કૈલાસમંદિર : ઇલોરાની ગુફા નં. 16માં આવેલું મંદિર. ખડકમાંથી કોરેલા સ્થાપત્યમાં જગતભરમાં કૈલાસગુફા અગ્રસ્થાને છે. તેની રચના મંદિરના ગોપુરમ્ જેવી છે. મંદિરની સમગ્ર શિલ્પસમૃદ્ધિ એક જ ખડકમાંથી કંડારેલી છે. આ ગુફામાં પ્રવેશતાં જ સામે પાષાણનો પડદો છે, જેના ઉપર શિવ અને વિષ્ણુની પ્રચંડ મૂર્તિઓ કોરેલી છે; 82.8 મીટર લાંબો અને 46.2 મીટર પહોળો ખડક કોરી કાઢેલો છે. તેની પાછળના ભાગની ઊંચાઈ 32.1 મીટર છે. મધ્યમાં 49.2 × 32.7 મીટરની પીઠિકા ઉપર 29 મીટરની ઊંચાઈવાળું બે માળનું મંદિર કોરેલું છે. મંદિરની ત્રણે બાજુ વિશાળ ચોકની દીવાલોની જેમ ખડકો પણ બેથી ત્રણ માળ સુધી કોરેલા છે. તે રાજમાર્ગ પર ઊભેલાં મંદિરોની હારમાળાનું સુંદર અને બેનમૂન ર્દશ્ય રજૂ કરે છે. ભારતના શિલ્પીઓ પશુઆકૃતિઓ આબેહૂબ બનાવતા તેનો ખ્યાલ કૈલાસમંદિરના પ્રથમ મુખ્ય મંદિરની બંને બાજુએ કોરેલાં હાથીનાં પ્રચંડ શિલ્પો આપે છે. આ સ્થળેથી નંદીમંડપમાં દાખલ થવાય છે. આ મંડપને બે માળ છે અને તેની સાથેનું જોડાણ એક પુલથી મુખ્ય રંગમંડપ સાથે થયેલું છે. પુલની બંને બાજુ સુંદર કીર્તિસ્તંભ યાને ધ્વજદંડ ઊભેલા છે. આ સ્તંભોની કુલ ઊંચાઈ 15 મીટર છે. આ સ્તંભનો શિરોભાગ ત્રિશૂળ જેવો છે.

પુલની નીચે શિવનાં બે અદભુત શિલ્પો છે : સૃષ્ટિનો સંહાર કરતા શિવ કાળભૈરવ અને બાજુમાં માયાયોગી શિવ અનેક મુનિઓ અને દેવોના ભક્તવૃંદ સહિત ધ્યાનમગ્ન અવસ્થામાં નજરે પડે છે.

આકૃતિ 1 : કૈલાસમંદિર, ઇલોરા

મંદિરની પીઠિકા 8.1 મીટર ઊંચી છે, જેના ઉપર ક્રીડા કરતા અનેક હાથીઓની હારમાળા છે. તે જાણે સમગ્ર મંદિરને પોતાની પીઠ પર અંબાડીની જેમ ધારણ કરતા લાગે છે. આ હારમાળામાં સૂંઢથી ક્રીડા કરતા હાથીઓની જુદી જુદી અવસ્થાઓ બતાવેલી છે. સમગ્ર ર્દશ્ય જીવંત લાગે છે. કોઈ હાથી પોતાની સૂંઢ બીજા હાથીની સૂંઢમાં પરોવીને તેની સાથે ગેલ કરે છે, કોઈ સૂંઢ વડે બીજાને ખવડાવે છે, કોઈ શાર્દૂલને કચડીને ઊભા છે. આ હારમાળાની પીઠિકા ચારે બાજુ કંડારેલી છે. દક્ષિણ ભાગમાં મૂળ મંદિરની છતથી સામેની ગુફા સુધીનો પુલ તૂટી ગયો છે. એની નીચે કૈલાસ પર્વતને ઉપાડતા રાવણનો કથાપ્રસંગ કંડારેલો છે. આ એક શ્રેષ્ઠ કોટિનું શિલ્પ છે. દૈવી પર્વતને ઉપાડવા રાક્ષસી શક્તિ જોઈએ તે માટે રાક્ષસના ચોવીસ હાથ એકીસાથે કામમાં રોકાયેલા છે. પર્વત જોરથી કંપ અનુભવે છે. દેવી પાર્વતી ગભરાટથી ચીસ પાડીને પોતાના પતિ શિવને બાઝી પડે છે. તેની દાસીઓમાં પણ ગભરાટ જણાય છે, પણ દેવ શાંતિથી સ્થિર બેઠેલા છે અને ભયંકર કંપનને પગના અંગૂઠાનો અગ્રભાગ દબાવીને શાંત કરે છે. ભારતીય શિલ્પસ્થાપત્યકલાનો આ સર્વશ્રેષ્ઠ નમૂનો છે. નટરાજનું નૃત્ય, શિવભૈરવનો કોપ, સંહારનો જુસ્સો તો બીજી તરફ પ્રેમનો મૃદુભાવ વગેરે ખૂબ ઝીણવટથી વ્યક્ત થયાં છે. લાગણીનો ક્ષણિક આવિર્ભાવ એની યોગ્ય પળે કલાકારે સૂક્ષ્મ રીતે પકડી પાડ્યો છે અને પથ્થરના શિલ્પમાં તેને અમર સ્થાન આપ્યું છે. આવા શ્રેષ્ઠ અને સૂક્ષ્મ ભાવોના અસંખ્ય પ્રસંગો અને વિષયો કૈલાસમંદિરમાં આલેખાયેલા છે. આ કલા પૌરાણિક કથામાં રહેલાં જીવનનાં રહસ્યોને મૂર્ત કરે છે.

આ ખડક-શિલ્પ મહાભારત-રામાયણ આદિના પ્રસંગોને અનુરૂપ ભાવોને પ્રશંસનીય રીતે વ્યક્ત કરવામાં અજોડ છે. સીતાને ઉપાડી જતા રાવણના ર્દશ્યમાં પણ સમગ્ર પશુસૃષ્ટિ રાવણની વિરુદ્ધ છે તે પણ શિલ્પીએ ઉત્તમ પ્રકારે બતાવેલું છે.

નંદીના ધામમાંથી વિશાળ રંગમંડપમાં દાખલ થતાં તેના પશ્ચિમ ભાગમાં ગર્ભાગાર છે, જેમાં શિવલિંગ છે. મંદિરની ઉપરના ભાગમાં ચાર બાજુએ ચાર તથા પાછળના ભાગે એક એમ કુલ પાંચ ગોખ છે. તેમાં ગણેશ, રુદ્ર અથવા ભૈરવ, પાર્વતી તથા સપ્તમાતૃકાઓ વગેરેની શિલ્પાકૃતિઓ હતી.

સ્તંભોની હારમાળા મુખ્ય મંદિરને વીંટળાઈ રહેલી છે. તેની વચ્ચે વચ્ચે શૈવ તેમજ વૈષ્ણવધર્મનાં અનેક દેવદેવીઓનાં સ્વરૂપ ખૂબ સુંદર રીતે કોરેલાં છે. આ મંદિર બાંધવાની શરૂઆત રાષ્ટ્રવંશના રાજા કૃષ્ણ પહેલાએ ઈ. સ. 760માં કરી હતી, પણ તે મંદિર ક્યારે પૂરું થયું તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી.

આ મંદિરની ઉત્તર તરફ જે મંદિર છે તેને લંકેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. તેની અંદરના સ્તંભો ખૂબ સુંદર અને અનેક દેવદેવીઓનાં શિલ્પોથી ભરપૂર છે. વળી હિમાલયમાંથી નીકળતી નદીઓની ધ્યાન ખેંચે તેવી મૂર્તિઓ કોરેલી છે; જેમ કે જમણી બાજુએ મકર પર ગંગા, ડાબી બાજુએ કૂર્મ ઉપર યમુના અને મધ્યમાં કમળ ઉપર સરસ્વતી. આ રીતે આર્યાવર્તને ફળદ્રૂપ કરનારી જુદી જુદી પવિત્ર નદીઓ જુદી જુદી સંજ્ઞાઓ વડે કંડારેલી છે. નદીનાં સ્વરૂપો માનવઆકારે ઓળખી શકાય તે રીતે તેમનાં ચિહનો સાથે બતાવી અહીંના શિલ્પીઓએ તેમની શિલ્પકલાનો ઉત્તમ પરિચય આપ્યો છે. ટૂંકમાં કૈલાસમંદિરનાં શિલ્પો વિષયને અનુરૂપ ભાવ અને ક્રિયાને રજૂ કરીને સમગ્ર વાતાવરણને જીવંતતા અર્પે છે.

આકૃતિ 2 : દક્ષિણ ધ્વજસ્તંભ, નંદીગૃહ અને રામાયણકથાશિલ્પ

શિવના નિવાસસ્થાન કૈલાસ રૂપે આ ગુફા કંડારી હોવાથી એમાં શૈવ શિલ્પો હોય તે સ્વાભાવિક છે; પરંતુ શૈવ શિલ્પો ઉપરાંત વૈષ્ણવ શિલ્પો પણ કંડારેલાં છે. દક્ષિણ દિશામાં 12 શિલ્પો પૈકી ત્રણમાં શિવ-ભક્ત, નંદી સાથે ઉભેલા મહાદેવ અને તથા અર્ધનારીશ્વર જોવા મળે છે. પૂર્વ તરફનાં 19 શિલ્પોમાંથી 17 શિલ્પો શિવને લગતાં છે. તે પૈકી શિવ પાસે કેશગુંફન કરાવતાં પાર્વતી, કપાલભૈરવ શિવને હાથમાં ધારણ કરેલ પાર્વતી, નવયોગી શિવ, સિદ્ધયોગી શિવ, બટુકભૈરવ શિવ, ભૂપાલભૈરવ શિવ, ગંગાધર શિવ, શિવલિંગ માહાત્મ્યનું ર્દશ્ય, ત્રિપુરાસુરનો વધ કરવા જતા સદાશિવ, રત્નાસુરનો વધ કરતા વીરભદ્રરૂપ શિવ, શિવ-પાર્વતીનાં લગ્ન વગેરે શિલ્પો ઉલ્લેખનીય છે. પશ્ચિમની બાજુએ માર્કંડેય ઋષિની યમથી રક્ષા કરતા. શિવ, અર્જુન પર અનુગ્રહ કરતા શિવ, ચોપાટ રમતાં શિવ-પાર્વતી નારદજીનું વીણાવાદન સાંભળતાં શિવ-પાર્વતી, કૈલાસોદ્ધરણ વગેરે શિલ્પો કંડારેલાં છે.

દક્ષિણની દિશાના વરંડામાં વૈષ્ણવ શિલ્પો કંડારેલાં છે. એમાં કાલિનાગ-દમન, વરાહ-અવતાર, વામનરૂપ વિષ્ણુ, ગોવર્ધનધારી વિષ્ણુ, શેષશાયી વિષ્ણુ, નૃસિંહાવતાર, ત્રિવિક્રમરૂપ વિષ્ણુ વગેરે શિલ્પો દર્શનીય છે.

પ્રિયબાળાબહેન શાહ

થૉમસ પરમાર