કૈરોન, પ્રતાપસિંગ (જ. 1 ઑક્ટોબર 1901, કૈરોન, પંજાબ; અ. 6 ફેબ્રુઆરી 1965, પ્રવાસ દરમિયાન) : સ્વાતંત્ર્યસેનાની, રાજકીય નેતા અને પંજાબના મુખ્યમંત્રી. પ્રગતિશીલ કુટુંબમાં જન્મ. શરૂઆતનું શિક્ષણ પોતાના વતનમાં. લાહોર યુનિવર્સિટીમાંથી 1920માં સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. 1920-29ના ગાળામાં અમેરિકાના નિવાસ દરમિયાન ગદર પાર્ટીની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. 1929માં સ્વદેશ પાછા ફર્યા. તે જ વર્ષે કૉંગ્રેસમાં જોડાયા અને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. પોતાના જિલ્લામાં કિસાનોનું સંગઠન ઊભું કર્યું જેને વ્યાપક પ્રતિસાદ મળ્યો. ‘ન્યૂ ઇરા’ નામનું સામયિક શરૂ કર્યું. રાજકીય કાર્યકર્તાઓમાંથી જરૂરિયાતવાળા લોકોને સહાય અને રાહત આપતી ‘દેશભગત પરિવાર સહાયક સમિતિ’ નામક સંસ્થાના તે પ્રમુખ કાર્યકર બન્યા. સવિનય કાનૂનભંગ દરમિયાન ત્રણ વર્ષના કારાવાસની સજા ભોગવી. 1936-65 દરમિયાન પાંચ વાર પંજાબ વિધાનસભા માટે ચૂંટાયા.
1941-46 દરમિયાન પંજાબ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના મંત્રી અને 1950-52 દરમિયાન તે તેના પ્રમુખ હતા. દેશના વિભાજન પછી રાજ્ય સરકારમાં પુનર્વસવાટ વિભાગના તથા 1952-56 દરમિયાન મહેસૂલ, કૃષિ અને વિકાસ ખાતાના મંત્રી રહ્યા. 1956-64 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીપદે કાર્ય કર્યું. પરંતુ ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરવા નિમાયેલા ‘દાસ કમિશન’ના અહેવાલમાં તેમનાં કેટલાંક કાર્યો વિશે પ્રતિકૂળ અભિપ્રાય વ્યક્ત થતાં 14 જૂન 1964ના રોજ મુખ્યમંત્રીપદેથી તેમણે રાજીનામું આપ્યું. 6 ફેબ્રુઆરી 1965ના રોજ દિલ્હીથી અમૃતસર પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં વ્યક્તિગત અદાવત ધરાવનાર ટોળીએ તેમના કાફલા પર હુમલો કર્યો અને તેમની હત્યા કરવામાં આવી.
સ્વાધીનતા પછી પંજાબ રાજ્યમાં જે ઝડપી વિકાસ થયો તેનો જશ અમુક અંશે તેમની સંગઠનશક્તિ અને વહીવટી કુશળતાને આપવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે