કૅમ્બાઇસીઝ 2જો (શાસન : ઈ. પૂ. 529-ઈ. પૂ. 522, સીરિયા) : ઈરાનનો સમ્રાટ. તે ઈરાનના સમ્રાટ મહાન સાયરસ 2જાનો જ્યેષ્ઠ પુત્ર હતો. તેના પિતાના રાજ્યઅમલ દરમિયાન કૅમ્બાઇસીઝ બૅબિલોનિયાનો વહીવટ સંભાળતો હતો. તેને ઈ. પૂ. 530માં બૅબિલોનમાં રીજન્ટ નીમવામાં આવ્યો હતો. તેના શાસનની મોટી સિદ્ધિ ઈ. પૂ. 525માં ઇજિપ્તના વિજયની હતી. નાઇલના ડેલ્ટામાં પેલ્યુસિયમની લડાઈ જીતીને તેણે હેલિયોપૉલિસ અને મેમ્ફિસ કબજે
કર્યાં અને ઇજિપ્તનો પરાજય થયો. તે પછી તેણે ઇથિયોપિયા પર ચડાઈ કરી. તે દેશનો ઉત્તરનો ભાગ તેણે જીતીને ખાલસા કર્યો. ત્યારબાદ પુરવઠો ખૂટવાથી તે પાછો ફર્યો. ઈ. પૂ. 5મી સદીના ગ્રીક ઇતિહાસકાર હિરોડોટસે ઇજિપ્તમાં ઘૃણાસ્પદ કૃત્યો આચરવા માટે કૅમ્બાઇસીઝ પર આરોપો મૂક્યા છે; પરંતુ સમકાલીન ઇજિપ્તના સ્રોત તે આરોપોને ધ્યાન પર ન લેવા સૂચવે છે અને તે સહિષ્ણુ શાસક હોવાનું જણાવે છે. ઇજિપ્ત જતા પહેલાં કૅમ્બાઇસીઝે તેના ભાઈ સ્મર્ડિસ(બાર્ડિયા)ને મારી નાખ્યો હતો. ઇજિપ્તથી પાછા ફર્યા બાદ તેણે સીરિયામાં બળવો થયાનું જાણ્યું, એટલે બળવો દબાવવા ત્યાં ધસી ગયો અને ત્યાં તે અવસાન પામ્યો.
જ. મ. શાહ