કેન્યા : પૂર્વ આફ્રિકામાં હિંદી મહાસાગરના પશ્ચિમ કિનારે આવેલો આફ્રિકા ખંડનો સૌથી વધુ વિકસિત દેશ. તેનું નામ તે જ નામના પર્વત ઉપરથી પડ્યું છે. તે 4° ઉ.અ. અને 4° દ.અ. અને 34° અને 41° પૂ.રે. ઉપર આવેલો છે. કુલ ક્ષેત્રફળ 5,82,646 ચોકિમી. વિષુવવૃત્ત તેની મધ્યમાંથી પસાર થાય છે. તેના અગ્નિખૂણે હિંદી મહાસાગર, પૂર્વ બાજુ સોમાલિયા, ઉત્તરે ઇથિયોપિયા, ઈશાને સુદાન, પશ્ચિમે યુગાન્ડા અને દક્ષિણે ટાન્ઝાનિયા આવેલાં છે.

દરિયાકિનારે આવેલું મેદાન, અંદરનો ઉચ્ચપ્રદેશ અને ફાટખીણ (rift-valley) તેના મુખ્ય કુદરતી વિભાગો છે. દક્ષિણ તરફનું કિનારાનું મેદાન 3થી 16 કિમી. પહોળું છે, જ્યારે ટાના નદીની ઉત્તરે આવેલું મેદાન 160 કિમી. પહોળું છે, મેદાનની લંબાઈ 375 કિમી. છે. અંદરના ભાગમાં ત્રણ ઉચ્ચપ્રદેશો છે. તે પૈકી પૂર્વ તરફનો ઉચ્ચપ્રદેશ અન્ય બે ઉચ્ચપ્રદેશો કરતાં નીચો છે. 50થી 65 કિમી. લાંબી ફાટખીણના ઉત્તર અને દક્ષિણ વિભાગો એકસરખી ઊંડાઈવાળા નથી. ફાટખીણના પૂર્વ છેડે આવેલ એબરડેર ગિરિમાળાનો પ્રદેશ 1950 મી. ઊંચો છે, જ્યારે ફાટખીણના પશ્ચિમ

કેન્યા

છેડાવાળો સીધા ચડાણવાળો માઉ પર્વતમાળાવાળો ઉચ્ચપ્રદેશ 3950 મી. ઊંચો છે. તેનો સૌથી ઊંચો ભાગ, માઉન્ટ કેન્યાનું શિખર 5199 મી. ઊંચું છે. ફાટખીણનું તળ આસપાસના 900-1800 મી. ઊંચા પ્રદેશથી 600-900 મી. નીચું અને ઊંડું છે. ઉત્તર બાજુએ તે રૂડૉલ્ફ સરોવર નજીક 385 મી. ઊંડું છે. ઉચ્ચપ્રદેશની પશ્ચિમે આવેલ વિક્ટોરિયા સરોવરના તટપ્રદેશની ઊંચાઈ 1,200 મી. ઓછી છે. વિક્ટોરિયા સરોવરના તટપ્રદેશની દક્ષિણે કેરિયો નામનો ઉચ્ચપ્રદેશ છે, જ્યારે તેની ઉત્તરે એલ્ગૉનનો ઉચ્ચપ્રદેશ આવેલ છે. લેક વિક્ટોરિયાનું કાનોનું મેદાન 1,130 મી. ઊંચું છે. કાવિરોન્ડો કફની દક્ષિણે અને ઉત્તરે કિસી અને લુયલા ઉચ્ચપ્રદેશો છે. અહીં ઉચ્ચપ્રદેશોમાંથી નીકળી હિંદી મહાસાગરને મળતી ટાના નદી ઉપરાંત પશ્ચિમના પ્રદેશની નઝોઇયા અને કૂજા મોટી નદીઓ છે. વિક્ટોરિયા, રૂડૉલ્ફ અને કેટલાંક નાનાં સરોવરો છે.

જમીનના પ્રકાર : કેન્યાની 75% જમીન રેતાળ છે અને સૂકી આબોહવાને કારણે ખેતી માટે અનુકૂળ નથી. તેથી ઊલટું વિક્ટોરિયા સરોવરના ખીણપ્રદેશની (basin) જમીન ફળદ્રૂપ છે અને પૂરતું પાણી મળે તો ઘણો પાક આપે છે. કેન્યાના ઉચ્ચપ્રદેશની લાવાની બનેલી જમીન પણ ઘણી ફળદ્રૂપ છે.

