કૈયટ (અગિયારમી સદી લગભગ) : સંસ્કૃત વ્યાકરણના ભાષ્યકાર. મૂળ કાશ્મીરના વતની પણ જ્ઞાનસંપાદન, અધ્યાપન તથા લેખનના કારણે વારાણસીમાં વસ્યા હતા. તેના પિતા જૈયટ ઉપાધ્યાય હતા. કાવ્યપ્રકાશકાર મમ્મટ અને શુક્લ યજુર્વેદ પર ભાષ્ય રચનાર ઉવટને કેટલાક વિદ્વાનો તેમના ભાઈઓ તરીકે ગણે છે. તેમના ગુરુનું નામ મહેશ્વર હતું. કૈયટે પાણિનીય વ્યાકરણ પરના પાતંજલ મહાભાષ્ય પર પ્રદીપ ટીકા લખી છે. તે મહાભાષ્ય પરની પહેલી સંપૂર્ણ ટીકા છે. તે ટીકામાં ભર્તૃહરિરચિત વાક્યપદીય અને મહાભાષ્યદીપિકાનો ઉપયોગ કરીને પાણિનીય વ્યાકરણને સરળ, સમૃદ્ધ અને સ્પષ્ટ બનાવવાનો પ્રયત્ન છે. તે માટે તેમણે ક્યાંક ભર્તૃહરિની દીપિકાનાં ઉદ્ધરણો ટાંક્યાં છે, તો ક્યાંક વચનોનો વિસ્તાર કર્યો છે. અમુક સ્થળે દીપિકાનો સારસંગ્રહ પોતાના શબ્દોમાં લખ્યો છે. ઠેકઠેકાણે ચર્ચેલા વિષયો પરથી ન્યાય વગેરે શાસ્ત્રોનું તેમનું અધ્યયન દેખાઈ આવે છે. આથી પ્રદીપનું મહત્વ પણ મહાભાષ્ય જેટલું જ છે. સંસ્કૃત વૈયાકરણોની પ્રચલિત ઉક્તિ तदुत्कं भाष्यकैट्योः (તેવું મહાભાષ્યમાં અને કૈયટરચિત પ્રદીપમાં કહેવાયું છે.) પરથી એમની ટીકાનું પ્રદીપ એવું નામ અન્વર્થક સ્પષ્ટ થાય છે. પ્રદીપ ટીકા વગર સંસ્કૃત વ્યાકરણ દુરૂહ અને ક્લિષ્ટ જ રહ્યું હોત.

જયદેવ જાની