કૅફીન (C8H10N4O2) : ઝૅન્થીન સમૂહનું આલ્કલૉઇડ (1, 3, 7 ટ્રાયમિથાઇલઝૅન્થીન). ચાનાં પત્તાં (5 %), કૉફી (1થી 2 %), કોકો, કોલા કાષ્ઠફળ (1થી 20 %), યરબામાતેનાં પાન, ગૌરાના પેસ્ટ, કૈકો વગેરેમાં તે મળી આવે છે. કૅફીન-મુક્ત કૉફીની બનાવટમાં તે ઉપપેદાશ તરીકે મળી આવે છે. થિયોફાઇલીન અથવા થિયોબ્રોમીનના મેથિલેશનથી મોટા પાયે તેનું સંશ્લેષણ કરવામાં આવે છે. 178o સે. તાપમાને ઊર્ધ્વીકરણ(sublimation)થી મળતું કૅફીન ષટ્કોણીય ત્રિપાર્શ્વ રૂપમાં હોય છે. પાણીમાંથી તેનું સ્ફટિકીકરણ કરતાં તે સોયાકાર સ્વરૂપે મળે છે, જે મૉનોહાઇડ્રેટ હોય છે અને ધીમે ધીમે જલયોજન(hydration)નું પાણી ગુમાવી 238o સે.એ પીગળતાં ઘનમાં ફેરવાય છે. સ્વાદે તે કડવું હોય છે. એક ગ્રામ કૅફીનને ઓગાળવા માટે જોઈતાં વિવિધ દ્રાવકોનાં કદ (મિલિ.માં) આ પ્રમાણે છે : પાણી 46; પાણી (100o સે) 1.5; આલ્કોહૉલ 66; એસિટોન 50; ક્લૉરોફૉર્મ 5.5; ઈથર 530; બેન્ઝીન 100; બેન્ઝીન (ઊકળતું) 22 મિલિ.; પાયરોલમાં તે મુક્ત રીતે દ્રાવ્ય છે. તેના 1 % દ્રાવણનું pH 6.9 હોય છે.

થોડા પ્રમાણમાં લેતાં તે મંદ ઉત્તેજક (stimulant) તરીકે કાર્ય કરી થાક ઉતારે છે. નલિકાના આકુંચન(vasoconstriction)ને લીધે તે માથાનો દુખાવો ઓછો કરી મગજને વધુ કાર્યશીલ બનાવે છે. તે મૂત્રલ (diuretic) પણ છે. બાર્બિટ્યુરેટ અને મૉર્ફિન સામે તે મારણ (antidote) તરીકે કામ આપે છે. વધુ પ્રમાણમાં લેવાથી તે અનિદ્રા, અજંપો (restlessness) અને હૃદયની અનિયમિતતામાં વધારો કરે છે.

પ્રવીણસાગર સત્યપંથી