કૅમોઇંશ – લૂઈ (વાઝ) દ

January, 2008

કૅમોઇંશ, લૂઈ (વાઝ) દ (જ. 1525, લિસ્બન; અ. 10 જૂન 1580, લિસ્બન) : પોર્ટુગલના મહાન રાષ્ટ્રીય કવિ અને ‘ધ લ્યુસિઆડ્ઝ’ (1572) નામના મહાકાવ્યના રચયિતા. નિર્ધન અવસ્થામાં મુકાઈ ગયેલા શ્રીમંત કુટુંબના તે નબીરા હતા. કુઇમ્બ્રા યુનિવર્સિટી ખાતે ચર્ચની કારકિર્દીને લગતું શિક્ષણ લીધું. લગભગ 1542માં લિસ્બન પાછા ફર્યા. અહીં ડોના કેટેરિના નામની યુવતી સાથેનું પ્રણય-પ્રકરણ નિષ્ફળ જતાં કવિએ ઇટાલિયન શૈલીનાં ‘રિમાઝ’ નામનાં લઘુ કાવ્યોમાં પોતાનો ઉત્કટ આક્રોશ વ્યક્ત કર્યો. કોઈ અકળ કારણોસર લિસ્બનમાંથી તેમને એક વર્ષ દેશનિકાલ કરવામાં આવ્યા. ત્યાં પોર્ટુગલના લશ્કરમાં જોડાઈ બે વર્ષ યુદ્ધસેવા બજાવી અને તેમાં જમણી આંખ ગુમાવી. 1550માં ફરી લિસ્બન આવ્યા. જાહેરમાં હુમલો કરવા બદલ જેલની સજામાંથી શાહી સેવા બજાવવા ભારત જતા રહેવાની તૈયારી બતાવી ત્યારે જ તેમનો છુટકારો થયો (1553). 1553થી 1556 ગોવા રહ્યા. પોર્ટુગીઝ સત્તાધિકારીઓની છડેચોક ટીકા કરવાથી 1556માં માનભર્યા દેશનિકાલરૂપે મકાઉ ખાતે ઊંચી જગ્યા પર તેમને મોકલી દેવામાં આવ્યા. 1558માં ગોવા આવતાં તેમના વહાણનો દરિયામાં નાશ થયો. એમાં તેમના મહાકાવ્ય સિવાય કશું બચવા પામ્યું નહિ. ગોવા ખાતે ફરી જેલવાસ વેઠવો પડ્યો. આ રીતે દેશનિકાલરૂપે 16 વર્ષ દેશ બહાર રહ્યા પછી છેવટે તે પોર્ટુગલ પાછા ફર્યા અને લિસ્બન ખાતે પાછલી જિંદગી ગરીબી અને અજ્ઞાતાવસ્થામાં પૂરી કરી. 1572માં ‘ધ લ્યુસિઆડ્ઝ’ પ્રગટ કર્યું અને તત્કાળ તે જ્વલંત સફળતા અને ખ્યાતિ પામ્યું. આનાથી કવિ તરીકે તેમને કશો આર્થિક લાભ થયો નહિ. તેમણે ભારતમાં બજાવેલી લશ્કરી સેવાના બદલારૂપે જુલાઈ 1572માં રાજ્ય તરફથી તેમને પેન્શન અપાયું હતું. ‘ધ લ્યુસિઆડ્ઝ’ના સર્જક એક જાહેર હૉસ્પિટલમાં અજ્ઞાત અવસ્થામાં જ અવસાન પામ્યા.

લૂઈ (વાઝ) દ કૅમોઇંશ

તેમના જીવનકાળ દરમિયાન, ત્રણેક ગૌણ રચનાઓ સિવાય કોઈ મહાકાવ્યેતર કૃતિ પ્રગટ થઈ ન હતી. તેમની અપ્રગટ કવિતાઓ 1595માં ગ્રંથસ્થ કરવામાં આવી. 1598માં ‘રિમાઝ’ કાવ્યોની નવી સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ. આમાં બીજાએ લખેલી ઘણી કાવ્યરચનાઓ તેમના નામે ચડાવી દેવામાં આવી છે. જોકે તાજેતરના સંશોધનના પરિણામે, ઇતર કર્તાઓની આવી કૃતિઓ ગાળી કાઢીને તેમની સર્જક પ્રતિભાનું યથાર્થ મૂલ્યાંકન શક્ય બન્યું છે.

‘ધ લ્યુસિઆડ્ઝ’ના 10 સર્ગો ઓટાવા રિમા નામના છંદમાં લખાયેલા છે અને તેની કુલ 1102 કંડિકાઓ છે. તેનો પ્રારંભ થાય છે પ્રસ્તાવનાથી. ત્યારબાદ સ્તુતિ તથા રાજા સેબાસ્ટિયનને કાવ્ય અર્પણ કરાયા પછી ઐતિહાસિક તથા પૌરાણિક એમ બંને સ્તરે કાર્યારંભ નિરૂપાયો છે. વાસ્કો ડી ગામાનાં વહાણો હિંદી મહાસાગરમાં થઈ પૂર્વ આફ્રિકાના કિનારે હંકારાઈ રહ્યાં છે. દેવો ભેગા મળીને આ સાહસયાત્રાના ભાવિની ચર્ચા કરે છે. વીનસ એની તરફેણમાં અને બૅકસ વિરોધમાં છે. તેના વિસ્તૃત સમાપનમાં ઇતિહાસ, સમુદ્રયાત્રા તથા પુરાણકથાનો સુંદર સમન્વય જોવા મળે છે. વળી, આ વર્ણનકાવ્યમાં ભવ્ય પ્રસંગકથાઓ વિસ્તારપૂર્વક આલેખીને તેમણે સુદીર્ઘ કાવ્યની રસપ્રદતા બહેલાવી છે. હિંદની શોધ અને લ્યુસિટાનિયા(પોર્ટુગલ માટેનું રોમન નામ)ના ઇતિહાસની ભવ્યતા એ આ રાષ્ટ્રીય મહાકાવ્યનો મુખ્ય વિષય છે. પણ એમાં અભિપ્રેત છે માનવીની અદમ્ય ઝંખના અને તેનો પ્રબળ પુરુષાર્થ. તેના આલેખનમાં બહુશ્રુતતા ઉપરાંત તેમનું શૈલી-સામર્થ્ય પ્રતીત થાય છે. ‘ધ લ્યુસિઆડ્ઝ’ ઉપરાંત સંખ્યાબંધ ઊર્મિકાવ્યો, ત્રણ નાટકો તથા ગદ્યમાં લખાયેલા પત્રોમાં લેખકનું ભાષાપ્રભુત્વ તથા શૈલીનું વૈવિધ્ય જોવા મળે છે. એ સૌમાંથી એક અસામાન્ય માનવી તથા કવિની છબી ઊપસે છે.

મહેશ ચોકસી