાઇપરાઇટર’ (1941), ‘ધ ઇગલ વિથ ટુ હેડ્ઝ’ તથા ‘બૅકસ’ (1951) જેવાં પાછળનાં ગાળાનાં તેમનાં નાટકોમાં નાટ્યબંધની શિથિલતા, સંવાદોની શબ્દાળુતા તથા મૌલિકતાની ઊણપ તરી આવે છે.

ઝ્યાં કૉક્તો

કૉક્તોને નવલકથા તથા કાવ્યનાં સાહિત્યસ્વરૂપમાં ફિલ્મ તથા રંગભૂમિ જેવી યશસ્વી ફાવટ આવી નથી.

કૉક્તોનાં સર્જનોમાં તરી આવતી લાક્ષણિકતા એ છે કે ઘોડા, અરીસા, પૂતળાં, દેવદૂત, બરફ વગેરે જેવાં કેટલાંક કલ્પનોનું એમાં પુનરાવર્તન થયા કરે છે. વળી, એમાં એમના શૈશવની તાર્દશ સ્મૃતિ પણ સંગોપાયેલી હોય છે. નાટ્યાત્મકતા માટેનો પ્રેમ, ટીખળી મંતવ્યો-ઉક્તિઓનો શોખ, વિરોધાભાસી ઉચ્ચારણોનો અત્યાગ્રહ જેવી ખાસિયતો પણ તેમની શૈલીમાં સતત ડોકાતી રહે છે. વિવિધ વિષયો પરત્વેનાં તેમનાં નિશ્ચિત મનોવલણો તથા નાવીન્ય માટેની સતત મથામણને પરિણામે, તેમણે આયાસપૂર્વક તેમની શૈલીમાં, તેમના કહ્યા મુજબ ‘મહા-અરાજકતા’ (great disorders) વિકસાવી છે. અલબત્ત એમાં એમનો આશય માધ્યમગત પ્રચલિત મર્યાદાઓ વળોટીને સુંદરતાનાં નવાં અરૂઢ અને વિશેષ પ્રભાવક લક્ષણો શોધવાનો અને નિરૂપવાનો રહ્યો છે. છતાં ઠીકઠીક સમય સુધી તેમની સર્જકપ્રતિભાની કાં તો ઉપેક્ષા થઈ, કાં તો તેનું યથોચિત મૂલ્યાંકન ન થયું, સમય જતાં તેમની પ્રતિભાનો સ્વીકાર થયો. 1955માં તે ફ્રેન્ચ એકૅડેમીમાં ચૂંટાયા અને 1956માં ઑક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને ડૉક્ટરેટની માનાર્હ પદવી આપી તેમનું બહુમાન કર્યું.

મોહંમદ ઇસ્હાક શેખ