કૅફ, વિલેમ (જ. 1622, રૉટર્ડેમ, હોલૅન્ડ; અ. 1693, ઍમસ્ટરડૅમ, હોલૅન્ડ) : પદાર્થચિત્રો (still lives) ચીતરવા માટે જાણીતા ડચ બરોક ચિત્રકાર. એમનાં પદાર્થચિત્રોમાં ફળો, કંદમૂળ, નેતરની ટોપલી, કપડાના ડૂચા, ઝાડુ જેવી તુચ્છ જણસો વડે હૂંફાળા ઘરગથ્થુ વાતાવરણની રચના થયેલી જોવા મળે છે. ડચ પ્રણાલી અનુસાર તેમનાં ચિત્રોમાં કથ્થાઈ અને કાળા રંગના બાહુલ્ય સાથે ચળકતો સોનેરીપીળો પ્રકાશ જોવા મળે છે. એમના જીવન પછી ભુલાઈ ગયેલ કૅફને છેક વીસમી સદીમાં કલાપ્રેમીઓએ શોધી કાઢ્યો. પરિણામે તેમની તાલીમ અને જીવન અંગેની અન્ય માહિતી ઉપલબ્ધ નથી.

અમિતાભ મડિયા