કૈલાસ (જ. 29 જુલાઈ 1885, મૈસૂર; અ. 23 નવેમ્બર 1946, બૅંગ્લોર) : કન્નડ નાટકકાર. આખું નામ ત્યાગરાજ પરમશિવ કૈલાસ. બી.એ.ની પદવી મેળવ્યા બાદ તે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં યુનિવર્સિટીના શિક્ષણની સાથે સાથે ત્યાંનાં નાટકોમાં પણ રસ લીધો. 1915માં ભારત પરત આવ્યા અને કેટલાંક વર્ષો સુધી સરકારી નોકરીમાં રહ્યા ને સ્વેચ્છાએ છોડી દીધી. ત્યારપછી નાટ્યલેખન અને નાટ્યઅભિનય જાણે કે તેમનું જીવનકાર્ય બની ગયું.

સામાજિક વિષયોને લઈને, સમાજની બૂરાઈઓને વિડંબના દ્વારા પ્રદર્શિત કરવી તે કૈલાસનાં નાટકોનો મુખ્ય ઉદ્દેશ હતો. કહેવાય છે કે કૈલાસ કન્નડભાષી હોવા છતાં સહેલાઈથી તે ભાષા લખી શકતા ન હતા. એટલા માટે તે પોતાનાં મોટા ભાગનાં કન્નડ નાટકો અન્ય વ્યક્તિઓ પાસે લખાવતા. પોતાનાં નાટકોમાં તે અભિનય પણ આપતા હતા.

‘ટોળ્ળુ નટ્ટિ’, ‘બડેબાળ બિલ્લદ બડાઈ’, ‘પૌલી કિટ્ટિ’, ‘હોં રુલ’, ‘અમ્માવરા ગંડ,’ ‘વૈદ્યન વ્યાધિ’, ‘સત્તવન સંતાપ,’ ‘તમ કંપનિ’, ‘ગેડસ્કર્ટિ’, ‘સૂળે’ ઇત્યાદિ કૈલાસની નાટ્યકૃતિઓ આજે પણ ભજવાય છે.

કન્નડની સાથે સાથે અંગ્રેજી ભાષામાં પણ કૈલાસે નાટકો લખ્યાં છે, જેનું વસ્તુ ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત છે. ‘ધ પરપઝ’ (અથવા એકલવ્ય), ‘કીચક’, ‘કર્ણ’ (અથવા વિપ્રશાપ) વગેરે એમનાં અંગ્રેજી નાટકો છે.

પાશ્ચાત્ય સંગીતના અનુકરણ રૂપે કૈલાસે કન્નડમાં કેટલાંક ગીતો પણ લખ્યાં છે. 1945માં કન્નડ સાહિત્ય સંમેલનના તે પ્રમુખ હતા. અર્વાચીન કન્નડ સાહિત્યના તેઓ એક પ્રતિભાવાન નાટકકાર હતા.

એચ. એસ. પાર્વતી