કેબલ : રેસાના કે ધાતુના તારના ખૂબ જ મજબૂતાઈવાળા તાંતણા (strands) ગૂંથીને તૈયાર કરેલું દોરડું. તે પુલને ટેકો આપવા, કેબલ-કાર સાથે જોડવા, જહાજને ધક્કા સાથે જોડવા, ભારે વાહનો તથા સાધનોને ખેંચવા તથા બાંધકામમાં વાપરવામાં આવે છે. સંચારણ (transmission) કેબલ વિદ્યુતવહન માટે અથવા સંકેત-સંચારણ (communication signals) માટે વપરાય છે.

ટેકા માટે તથા બાંધકામ માટે વપરાતા કેબલ : ટેકા માટે અથવા વહન માટે વપરાતા કેબલને તારનું દોરડું (wire-rope) કહે છે. કારણ કે જે રીતે તાંતણામાંથી દોરડું વણવામાં આવે છે તે જ રીતે આ પણ બનાવાય છે અને લગભગ દોરડાના જેવા જ ઉપયોગ માટે વપરાય છે.

તારનું દોરડું બનાવવા માટેના રજ્જુકયંત્ર(stranding machine)માં 37ની સંખ્યા સુધી જુદા જુદા તાર ગૂંથવામાં આવે છે. એક સામાન્ય પ્રમાણિત (standard) દોરડામાં મધ્યવર્તી અંતર્ભાગ(core)ની ફરતે 6 તારના તાંતણા વણવામાં આવે છે. આ તાંતણા પાતળા તારના હોય અથવા વળ આપીને ગૂંથવામાં આવે તો કેબલની સુનમ્યતા (flexibility) વધે છે.

મુખ્યત્વે કેબલ ક્રેઇન માટે, ડ્રિલિંગ રિગ માટે તથા નિષ્કર્ષક (dredger) તરીકે વપરાય છે; સામાન્યત: તે 6થી 19 તારને અંતર્ભાગ ફરતા ગૂંથીને બનાવવામાં આવે છે. ચપટાં, ગૂંથણીવાળાં દોરડાં વધુ સુનમ્યતા ધરાવવા ઉપરાંત લાંબા સમય સુધી ઘસારો ખમે તેવાં હોય છે. તેલ-કૂવાના શારકામમાં, જહાજ માટે તથા પુલના બાંધકામમાં ગૅલ્વેનાઇઝ કરેલા તારનાં દોરડાં વપરાય છે. આ કામ માટે પોલાદનું આવરણ ચડાવેલાં દોરડાં પણ વપરાય છે. પોલાદનાં આવરણવાળાં દોરડાં ખાસ કરીને નિષ્કર્ષણ અને ભારે બાંધકામ-સામગ્રીમાં વપરાય છે.

સંચારણકેબલ : (क) વિદ્યુતશક્તિસંચારણ (electric power transmission) : વિદ્યુત-શક્તિ-સંચારણ માટે વાપરવામાં આવતા ઇન્સ્યુલેટ કરેલા કેબલમાં ધાતુના તાર વાપરવામાં આવે છે, કારણ કે ધાતુ વિદ્યુતવાહક છે. આ માટે બહુધા તાંબાની મિશ્ર ધાતુ વપરાય છે. અહીં કેબલનું વજન અગત્યની વસ્તુ છે, કારણ કે આધુનિક પાવર-પ્લાન્ટમાંથી વિપુલ પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન કરીને જુદાં જુદાં સ્થળે મોકલવાની હોવાથી ખૂબ જાડા કેબલ હોવા આવશ્યક બને છે. 1950માં ઓવરહેડ વિદ્યુત લાઇનોમાં 3,45,000 વોલ્ટ વિદ્યુતનું સંચારણ થતું હતું તે 1992માં લગભગ 7,65,000 વોલ્ટનું સંચારણ કરે છે. આનાથી વધુ વોલ્ટેજનું સંચારણ પણ અલ્ટ્રા-હાઈ-વોલ્ટેજ (UHV) લાઇનો મારફતે કરી શકાય છે પરંતુ તેમાંથી જોખમી ઉત્સર્ગ-કિરણો બહાર નીકળતાં હોઈ તે ખૂબ ભયજનક છે.

આકૃતિ 1 : બે સામાન્ય પ્રકારના કેબલ : (1)માં તાર તથા તેમાંના તાંતણા

(strands) એક જ દિશામાં ગૂંથેલા છે. (2)માં વળ અવળી બાજુએ આપેલ છે.

ઉચ્ચ શક્તિવાળી, લાંબા અંતરની વિદ્યુત લાઇનોમાં AC પ્રવાહને બદલે DC પ્રવાહ પણ મોકલી શકાય છે અને ભવિષ્યમાં આનો વધુ ઉપયોગ થવાનો સંભવ છે. DC વિદ્યુત લાઇનો લાંબા અંતર સુધી નાખવા છતાં ઓછા પ્રમાણમાં ઉત્સર્ગ-કિરણો છોડે છે, પ્રમાણમાં ઓછી ખર્ચાળ હોય છે તથા સહેલાઈથી ઊંચા વોલ્ટેજમાં ફેરવી શકાય છે. પરંતુ મુખ્યત્વે AC પ્રવાહ વપરાતો હોવાથી તેને DC પ્રવાહમાં ફેરવવા માટે આવશ્યક ફેરવણી-સુવિધા ઊભી કરવી જરૂરી બને છે.

() સંકેતસંચારણ (Communications cable) : સંકેત-સંચારણ માટેના કેબલ વિદ્યુતસંચારણ કેબલના મુકાબલે નીચા વોલ્ટેજે તથા ઊંચી આવૃત્તિ સાથે કાર્ય કરે છે. સામાન્ય ટેલિફોનનું દોરડું સંયમિત આવૃત્તિવાળાં સિગ્નલોનું વહન સહેલાઈથી કરતું હોય છે. આવી ટ્રન્ક લાઇનોમાં (ટેલિફોનથી) એકસામટા હજારો વાર્તાલાપ થઈ શકે છે. આધુનિક ઇલેક્ટ્રૉનિક-જ્ઞાન દ્વારા માત્ર એક જ તાર દ્વારા અનેક વાર્તાલાપ શક્ય બન્યા છે પરંતુ આવા વાર્તાલાપની સંખ્યા વધતી જતી હોવાથી, આ વાર્તાલાપ એકબીજા સાથે મિશ્ર ન થઈ જાય (cross talk) તે માટે વધુ તારવાળાં દોરડાં વાપરવાં જરૂરી બને છે.

આકૃતિ 2 : 1,50,000નો ભૂગર્ભ વિદ્યુત સંચારણ માટે વપરાતો કેબલ (1) ઉષ્મા- પ્રસારણ માટે તેલ ભરેલી પોલી નળી જેની ફરતે ચંદ્રકારે તાંબાના તાર; (2) વણેલા છે; (3) મંદવાહક કાર્બન ભભરાવેલ કાગળની પટ્ટી; (4) તૈલી કાગળનાં ઇન્સ્યુલેશન પડો; (5) કાર્બન ભભરાવેલ કાગળનો પટ્ટ; (6) ધાતુનો પટ્ટ; (7) સીસાની ખોલી; (8) કાગળનાં પડો; (9) શણનાં ડામરવાળાં પડો; (10) પોલાદના તારનું આવરણ; (11) સૌથી બહારનું શણનું પડ.

ઉપરાંત, માત્ર વાતચીત સિવાય ટેલિવિઝન સિગ્નલ જેવી બીજી માહિતી પણ આવા કેબલ દ્વારા શક્ય બને તે માટે સામાન્ય ટેલિફોન વાયર વહન કરી શકે તેનાથી વધુ ઊંચી આવૃત્તિવાળા કેબલ વાપરવા પડે છે.

આધુનિક દ્વિધરી(co-axial)વાળા કેબલ આવા ગુણિત (multiple) સિગ્નલો તથા ખૂબ ઊંચી આવૃત્તિવાળા સિગ્નલોનું સંચારણ કરી શકે છે. એક સાદો કેબલ તાંબાના પાતળા તારનો હોય છે. આ તારને 7 મિમી. વ્યાસવાળી તાંબાની નળીમાં અવાહક પ્લાસ્ટિક પડોની બરાબર મધ્યમાં ગોઠવેલો હોય છે.

સામાન્ય પ્રકારના દ્વિધરીયુક્ત ટેલિફોન કેબલમાં 8થી 22 દ્વિ-ધરીયુક્ત નળીઓ હોય છે, જે ધાતુ તથા પ્લાસ્ટિકનાં પડોની વચ્ચે ગોઠવેલી હોય છે. ટેલિફોન-વાર્તાલાપ એકબીજા સાથે ભેગા ન થઈ જાય તે માટે પ્રત્યેક વાર્તાલાપ મલ્ટિપ્લેક્સર નામના ઉપકરણ મારફત જુદો પાડવામાં આવે છે.

જ. પો. ત્રિવેદી