કૅમેરૂન પર્વત : પશ્ચિમ આફ્રિકાના કૅમેરૂન દેશમાં આવેલી જ્વાળામુખી ગિરિમાળાનો એક પર્વત. ભૌગોલિક સ્થાન : 4o 12′ ઉ. અ અને 9o 11′ પૂ. રે. તેની ઊંચાઈ 4095 મીટર છે અને તે ઉત્તર કૅમેરૂન અને નાઇજીરિયા વચ્ચે કુદરતી સરહદ બનાવે છે. પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં તે ઊંચામાં ઊંચો પર્વત છે. તેની દક્ષિણ તળેટીમાં વિક્ટોરિયા બંદર આવેલું છે. પર્વતના સમુદ્ર તરફના ભાગમાં વાર્ષિક સરેરાશ 1000 મિમી. વરસાદ પડે છે. તેથી તે ભાગ વિશ્વના સૌથી વધુ ભેજવાળા પ્રદેશમાંનો એક છે. લાવારસથી સમૃદ્ધ પર્વતીય જમીનમાં કેળાં, રબર, ચા અને કોકો પાકે છે. ખીણની જમીન ગોચર તરીકે વપરાય છે. સર રિચાર્ડ બર્ટન નામના અંગ્રેજે 1861માં આ પર્વતના સર્વોચ્ચ શિખર ઉપર આરોહણ કર્યું હતું.

જયન્તિલાલ પો. જાની