આબોહવા : કેન્યાનું નીચું મેદાન વિષુવવૃત્ત પ્રદેશની ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવે છે. શિયાળા અને ઉનાળાના તાપમાનમાં અહીં બહુ થોડો તફાવત હોય છે. અંદરનો ઉત્તર તરફનો વિસ્તાર અર્ધ વેરાન અને ઉજ્જડ હોઈ રણ જેવી આબોહવા ધરાવે છે. ઉચ્ચપ્રદેશમાં 760 મિમી. વરસાદ પડે છે. કિનારાના મેદાનમાં સરેરાશ વાર્ષિક તાપમાન 27° સે. રહે છે, કેન્યામાં સ્થળભેદે 14° સે.થી 30° સે. તાપમાન રહે છે.

વનસ્પતિ : જુદાં જુદાં સ્થાનોમાં સવાના પ્રકારનાં ઘાસનાં મેદાનો, કાંટાળાં વૃક્ષો, મેન્ગ્રોવ વૃક્ષો, ગીચ જંગલો આવેલાં છે.

વન્ય પશુઓમાં સિંહ અને દીપડા, ગેંડો, હાથી, ઝીબ્રા, હરણ, વાંદરા, જિરાફ, જંગલી ભેંસ વગેરે પ્રાણીઓ છે. સાવો, માઉન્ટ કેન્યા, એમ્બોઝેલી અન એબરહેટ વિસ્તારમાં રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે. તેનો વિસ્તાર 62,000 ચોકિમી. છે, જે પૈકી નૈરોબી નજીકના નૅશનલ પાર્કનો વિસ્તાર 104 ચોકિમી. છે. વિક્ટોરિયા સરોવરના વિસ્તારમાં હિપોપોટેમસ અને મગરનું પ્રમાણ ઠીક છે. શાહમૃગ, પેલિકન, ફ્લેમિંગો (સુરખાબ), બસ્ટર્ડ (ઘોરડ) તથા શિકારી પક્ષીઓ જંગલ વિસ્તારમાં તથા દરિયાકાંઠે જોવા મળે છે. ઝેરી સાપ, કાચિંડા અને વીંછી ભેજવાળાં જંગલોમાં વિશેષ છે.

પાક : કાંઠાના વિસ્તારમાં કાજુ, શેરડી, કેળાં, કપાસ, સિસલ અને ડાંગરનો પાક લેવાય છે. મકાઈની બાબતમાં કેન્યા આત્મનિર્ભર છે. ઉચ્ચપ્રદેશમાં પાઇરેન્થ્રમ, ઘઉં, કૉફી અને ચા થાય છે.

ખનિજ : મીઠું, સોનું, લોખંડ, માણેક વગેરે આ દેશનાં મુખ્ય ખનિજો છે. કોલસો તથા પેટ્રોલિયમનો અભાવ છે.

ધંધો : લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. કેન્યાની નિકાસમાં ખેતીની પેદાશોનો ફાળો 70% છે. વિક્ટોરિયા, રૂડૉલ્ફ અને અન્ય સરોવરોમાં તથા હિંદી મહાસાગરના કિનારાના પ્રદેશમાં મત્સ્યઉદ્યોગ વિકસ્યો છે. નૈરોબી અને મૉમ્બાસા મહત્વનાં ઔદ્યોગિક કેન્દ્રો છે. અહીં કાપડ, સિમેન્ટ, રસાયણ, કાગળ, યંત્રો, ધાતુની વસ્તુઓ, ખાદ્ય પદાર્થો અને પીણાંનો તથા મોટર અને તેના છૂટક ભાગો બનાવવાનો, ક્રૂડ ઑઇલના શુદ્ધીકરણનો વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. ઉચ્ચપ્રદેશનાં ઘાસનાં મેદાનોમાં પશુપાલન ઉદ્યોગ છે. વિવિધ વન્ય પ્રાણીઓની સૃષ્ટિ તથા ખુશનુમા આબોહવાને કારણે પ્રવાસન વિકસ્યું છે.

વેપાર : ચા, કૉફી, ચામડાં, સિમેન્ટ, સોડાઍશ અને સિસલના રેસાની નિકાસ થાય છે. જ્યારે યંત્રો, દવાઓ, રંગ, ખાતર, ક્રૂડ ઑઇલ, વાહનવ્યવહારનાં સાધનો, લોખંડ અને પોલાદ વગેરેની આયાત થાય છે.

વાહનવ્યવહાર : અહીં 2,040 કિમી. લાંબી રેલવે છે. કિસુમુ બંદરને 3,750 કિમી.ના પાકા રસ્તા છે. મૉમ્બાસા કેન્યાનું મુખ્ય બંદર છે. કેન્યા-યુગાન્ડા રેલવે ભારતીય મજૂરો અને અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જેવા ઇજનેરોના પરિશ્રમનું ફળ છે. કેન્યાની આઝાદી સુધી રેલના કર્મચારીઓ મુખ્યત્વે ભારતીયો હતા.

લોકો : અહીં સ્થાનિક આફ્રિકન પ્રજાની 40 કરતાં પણ વધારે જાતિઓ છે. તે પૈકી બાન્ટુભાષી કિકુયુ (21%), કામ્બા (11%), લુહ્યા (14%), કિશી (6%) વગેરે છે. જ્યારે બાન્ટુ સિવાય અન્યભાષી અને અન્ય નિલોટિક વંશીય લુઓ (13%) અને કાલેન્જિન (11%) છે. મસાઈઓ ફાટખીણના વિસ્તારમાં વસે છે. કાંઠાના વિસ્તારમાં આરબો અને આરબમિશ્રિત આફ્રિકનો, એશિયનો વગેરે વસે છે. કેન્યાના ઈશાન ભાગમાં સોમાલી વંશીય લોકો છે. એશિયનો પૈકી ગુજરાતી લોકો વેપારી તથા ઉદ્યોગપતિઓ છે. ગોરા (અંગ્રેજો વગેરે) ઉચ્ચપ્રદેશમાં વસે છે. તેઓ ચા-કૉફીના મોટા બગીચાઓ ધરાવે છે. ગુજરાતીઓ કિનારાના પ્રદેશમાં અને શહેરોમાં વસે છે. ગુજરાતીઓ મૉમ્બાસા, નૈરોબી, કિસુમુ, નાકુરૂ વગેરે શહેરોમાં તથા અંદરનાં અન્ય શહેરોમાં વસ્યા છે. જંગલના વિસ્તારમાં પણ વેપાર અર્થે કચ્છ, ખેડા અને સુરત, જામનગર, પોરબંદર અને ભાવનગર વિસ્તારના ગુજરાતીઓએ વસીને અંધારાખંડમાં સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવ્યો.

કેન્યાની કુલ વસ્તી 5.62 કરોડ (2022) જેટલી હતી. તે પૈકી 17% અને 83% અનુક્રમે શહેરો અને ગ્રામ વિસ્તારમાં રહેતા હતા.

1974માં સ્વાહિલીને રાષ્ટ્રીય ભાષા તરીકે માન્યતા મળી છે. સ્વાહિલી ઉપરાંત અંગ્રેજી ભાષા બીજી રાજભાષા છે. ગુજરાતી તથા પંજાબીભાષી લોકોનું પ્રમાણ ઘણું છે. તેઓ વેપાર, ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટના ધંધામાં જોવા મળે છે. 30% લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. આરબો અને એશિયનો પૈકી કેટલાક ઇસ્લામ ધર્મ પાળે છે. હિંદુ, શીખ અને જૈન ધર્મ પાળનારા એશિયનો છે. કચ્છ અને હાલારમાંથી આવેલા ખોજાઓ આગાખાનના અનુયાયી છે. રેલવેના બાંધકામ માટે શીખધર્મી પંજાબીઓ આવ્યા હતા. તે પૈકી થોડા અહીં રહી ગયા હતા. થોડા ગોવાવાસીઓ પણ અહીં છે. મોટા ભાગના આફ્રિકનો પરંપરાગત ધર્મ પાળે છે. ખ્રિસ્તીઓમાં મુખ્યત્વે કૅથલિક અને પ્રૉટેસ્ટન્ટ પંથના છે.

શિક્ષણ : આઝાદી પૂર્વે કેન્યામાં પ્રૉટેસ્ટન્ટ અને કૅથલિક મિશનો દ્વારા હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ (સિનિયર કેમ્બ્રિજ) અપાતું હતું. આ સિવાય એશિયનો પૈકી ખોજા, જૈન અને સ્વામિનારાયણ ધર્મના અનુયાયીઓની સ્વતંત્ર શાળાઓ હતી. ત્યાંની ગાંધી મેમૉરિયલ કૉલેજ ભારતીયોએ શરૂ કરી હતી. નૈરોબીમાં એક પૉલિટેકનિક ઉપરાંત દેશમાં અન્યત્ર કેટલીક ટેક્નિકલ શાળાઓ પણ છે. આ સિવાય વિવિધ દેશોની શિષ્યવૃત્તિ મેળવનારાઓ અન્ય દેશોમાં  ઉચ્ચ શિક્ષણ લેવા જતા. આ રાજ્યના વિદ્યાર્થીઓ ગુજરાતમાં વડોદરા અને અમદાવાદમાં ભણવા આવે છે. નૈરોબીનું નૅશનલ મ્યુઝિયમ નૃવંશશાસ્ત્ર તથા નૅચરલ હિસ્ટરી અંગેનાં ઘણાં અવશેષો, વસ્તુઓ વગેરે ધરાવે છે. સાંસ્કૃતિક કેન્દ્ર અને રાષ્ટ્રીય રંગભૂમિ તેની સંસ્કૃતિનાં દ્યોતક છે.

કેન્યાનું પાટનગર નૈરોબી એક વિહંગ ર્દશ્ય

શહેરો : નૈરોબી કેન્યાની રાજધાની છે. વસ્તી : 55,41,172 (2024). મૉમ્બાસા તેનું મુખ્ય બંદર છે. તેની વસ્તી 14,95,000 (2024). આ બે શહેરોમાં મોટાભાગના ઉદ્યોગો કેન્દ્રિત થયા છે. આ બંને શહેરો પચરંગી વસ્તી ધરાવે છે. વિક્ટોરિયા સરોવર ઉપરનું કિસુમુ બંદર આ પ્રદેશનું મહત્વનું વેપારી કેન્દ્ર છે. થીકા, નાન્યૂકે, નાકુરૂ, એલ્ડોરેટ વગેરે અન્ય શહેરો વિકસી રહ્યાં છે.

ઇતિહાસ : એક હજાર વર્ષ પૂર્વે પશ્ચિમ આફ્રિકામાંથી સ્થળાંતર કરીને બાન્ટુ જાતિઓ કેન્યામાં વસી હતી. ઉત્તરમાંથી પંદરમા સૈકાના અંતભાગમાં નિલોટિક લોકો આવ્યા હતા. દક્ષિણ અરબસ્તાનમાંથી આરબો સાતમી સદીથી કાંઠાના ભાગમાં ક્રમશ: વસ્યા હતા. વાસ્કો ડી ગામા જ્યારે ભારતના દરિયાઈ માર્ગની શોધ કરવા નીકળ્યો ત્યારે તેણે મલિન્ડી અને મૉમ્બાસામાં ભારતીય (ગુજરાતી) વેપારીઓને જોયા હતા અને તેનો માર્ગદર્શક કાનજી માલમ ગુજરાતી ખારવો હતો. પોર્ટુગીઝોના આગમન પૂર્વે પેરિપ્લસના સમયથી ભારતીયો આ મુલકમાં વેપાર અર્થે આવતા હતા. પોર્ટુગીઝોએ મૉમ્બાસા વગેરે બંદરો આરબો પાસેથી જીતી લઈને સોફૉલાથી એડન સુધી અનેક થાણાં સ્થાપી હિંદી મહાસાગર ઉપર પ્રભુત્વ જમાવ્યું હતું. 1729માં મસ્કતના સુલતાનના શાહજાદાએ પોર્ટુગીઝોને હરાવીને આફ્રિકાના પૂર્વ કિનારા ઉપરના પ્રદેશો અને ઝાંઝીબાર વગેરે ટાપુઓ ઉપર વર્ચસ્ જમાવ્યું હતું. તે ગુલામોનો વેપાર અને લવિંગ વગેરેની ખેતી કરતા હતા. તેમના ગુલામીના વેપાર અને વાડીવજીફાના વિકાસ માટે નાણું ધીરનાર આરબો સાથે મસ્કતથી આવેલા કચ્છ-સૌરાષ્ટ્રના શાહસોદાગરો હતા. કેટલાક ગુજરાતીઓ પૈકી ખોજા, લુહાણા અને ભાટિયા મુખ્યત્વે હતા. સુલતાન, સૈયદ, મજીદ, બરગશ અને ખલીફાના શાસન દરમિયાન કેન્યાનો વેપાર તથા જકાતનો ઇજારો ગુજરાતીઓના હાથમાં હતો. 1873માં કેન્યામાંથી ગુલામી નાબૂદ થઈ. કચ્છના મહારાવે ફરમાન બહાર પાડી કચ્છના વતનીઓને ગુલામીના વેપારથી દૂર રહેવા જણાવ્યું. ગુલામીના વેપારના સમર્થક આરબ બળવાખોરોએ ઇબજી શિવજી અને લધા દામજી વગેરે કચ્છી વેપારીઓની કોઠીઓને ઘેરો ઘાલ્યો હતો અને તેમણે બળવાખોરોનો પ્રબળ સામનો કર્યો હતો. 1885ની ઍંગ્લો-જર્મન સંધિની રૂએ કાંઠાના પ્રદેશ ઉપર ઝાંઝીબારના સુલતાનનું વર્ચસ્ નામનું સ્વીકારાયું હતું, જ્યારે કેન્યા અને યુગાન્ડા અંગ્રેજોના વર્ચસ્ નીચે મુકાયાં હતાં. ટાંગાનિકામાં જર્મન આધિપત્ય સ્વીકારાયું. ત્રણસો જેટલા મિશનરીઓ અંદરના પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મપ્રચારનું કામ કરતા હતા. તેમની પાછળ ગોરાઓ કેન્યાના અંદરના પ્રદેશમાં ઘૂસ્યા હતા. ઓગણીસમી સદીના છેલ્લા દસકામાં રેલવેના ફેલાવા સાથે ગોરાઓ સાથે એશિયનો (મુખ્યત્વે ગુજરાતીઓ) અંદરના જંગલવાળા અને વિક્ટોરિયા સરોવરના કાંઠાના પ્રદેશમાં ફેલાયા હતા. અંગ્રેજોએ આફ્રિકનો પૈકી બહાદુર મસાઈ કોમનો સાથ લઈને બરાબર પગદંડો જમાવ્યો હતો. 1895માં કેન્યા ઈસ્ટ આફ્રિકાના પ્રોટેક્ટરેટનું રક્ષિત રાજ્ય બન્યું.

પહેલા વિશ્વયુદ્ધ પછી ખેડા જિલ્લાના ચરોતરના પાટીદારો, હાલારના અને કચ્છના લોકો તથા સુરત અને ભાવનગર જિલ્લાના લોકોનો કેન્યામાં ધસારો થયો હતો. 19મી સદીના અંતભાગમાં પડેલા દુષ્કાળો તથા પ્લેગ વગેરે રોગચાળાને કારણે સૌરાષ્ટ્રના લોકોની આર્થિક સ્થિતિ બગડતાં આ સ્થળાંતરને ઉત્તેજન મળ્યું હતું. ગવર્નર જૉન્સનના શાસન સુધી એશિયનો જમીન ખરીદી શકતા હતા. હાથીદાંત, સોનું તથા કોપલગમના બદલામાં મણકા, સુતરાઉ કાપડ, પિત્તળ અને લોખંડની વસ્તુઓ ભારતથી આયાત થતી હતી. 1920થી ગોરાઓ અને ભારતીયો વચ્ચે વેપારની હરીફાઈને કારણે ઘર્ષણની શરૂઆત થઈ હતી. 1923-24માં કોમી મતાધિકારથી પાંચ ભારતીયોની કાઉન્સિલમાં ચૂંટણી થઈ હતી. શૈક્ષણિક અને મિલકતની લાયકાતના ધોરણે 10 % ભારતીયોને મતાધિકાર મળ્યો હતો. આફ્રિકનોને મતાધિકાર ન હતો. પાછળથી એક ગોરો સભ્ય આફ્રિકનોનાં હિતોનું રક્ષણ કરવા સભ્ય તરીકે નિયુક્ત થયો હતો. એશિયનોની વસ્તી ગોરાઓ કરતાં વધારે હોવા છતાં તેમને ઓછું પ્રતિનિધિત્વ મળ્યું હતું. 1934 આસપાસ જે. બી. પંડ્યાએ એશિયનોને ગોરાઓ જેટલી બેઠકો મળે તે માટે લડત ચલાવી હતી. 1944માં ખ્રિસ્તી શાળાઓમાં ભણેલા કિકુયુ લોકોએ કેન્યા-આફ્રિકન નૅશનલ યુનિયન (KANU) સ્થાપી તેમના હકો માટે લડત ઉપાડી હતી. 1950માં ઉચ્ચપ્રદેશમાં વસતા કિકુયુ જાતિના લોકોએ માઉ માઉ તરીકે ઓળખાતો બળવો કર્યો હતો અને ખેતરોમાં વસતા ઘણા ગોરાઓને તેમણે મારી નાખ્યા હતા. આ બળવાને અંદરખાનેથી કેટલાક ભારતીયોનો સહકાર મળ્યો હતો. કિકુયુ જાતિના અગ્રણી જોમો કેન્યાટાને 1953માં જેલમાં પૂરવામાં આવ્યા હતા. 1952થી 1960 સુધી આ મુક્તિજંગ ચાલુ રહ્યો હતો. 1961માં વિવિધ જાતિઓના શાસનને બદલે બહુમતી ધરાવતા લોકોનું શાસન શરૂ થયું. 1963ના મે માસમાં કેન્યા-આફ્રિકન નૅશનલ યુનિયન પક્ષે સત્તા ગ્રહણ કરી. 12-12-1963માં સ્વશાસન બાદ 12-12-1964થી કેન્યા પ્રજાસત્તાક રાજ્ય બન્યું. સ્વાધીનતા ચળવળના અગ્રણી જોમો કેન્યાટા દેશના પ્રથમ વડાપ્રધાન અને પછીથી પ્રથમ પ્રમુખ બન્યા.

કેન્યામાં ‘કાનુ’ ઉપરાંત કેન્યા-આફ્રિકન ડેમોક્રૅટિક યુનિયન (KADU) નામનો બીજો પક્ષ હતો. 1960માં તેણે જોમો કેન્યાટાના પક્ષનો વિરોધ કરેલો પણ તેમાં તે અસફળ રહ્યો. તેમની લડત સમવાયી પ્રકારના રાજતંત્ર માટે હતી. 1964માં આ પક્ષ વિખેરી નખાયો હતો. 1966માં ઉપપ્રમુખ ઓગિન્ગા ઓડિન્ગાએ કેન્યા-આફ્રિકન પીપલ્સ યુનિયન (KAPU) સ્થાપ્યું હતું. 1968માં કેન્યાનું નાગરિકત્વ સ્વીકારવા માટે દબાણ થતાં કેન્યા સરકારની ‘આફ્રિકન’ તરફી નીતિને કારણે ભયથી પ્રેરાઈને 1.76 લાખ એશિયનો પૈકી 1,20,000 એશિયનોએ (મુખ્યત્વે ભારતીયો), બ્રિટિશ નાગરિકત્વ સ્વીકારી સ્થળાંતર કર્યું હતું. કેટલાક ભારત પાછા ફર્યા હતા, જ્યારે માત્ર 39,000 વ્યક્તિઓએ કેન્યાનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું. 1969માં ‘કાપુ’ પક્ષ ઉપર પ્રતિબંધ મુકાયો હતો. 1982માં લુઆ જાતિપ્રેરિત બળવો દબાવી દેવામાં આવ્યો હતો.

