કૈવલ્ય : શાબ્દિક અર્થ છે કેવળ ભાવ અર્થાત્ આત્માના વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર. આ શબ્દ યોગશાસ્ત્રનો છે, પરંતુ તે મોક્ષના અર્થમાં અન્ય શાસ્ત્રોમાં પણ પ્રયોજાયો છે. ભારતીય દર્શનના બધા સંપ્રદાયોમાં આત્માનું અજ્ઞાનકૃત સ્વરૂપાચરણ કે સ્વરૂપસંકોચરૂપી બંધનો, જ્ઞાન કે વિદ્યા દ્વારા ઉચ્છેદ કરીને આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરવો એને જ મોક્ષ કે સાક્ષાત્કાર માન્યો છે. કૈવલ્યના સ્વરૂપ વિશે જુદાં જુદાં દર્શનોમાં જુદી જુદી રીતે વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ બધે કૈવલ્ય જ્ઞાનદ્વારા પ્રાપ્ત થાય છે અથવા આત્મસાક્ષાત્કાર તત્વના યથાર્થ સ્વરૂપ જ્ઞાન રૂપે અનુભવાય છે. રામ-ભક્તિ-સાહિત્યમાં આ શબ્દપ્રયોગ પ્રાપ્ત થાય છે. તુલસીદાસે કૈવલ્યને અત્યંત દુર્લભ કહ્યું છે – ‘કહત કઠિન, સમુજત કઠિન, સાધન કઠિન વિવેક, હોઈ ધુનાક્ષર ન્યાય જો પુનિ પ્રત્યૂહ અનેક’ અર્થાત્ એ કહેવામાં કઠિન છે, સમજવામાં કઠિન છે, ખૂબ મુશ્કેલીથી વિવેકપૂર્વક જ તેને સાધી શકાય છે, કેમકે તેની પ્રાપ્તિમાં અનેક પ્રકારના વ્યવધાન અને અંતરાયો ઊભા થાય છે. રામ-ભક્તિ કૈવલ્ય-પ્રાપ્તિનું (સુલભ) સાધન છે.

પ્રવીણચંદ્ર પરીખ