કેન્દ્રીય સ્થાન સિદ્ધાંત

January, 2008

કેન્દ્રીય સ્થાન સિદ્ધાંત : તાર્તીયીક (tertiary) એટલે કે ઉચ્ચ પંક્તિની પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે વિકાસ પામેલી શહેરી પદ્ધતિઓની સમજ આપતો સિદ્ધાંત. બવેરિયાના વતની અને જર્મન વિદ્વાન વૉલ્ટર ખ્રિસ્ટૅલરે નગરોની સંખ્યા, કદ અને વહેંચણીને નિયંત્રિત કરતા નિયમોના સંશોધન દરમિયાન 1933માં આ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો. જે વસાહત કોઈ પ્રદેશ કે વિસ્તારની પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે ઊપસી આવે છે તેને ખ્રિસ્ટૅલર કેન્દ્રીય સ્થાન તરીકે ઓળખાવે છે. તે પછીના અમુક સંશોધકોએ આ સિદ્ધાંતનું સમર્થન કર્યું હતું, કેટલાકે તેની ટીકા કરી હતી તો કેટલાકે તેમાં સુધારાવધારા કર્યા હતા. અલબત્ત જુદાં જુદાં કેન્દ્રીય સ્થાનો મહત્વની ર્દષ્ટિએ ભિન્ન ભિન્ન કક્ષા ધરાવતાં હોય છે. ખ્રિસ્ટૅલરે નગરોની મધ્યવર્તિતા (centrality) તથા તેમની આજુબાજુના પ્રદેશોના સંદર્ભમાં તેમનું તુલનાત્મક મહત્વ માપવા માટે એક યોજના ઘડી કાઢી હતી. તે દ્વારા તૃતીય પંક્તિની પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે મુખ્યત્વે વિકાસ પામેલી નગરરચનાની સમજૂતી મળે છે.

દક્ષિણ જર્મનીનાં સેવાકેન્દ્રોનાં પરસ્પર અંતર અને કદ પરત્વે ખ્રિસ્ટૅલરને એક પ્રકારની ક્રમવ્યવસ્થા માલૂમ પડી હતી. પ્રમાણમાં લાંબા અંતરે આવેલાં, થોડાંક મુકાબલે મોટાં કેન્દ્રો, મોટા પૂરક પ્રદેશોને વિશિષ્ટ ગણાય તેવી સામગ્રી અને સેવા પૂરી પાડતાં હતાં. ખ્રિસ્ટૅલરે આવાં કેન્દ્રોને ઉચ્ચ કક્ષાનાં મધ્યવર્તી કેન્દ્રો તરીકે ગણાવ્યાં. તેનાથી ઊલટું, ષટ્કોણિયા આંતર વિસ્તારોથી ઘેરાઈને સમાન અંતરે આવેલાં ઓછી વિશિષ્ટતા ધરાવતાં કેન્દ્રો સંખ્યાબંધ હોય છે. દરેક છ નગરોના સમૂહ માટે વિશિષ્ટીકરણ ધરાવતું એક શહેર અસ્તિત્વ ધરાવતું અને તે આવું વિશિષ્ટીકરણ પામેલાં અન્ય નગરોથી સમાન અંતરે વિકાસ પામેલું. આવાં નગર પણ વિશિષ્ટ સેવાઓ માટે મોટા ષટ્કોણિયા વિસ્તાર ધરાવતાં.

ખ્રિસ્ટૅલરના મત મુજબ નાનામાં નાનાં કેન્દ્રોનું સ્થાનીકરણ એકબીજાંથી સંભવત: 7 કિમી. દૂર થાય. તેનાથી ઉપલું વિશિષ્ટીકરણ ધરાવતાં કેન્દ્રો સંભવત: ત્રણગણા વિસ્તારોને તથા ત્રણગણી વસ્તીને સેવાઓ પૂરી પાડે તેવું માનવામાં આવ્યું. તેથી આવાં કેન્દ્રો એકબીજાંથી 12 કિમી. અંતરે  વિકાસ પામે તેમજ તેનાથી પણ ઉપલું વિશિષ્ટીકરણ ધરાવતાં નગરો તેનાથી ત્રણગણાં મોટાં હોય તેમ બને. આ પ્રકારની ગોઠવણને K = 3 ક્રમ વ્યવસ્થા-(hierarchies)નું નામ આપવામાં આવ્યું, જેમાં ક્રમશ: ઓછું વિશિષ્ટીકરણ ધરાવતાં કેન્દ્રોની સંખ્યા શહેરી શ્રેણીવ્યવસ્થામાં ભૌમિતિક પ્રગમન (geometrical progression)ને (1, 3, 9, 27, …) વળગી રહે છે. ખ્રિસ્ટૅલરે આવી લાક્ષણિકતા ધરાવતી શ્રેણીવ્યવસ્થાને ‘બજારના નિયમ’ (marketing principle) તરીકે ઓળખાવી છે, જેમાં ગ્રાહકોને જોઈતી સેવાઓ પૂરી પાડતાં કેન્દ્રો શક્ય તેટલાં નજીક હોવાં જોઈએ. આ મુખ્ય જરૂરિયાતને શહેરી વસાહતોની વહેંચણીને નિર્ધારિત કરતું મુખ્ય પરિબળ ગણાવવામાં આવ્યું છે. તેનાથી જુદા પ્રકારની ક્રમવ્યવસ્થા પણ કલ્પી શકાય છે. દા.ત., ખ્રિસ્ટૅલરે સૂચવ્યું કે જ્યાં વાહનવ્યવહારની શૃંખલા ઊભી કરવાનો તથા તેનું સંચાલન કરવાનો ખર્ચ વિશેષ અગત્ય ધરાવતો હોય ત્યાં K = 4 શ્રેણીવ્યવસ્થા સંભવી શકે છે. અથવા જ્યાં વહીવટી અંકુશ નિર્ણાયક પરિબળ હોય ત્યાં K = 7 શ્રેણીવ્યવસ્થા વધુ શક્ય છે.