જોમો કેન્યાટાના 1978માં મરણ બાદ ડૅનિયલ આરપ મોઈ પ્રથમ કામચલાઉ પ્રમુખ થયા હતા. અને ત્યાર બાદ તેઓ કાયમી પ્રમુખ બન્યા. 2002થી મવાઈ ક્રિબાકી પ્રમુખ બન્યા છે. પ્રમુખ રાજ્યના અને સરકારના વડા છે. તે પોતાના સાથી પ્રધાનો પસંદ કરે છે. ધારાસભામાં 158 ચૂંટાયેલા સભ્યો છે. 12 સભ્યોને તથા ઍટર્ની-જનરલ અને સ્પીકરને પ્રમુખ નીમે છે. પ્રમુખના હોદ્દાની મુદત પાંચ વર્ષની છે.

તાજેતરમાં રશિયા, પૂર્વ યુરોપ વગેરે સ્થળોએ બનેલા બનાવોના કારણે લોકશાહીકરણની પ્રક્રિયા વેગવંતી બની છે અને લોકજાગૃતિનાં એંધાણ સર્વત્ર વરતાય છે. કેન્યા તેનાથી અસ્પૃષ્ટ રહી શક્યું નથી. શરૂઆતમાં આનાકાની કર્યા પછી સર્વસત્તાધીશ મોઈ લોકશાહી અને બહુપક્ષીય પ્રથા અપનાવવા તૈયાર થયા છે. કેન્યાના લોકો, તેના રાજકીય પક્ષો તેમજ નેતાઓ સામેનો આ એક મોટો પડકાર હતો. તે પછી કેન્યા પ્રજાસત્તાક બન્યું. 1997–98માં કિકુયુ અને કાલેન્જિન વંશીય જૂથો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યાં. 1998માં નૈરોબી ખાતે આવેલી અમેરિકાની એલચી કચેરી પર આતંકવાદી હુમલો થયો. પછીનાં વર્ષોમાં કેન્યાએ આર્થિક વિકાસ કર્યો. તે સાથે વ્યાપક ભ્રષ્ટાચારનો ભોગ બન્યું. ન્યાયતંત્ર અને પોલીસતંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા પ્રમુખ ક્રિબાકીએ પ્રયાસો કર્યા પણ ઝાઝા સફળ થયા નહિ. તે પછીનાં વર્ષોમાં પ્રમુખની સત્તાઓ સીમિત કરવા અને નવા બંધારણની દિશામાં કેન્યા ગતિમાન બન્યું છે. જુલાઈ 2005માં ત્યાંની સંસદે નવું બંધારણ મંજૂર કર્યું; પરંતુ તેમાં પ્રમુખની સત્તાઓ પર મોટો કાપ ન મુકાયો હોવાથી તે ભારે આલોચનાનો ભોગ બન્યું.

આધુનિક યુગના લોકશાહી પ્રવાહો સાથે તે દેશ લોકશાહી વિરુદ્ધના પડકારોથી અછતો રહી શક્યો નથી. રાજધાની નૈરોબી ખાતેની અમેરિકાની એલચી કચેરીમાં થયેલા બૉમ્બ-વિસ્ફોટોથી આતંકવાદે કેન્યામાં દેખા દીધો છે.

2001માં પ્રમુખ મોઈએ કેન્યાના ઇતિહાસની સૌપ્રથમ સંયુક્ત સરકાર રચી. લોકશાહીકરણની પ્રક્રિયા હેઠળ સૂચિત બંધારણીય ફેરફારો અંગે ઑક્ટોબર, 2005માં રેફરન્ડમ લેવામાં આવ્યું. સ્વાતંત્ર્યકાળના મુખ્ય નેતા જોમો કેન્યાટાના પુત્ર ઉહુરુ (Uhuru) કેન્યાટા વિરોધપક્ષના નેતા બન્યા.

સ્વાહિલી અને અંગ્રેજી તેની મુખ્ય ભાષાઓ છે. શિલિંગ અને સેન્ટ તેનું ચલણી નાણું છે. ઓહ, ગોડ ઑવ્ ઑલ ક્રિયેશન (Oh, God of all creation Ee Mungu naguvu yetu) તેનું રાષ્ટ્રગીત છે અને તે તેના સમૂહજીવનની પેદાશ છે, જેની સૂરાવલિઓ પરંપરાગત ઢાળ ધરાવે છે.

શિવપ્રસાદ રાજગોર