કેમ્બ્રિજ યુનિવર્સિટી

January, 2008

કેમ્બ્રિજ યુનિવર્સિટી : ઇંગ્લૅન્ડની જગપ્રસિદ્ધ યુનિવર્સિટી. લંડનથી ઉત્તર દિશામાં 80 કિમી. દૂર કૅમ નદીને કાંઠે કેમ્બ્રિજ શહેરમાં આ યુનિવર્સિટી સ્વાયત્ત સંસ્થા તરીકે સદીઓ પૂર્વે સ્થપાયેલી છે. 1209ની સાલમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ કેમ્બ્રિજ ચાલી આવ્યા. ઑક્સફર્ડની મર્ટન કૉલેજના મૉડલ પર 1284માં પીટર હાઉસ નામની પહેલી કૉલેજ સ્થાપવામાં આવી. ત્યારપછીનાં 300 વર્ષમાં ઘણીખરી કૉલેજો સ્થપાઈ છે. પોપ જ્હૉન બાવીસમાએ 1318ની સાલમાં આ યુનિવર્સિટીને સામાન્ય અભ્યાસ માટે માન્યતા આપી. 1502માં ત્યાં ધાર્મિક શિક્ષણની કૉલેજ સ્થપાઈ. 1511માં ડેસિડેરિયસ ઇરેઝમસ નામના મહાન વિદ્વાન ત્યાં અધ્યાપક તરીકે ગયા અને તેમણે નવજાગૃતિ(renaissance)નું શિક્ષણ શરૂ કર્યું. 1546માં હેન્રી આઠમાએ ટ્રિનિટી કૉલેજ સ્થાપી, જે હાલ પણ સૌથી મોટી કૉલેજ રહી છે. 1571માં કેમ્બ્રિજ યુનિવર્સિટીને બ્રિટિશ સરકાર તરફથી વિધિસર માન્યતા મળી.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શરૂઆતમાં અભ્યાસક્રમ ચીલાચાલુ ત્રિપાદ પાયાના વિષયો, લૅટિન વ્યાકરણ, આલંકારિક વાઙ્મય અને તર્કશાસ્ત્ર પર તથા ચતુષ્પાદ પાયાના અન્ય વિષયો, ગણિત, ભૂમિતિ, સંગીત અને ખગોળશાસ્ત્ર પર આધારિત હતો. ધીમે ધીમે ત્યાં પ્રાકૃતિક વિજ્ઞાનોનો અભ્યાસ ર્દઢ થવા લાગ્યો. 1669માં આઇઝેક ન્યૂટન ત્યાં ગણિતશાસ્ત્ર ભણાવવા આવ્યા અને 30 વર્ષ ત્યાં રહી તેમણે ગણિતશાસ્ત્રના અભ્યાસને ઉચ્ચ કક્ષાએ પહોંચાડ્યો. 1824માં ત્યાં પ્રશિષ્ટ ત્રિપાદની સ્થાપના થઈ અને ઓગણીસમી સદીના અંત સુધીમાં ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી.

કેમ્બ્રિજ યુનિવર્સિટી સંકુલ

વીસમી સદીમાં વિજ્ઞાનના વિવિધ વિષયોનું શિક્ષણ ખૂબ પ્રતિષ્ઠા પામ્યું અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઘણા નામાંકિત વિદ્વાનોએ ત્યાં અધ્યાપનકાર્ય કર્યું. તેમાં સર જોસેફ જ્હૉન થૉમ્સન, લૉર્ડ રધરફર્ડ (પરમાણુશાસ્ત્રનો પાયો નાખનાર), અર્થશાસ્ત્રી કેઇન્સ, ઇતિહાસકાર જી. એમ. ટ્રેવેલિયન વગેરેનો અને ત્યાંના નામાંકિત વિદ્યાર્થીઓમાં જ્હૉન મિલ્ટન, વિલિયમ વર્ડ્ઝવર્થ, ચાર્લ્સ ડાર્વિન જેવાનો સમાવેશ થાય છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાયેલી કૉલેજો અને તેમનાં વ્યવસ્થાપક મંડળો સંપૂર્ણ રીતે સ્વાયત્ત છે. ત્યાંની જાણીતી કૉલેજો ક્રાઇસ્ટ કૉલેજ 1505માં, ક્લૅર હૉલ 1326માં અને ટ્રિનિટી કૉલેજ 1546માં તથા ચર્ચિલ કૉલેજ 1960માં સ્થપાઈ હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બહુ મોટું પુસ્તકાલય છે, જેમાં 30 લાખ પુસ્તકો છે. ત્યાંના ફિટ્ઝવિલિયમ મ્યુઝિયમમાં ઇજિપ્શિયન, ગ્રીક અને રોમન સંસ્કૃતિની પુરાણી વસ્તુઓ, મધ્યયુગ અને આધુનિક યુગની હસ્તપ્રતો તથા મહાન યુરોપીય ચિત્રકારોનાં ચિત્રો છે.

ભારતના ઘણા વિજ્ઞાનીઓ અને વિદ્વાનો તથા ગણિતશાસ્ત્રીઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.

કૃષ્ણકાંત ગો. દેસાઈ