જર્મન અર્થશાસ્ત્રી ઑગસ્ટ લૉશનો આ સિદ્ધાંતને સુધારવાનો પ્રયત્ન મહત્વનો ગણાય. તેમણે તેમની સૈદ્ધાંતિક રજૂઆતમાં ખ્રિસ્ટૅલરના ષટ્કોણિયા સેવા-વિસ્તારોના ખ્યાલને પાયાનું સ્થાન આપ્યું છે, પરંતુ તેની સાથે જ બીજી અનેક ષટ્કોણિયા પદ્ધતિઓનું સહઅસ્તિત્વ તેમણે સ્વીકાર્યું છે. તેને પરિણામે જે વ્યવસ્થા ઊપસી આવે છે તે ખ્રિસ્ટૅલરે સૂચવેલ શહેરી વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતી ત્રણ સ્તરીય શ્રેણી પદ્ધતિ(three tier)નો સંકેત કરતી નથી, પરંતુ જુદા જુદા કદનાં ગામો અને શહેરોના સાતત્યપૂર્ણ અસ્તિત્વનો નિર્દેશ કરે છે.

આ સૈદ્ધાંતિક પાયાને આધારે કેન્દ્રીય સ્થાન ધરાવતો ઘટક વસાહતો અને અન્ય સ્થળો વચ્ચેના સંબંધોને કેવી રીતે સાંકળી લે છે તે સમજી શકાય છે. બીજું, વસાહતો વચ્ચેનું અંતર તથા તેમનું કદ સુધારવામાં વ્યવસ્થાપન મદદરૂપ થઈ પડે છે. ત્રીજું, ખ્રિસ્ટૅલરે રજૂ કરેલ મૉડેલ આપણને સભાન બનાવે છે તથા આવા વૈષમ્યની જાણકારી કરાવે છે. છેલ્લે, આ સૈદ્ધાંતિક માળખાને આધારે સ્થાનગત (spatial) પારસ્પરિક ક્રિયાઓના પ્રકાર, તેમનું પરસ્પરાવલંબન અને સંગઠન જાણી શકાય છે.

આ સિદ્ધાંતે બે મહત્વની બાબતોનો ઉપયોગ કર્યો છે : (1) લઘુતમ અનિવાર્ય વસ્તી (threshold population), (2) વસ્તુઓ અને સેવાઓનો પૂરક પ્રદેશ.

વેચાણ માટે વસ્તુઓ તથા સેવાઓના પુરવઠાની દરખાસ્તને આધારે કેન્દ્રીય સ્થાનનો ક્રમ (ranking) નક્કી થાય છે અને તેને આધારે ક્રમવ્યવસ્થાની પદ્ધતિનું નિર્ધારણ થાય છે.

કેન્દ્રીય સ્થાન સિદ્ધાંત કેટલાક ખ્યાલો પર આધારિત છે : (1) પ્રવૃત્તિઓનો વિસ્તાર જેમ મોટો તેમ તેની ક્રમવ્યવસ્થાની શ્રેણી ઊંચી, (2) મોટા કદનું નગર મોટી વસ્તી અને નાના વિસ્તારને આવરે છે તે રીતે નાના કદનું નગર નાની વસ્તી અને મોટા વિસ્તારને આવરે છે. (3) કેન્દ્રીય સ્થાનની મુખ્ય લાક્ષણિકતા તેનો બજારકેન્દ્ર તરીકેનો ફાળો ગણાય.

આ સિદ્ધાંત મુજબ : (1) સમગ્ર વિસ્તારમાં વસ્તુઓ અને સેવાઓની સમાન (even) વહેંચણી થાય છે. (2) આ કેન્દ્રીય સ્થાનોની સ્થળગત અર્થવ્યવસ્થા (space economy) નાનામાં નાની ગ્રામીણ વસાહતોથી મોટામાં મોટી નગરવસાહતો સુધીની શ્રેણીવ્યવસ્થામાં પરિણમે છે. (3) શ્રેણીવ્યવસ્થામાં સરખો ક્રમ ધરાવતાં કેન્દ્રીય સ્થાનો સરખા અંતરે હોય છે. (4) કોઈ પણ ક્રમ ધરાવતાં કેન્દ્રીય સ્થાનોની સંખ્યા તથા તેમની સ્થાનગત વહેંચણીમાં ફેરફાર હોય છે. દા.ત., K-3, K-4, K-7 વગેરે.

આ સિદ્ધાંતની અનેક દિશાએથી ટીકા કરવામાં આવી છે. હાલના જમાનાની ર્દષ્ટિએ વિચારીએ તો કેન્દ્રીય સ્થાનો જ વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો પૂરો પાડનાર ઘટકો હોય છે તેમ કહી શકાય નહિ. (અન્ય સ્રોતોમાં ટપાલસેવા તથા કુરિયર સેવા ઉમેરી શકાય.) બીજું, કેન્દ્રીય સ્થાનોની નજીકનાં ‘પ્રભાવક્ષેત્રો’ (‘spheres of influence’) પરસ્પર અતિવ્યાપ્ત (overlap) બને છે. છેલ્લે, મોટાં નગરોની અસરો સમગ્ર વિસ્તાર પર એવી રીતે છવાઈ જાય છે કે જેથી મધ્યમ કદની વસાહતો, જે કેટલીક સેવાઓ પૂરી પાડતી હોય તે સેવાઓ શહેરો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની સરખામણીમાં બેવડાતી હોય છે.

કૃષ્ણમૂર્તિ  કુલકર્ણી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે