કૅન્સર અન્નનળી(oesophagus)નું

January, 2008

કૅન્સર, અન્નનળી(oesophagus)નું : અન્નનળીનું કૅન્સર થવું તે. ખોરાકના કોળિયાને મોંમાંથી જઠર સુધી પહોંચાડતી નળીને અન્નનળી કહે છે. તેનો કેટલોક ભાગ ગળામાં તથા કેટલોક ભાગ છાતી અને પેટની વચ્ચેના ઉરોદરપટલ(diaphragm)માં થઈને પેટમાં જાય છે. મોટા ભાગની અન્નનળી છાતીના પાછલા ભાગમાંથી પસાર થાય છે. છાતીમાં તે હૃદયની પાછળ અને બંને ફેફસાંની વચ્ચે આવેલા પોલાણમાંથી પસાર થાય છે તેથી તેનું કૅન્સર આસપાસ ફેલાય તો આ અવયવોને અસર કરે છે. ખોરાક ગળવાની તકલીફ થતી હોવાને કારણે સામાન્ય રીતે અન્નનળીના કૅન્સરના દર્દીઓ શરૂઆતના તબક્કામાં જ નિદાન તથા સારવાર માટે આવે છે. વધુ આક્રમક શસ્ત્રક્રિયાની પદ્ધતિ, વિકિરણનસારવાર (radiation) અને નવી શોધાયેલી દવાઓને કારણે જીવનકાળ લંબાવી શકાયેલો છે તેમજ ખોરાક ગળવાની તકલીફ પણ તેનાથી દૂર થાય છે.

વસ્તીરોગવિદ્યા (epidemiology) : અન્નનળીનું કૅન્સર વિશ્વમાં 9મા ક્રમે આવતું કૅન્સર છે અને કૅન્સરજન્ય મૃત્યુનાં કારણોમાં છઠ્ઠે સ્થાને છે. વિશ્વમાં સન 2002માં અન્નનળીના કૅન્સરના 3.15 લાખ પુરુષો અને 1.46 લાખ સ્ત્રીઓ દર્દી હતા તથા 2.61 લાખ પુરુષો અને 1.25 લાખ સ્ત્રીઓ તેને કારણે મૃત્યુ પામી હતી. અમેરિકામાં દર વર્ષે નોંધાતા કૅન્સરના નવા દર્દીઓમાં 1 %ને અન્નનળીનું કૅન્સર હોય છે. અમેરિકામાં તે 4.5/1 લાખ વસ્તીના દરે થાય છે. સન 2003માં ત્યાં 13,900 નવા દર્દીઓ નોંધાયા હતા. તે વર્ષે 13,000 દર્દીઓ તેને કારણે મૃત્યુ પામ્યા હતા. ભારતમાં આ આંકડો પુરુષો માટે 7 % (સાતમું સ્થાન) અને સ્ત્રીઓમાં 5 % (છઠ્ઠું સ્થાન) છે. દર એક લાખ પુરુષોએ ચીનના કેટલાક વિસ્તારમાં 20.8 અને અમેરિકી નિગ્રોમાં 24.0ને અન્નનળીનું કૅન્સર થાય છે. ભારતમાં આ દર 6.7થી 11.5નો છે. સૌથી વધુ દર મુંબઈમાં જોવા મળે છે. દર એક લાખ સ્ત્રીઓએ ચીનના કેટલાક વિસ્તારમાં 8.9ના દરે અને અમેરિકી નિગ્રોમાં 6.11ના દરે આ કૅન્સર થાય છે. ભારતમાં સ્ત્રીઓમાં 2.4થી 9નો દર છે. બગલોરમાં તે સૌથી વધુ જોવા મળે છે. અમદાવાદમાં દર એક લાખ પુરુષોએ 8.6ને અને એક લાખ સ્ત્રીઓએ 5.5ને અન્નનળીનું કૅન્સર થાય છે. અમેરિકામાં મુખ્યત્વે ગ્રંથિકૅન્સર (adenocarcinoma) જોવા મળે છે, જ્યારે ભારતમાં મુખ્યત્વે લાદીસમ અધિચ્છદીય (squamous cell) કૅન્સર જોવા મળે છે. 5 વર્ષ માટેના આયુષ્યનો દર ઓછો છે અને વિકાસશીલ અને વિકસિત દેશોમાં લગભગ સમાન છે (8 %થી 17 %).

કારણો : તેનાં નિશ્ચિત કારણો સમજી શકાયાં નથી. પરંતુ તેને માટે કેટલાંક પરિબળોને જવાબદાર ગણવામાં આવ્યાં છે. તમાકુનું સેવન (ચાવીને ગળી જવી કે ધૂમ્રપાન કરવું), પાનમસાલા, નાઇટ્રોસો-એમાઇન્સ અને દારૂને કારણે અન્નનળીનું કૅન્સર થાય છે એમ માનવામાં આવે છે. આર્થિક અને સામાજિક પછાતપણાને કારણે ખોરાકના ઘટકોની ઊણપ પણ તેમાં કારણભૂત મનાય છે. લોહની ઊણપને કારણે યુવાન સ્ત્રીઓની અન્નનળીમાં પડદા (webs) બને છે. તેમને પાંડુતા (anaemia) તથા ખોરાક ગળવામાં તકલીફ (દુર્ગલન, dysphagia) થાય છે. તેને પ્લમર-વિન્સન અથવા પૅટરસન-કેલીનું સંલક્ષણ (syndrome) કહે છે. તેમાં ક્યારેક કૅન્સર ઉદભવે છે. વળી મગફળીમાં જોવા મળતી કાળી ફૂગમાંથી ઉત્પન્ન થતું ફૂગવિષ (aflatoxin) પણ અન્નનળીનું કૅન્સર કરે છે તેમ મનાય છે. દાહક પદાર્થ પી ગયા પછી ઘણાં વર્ષે અન્નનળીનું કૅન્સર થાય છે. અન્નનળીના જઠર પાસેના છેડાની અંદરની દીવાલનું આવરણ અથવા અધિચ્છદ (epithelium) ક્યારેક વિશિષ્ટ પ્રકારનું બને છે. તેને બૅરેટનું અધિચ્છદ કહે છે. તેમાં કૅન્સર ઉદભવે છે. લાદીસમ (શલ્કસમ) કોષીય (squamous cell) કૅન્સર થવાનાં મુખ્ય કારણોમાં તમાકુ, દારૂ, પ્લમર-વિલ્સનનું સંલક્ષણ, માનવ અંકુરાર્બુદવિષાણુ (human papilloma virus, HPV)નો ચેપ વગેરે છે. ગ્રંથિકૅન્સર પ્રકારનાં કૅન્સર થવામાં બૅરેટનો અધિચ્છદ (Barrette epithelium) છે. જઠરમાંનો અમ્લ (acid) અન્નનળીમાં વારંવાર ચડી આવે તો તે અન્નનળીના નીચલા છેડાને અસરગ્રસ્ત કરે છે. તેથી તેની દીવાલ પરનું આચ્છાદન કરતા કોષોમાં વિકાર ઉદભવે છે. આવા વિકારગ્રસ્ત કોષોવાળા અધિચ્છદને બૅરેટનું અધિચ્છદ કહે છે. જઠરમાંથી અન્નનળીમાં થતા ઊલટા અથવા વિપરીતમાર્ગી વહનને વિવહન (reflux) કહે છે અને તે રોગને જઠરાન્નલીય વિવહન રોગ (gastro-esophapeal reflux disease, GERD) કહે છે.

આકૃતિ 1 : અન્નનળીનું શરીરમાં સ્થાન : (1) મોઢું, (2) ગળામાંની અન્નનળી, (3) છાતીના પોલાણમાંની અન્નનળી, (4) પેટમાંની અન્નનળી, (5) ઉરોદરપટલ, (6) હૃદય, (7) કરોડના મણકા, (8) મહાધમની, (9) શ્વાસનળી. ટકામાં દર્શાવેલા આંકડા અન્નનળીના કૅન્સરનું પ્રમાણ દર્શાવે છે.

પ્રારંભિક નિર્દેશન અને નિદાન : ખોરાક ગળવામાં ક્રમશ: વધતી જતી તકલીફ તેનું મુખ્ય લક્ષણ છે. તેને દુર્ગલન (dysphagia) કહે છે. સૌપ્રથમ ઘન પદાર્થ માટે દુર્ગલન થાય છે, પરંતુ સમય જતાં ઢીલો અને છેલ્લે પ્રવાહી ખોરાક પણ ઉતારતાં તકલીફ પડે છે. તેને કારણે વજન ઘટે છે. અન્નનળીમાં રોધ ઉત્પન્ન થવાથી તેમાં ખોરાક ભરાઈ રહે છે, ખોરાક પાછો ઉપર ચડે છે (regurgitation) તથા ક્યારેક તે ફેફસાંમાં જતો રહે તો ન્યુમોનિયા થાય છે. ક્યારેક દર્દીને ખોરાક ગળતાં દુખાવો થાય છે, છાતીમાં બળતરા થાય છે અને તેને ઊલટીમાં થોડું લોહી પણ પડે છે. દર્દીને ખાંસી ચડે છે અને અન્નનળી-શ્વાસનળી વચ્ચે સંયોગનળી બની હોય તો પ્રવાહી લેતાં તે શ્વાસનળીમાં પ્રવેશી જાય છે અને તેથી ખાંસી ચડે છે તથા અંત્રાસ થાય છે. ક્યારેક અવાજ બેસી જાય છે.

રોગ વધે એટલે ગળામાંની લસિકાગ્રંથિઓ (lymphnodes) મોટી થાય છે, સૂકી ખાંસી થાય છે. ક્યારેક ઊલટી કે કફમાં મોટા પ્રમાણમાં લોહી પડે છે તથા અવાજ બેસી જાય છે. ક્યારેક છાતીમાં દુખાવો ઊપડે છે. આ બધાં લક્ષણો રોગનો ફેલાવો સૂચવે છે. ગળાના ભાગમાંની અન્નનળીમાં થતું કૅન્સર ક્યારેક જ (2 %) જોવા મળે છે. લગભગ 50 % કિસ્સામાં અન્નનળીના નીચલા છેડે કૅન્સર થાય છે. બાકીના કિસ્સામાં હૃદયની પાછળ આવેલી અન્નનળીમાં કૅન્સર થાય છે.

બેરિયમના ઘટ્ટ દ્રાવણને કોળિયાની જેમ ઉતારીને એક્સ-રે ચિત્રણ લેવામાં આવે (બેરિયમગલનચિત્રણ, barrium swallow) ત્યારે અન્નનળીના પોલાણમાં આવેલો અવરોધ જોઈ શકાય છે. તે સમયે અન્નનળીની અંદરની દીવાલ અનિયમિતપણે ઊપસી આવી હોય છે અને તેનું પોલાણ સાંકડું થયેલું હોય છે. સંકોચાયેલા ભાગથી ઉપર આવેલો અન્નનળીનો ભાગ ક્યારેક પહોળો થયેલો હોય છે. રોગની વધુ તીવ્રતા હોય તો અન્નનળીનો માર્ગ સાવ સાંકડો થયેલો કે બંધ પણ થઈ જાય છે. ક્યારેક તેમાં ચાંદું પડે અને જો કૅન્સર પાસેની શ્વાસનળીમાં પ્રસર્યું હોય અને છિદ્ર પડ્યું હોય તો બેરિયમના પાતળા પ્રવાહી દ્રાવણ વડે અન્નનળી અને શ્વાસનળીને જોડતો રોગજન્ય માર્ગ અથવા સંયોગનળી (fistula) દર્શાવી શકાય છે. તેને અન્નનળી-શ્વાસનળી સંયોગનળી (tracheo-oesophapeal fistula) કહે છે. આ વધી ગયેલા કૅન્સરનાં ચિહનો છે. તે સમયે શ્વાસમાં દુર્ગંધ થાય છે અને ખૂબ કફ પડે છે. પાણી પીતી વખતે તે શ્ર્વાસનળીમાં જતું રહેતું હોવાથી સખત ખાંસી ચડે છે. અન્નનળીના પોલાણમાં નળી નાખીને જોવાની પ્રક્રિયાને અન્નનળી અંત:દર્શન  અથવા નિરીક્ષા (oesophagoscopy) કહે છે અને તેના સાધનને અન્નનળી-અંત:દર્શક (oesophagoscope) કહે છે, તેના વડે ગાંઠને જોઈ શકાય છે તથા તેનો ટુકડો લઈને તેનું જીવપેશીપરીક્ષણ (biopsy) કરી શકાય છે. ખૂબ શરૂઆતના સંજોગોમાં રોગગ્રસ્ત વિસ્તાર(lesion)ને નક્કી કરવા લ્યુગોલનું આયોડિન, ટોલ્યુડિન બ્લૂ, ઇન્ડિગો કેર્મન કે સલ્ફામાઇસિન વડે શંકાસ્પદ ભાગને અભિરંજિત (stained) કરાય છે. ક્યારેક આવા શંકાસ્પદ ભાગ પર પીંછી ફેરવીને છૂટા પડેલા કોષોને તપાસ માટે લેવાય છે. તેને કોષપાતી કોષવિદ્યા (exfoliative cytology) કહે છે.

વર્ગીકરણ : અન્નનળીનું કૅન્સર મુખ્યત્વે 2 પ્રકારનું હોય છે – (1) 66 % કિસ્સામાં લાદીસમ (શલ્કસમ) અધિચ્છદીય કર્કાર્બુદ (squamous cell carcinoma) અથવા અધિત્વકાભ કર્કાર્બુદ (epidermoid carcinoma) અને (2) ગ્રંથિ-કર્કાર્બુદ (adenocarcinoma). થોડાક કિસ્સામાં અન્ય પ્રકારો પણ જોવા મળે છે. ગ્રંથિ-કર્કાર્બુદ ફક્ત બૅરેટના અધિચ્છદવાળી અન્નનળીમાં (નીચલા છેડે) જોવા મળે છે જ્યારે સ્ક્વેમસ સેલ કાર્સિનોમા આખી અન્નનળીમાં ગમે ત્યાં વિકસે છે.

અન્નનળીના કૅન્સરના ફેલાવાને આધારે તેને વિવિધ તબક્કામાં વહેંચવામાં આવે છે. તેનું તબક્કાવાર વર્ગીકરણ સારણી 1 અને 2માં તથા આકૃતિ 2માં દર્શાવાયું છે. તે મૂળ ગાંઠના કદ (T), સ્થાનિક લસિકાગ્રંથિઓમાં રોગનો ફેલાવો (N) તથા દૂરના અવયવોની અસરગ્રસ્તતા (M) પર આધારિત છે. લોહીમાંના શ્વેતકોષોના એક પ્રકારરૂપ લસિકાકોષો (lymphocytes) સંબંધિત પેશીના પિંડો શરીરમાં વિવિધ સ્થળે આવેલા છે અને તે ચેપ તથા અન્ય રોગો સામે પ્રતિરક્ષા (immunity) કરવાનું કાર્ય કરે છે. તેમને લસિકાગ્રંથિઓ (lymphnodes) કહે છે. તે ચેપને કારણે મોટી થઈને પીડાકારક બને ત્યારે ‘વેળ ઘાલવી’ કહે છે.

આકૃતિ 2 : અન્નનળીના કૅન્સરના તબક્કા – અન્નનળીના આડા છેદનો દેખાવ : (1) અન્નનળીનું પોલાણ, (2) શ્લેષ્મસ્તર (mucosa), (3) અવશ્લેષ્મસ્તર (sub-mucosa), (4) સ્નાયુસ્તર, (5) અન્નનળીની બહારની સપાટી, (6) ગાંઠ, (7) સાંકડું પોલાણ. (અ) T1 તબક્કો, (આ) T2 તબક્કો, (ઇ) T3 તબક્કો.

સારણી 1 : અન્નનળીના કૅન્સરનું TNM વર્ગીકરણ

T : મૂળ ગાંઠના ફેલાવાના તબક્કા
  Tis અતિસીમિત કૅન્સર (in situ)
  T1 અવશ્લેષ્મસ્તર (submucosa) સુધી ફેલાવો
  T2 અન્નનળીના સ્નાયુસ્તરમાં ફેલાવો
  T3 અન્નનળીની બહારની સપાટી સુધી ફેલાવો
  T4 અન્નનળીની આસપાસના અવયવોમાં ફેલાવો
N : સ્થાનિક લસિકાગ્રંથિની અસરગ્રસ્તતાના તબક્કા
  N0 લસિકાગ્રંથિમાં ફેલાવો નહિ
  N1 લસિકાગ્રંથિમાં ફેલાવો
M : સ્થાનાંતરિત કૅન્સરના તબક્કા
  M0 અન્ય અવયવોમાં લોહી દ્વારા ફેલાવો નહિ
  M1 અન્ય અવયવોમાં લોહી દ્વારા ફેલાવો

અન્નનળીની અંદરની દીવાલના શ્લેષ્મસ્તર(mucosa)માં થયેલી ખૂબ નાની ગાંઠને અતિસીમિત કૅન્સર કહે છે. રોગનો આ પ્રારંભિક તબક્કો છે. રોગનો તબક્કો નિશ્ચિત કરવા માટે અન્નનળી-અંત:દર્શન (નિરીક્ષા), શ્વાસનળી-અંત:દર્શન (નિરીક્ષા), યકૃતની કાર્યક્ષમતા નક્કી કરતી કસોટીઓ (બિલિરૂબિન, ટ્રાન્સએમાઇનેઝ અને આલ્કલાઇન ફૉસ્ફેટેઝનું લોહીમાંનું પ્રમાણ), છાતીનું સીએટી-સ્કૅન, અન્નનળીનું ધ્વનિચિત્રણ (sonography) અને ધનભારકણ ઉત્સર્ગ અનુપ્રસ્થચિત્રણ (positron emmission tomography, PET) વગેરે ઉપયોગી છે. જરૂર પડ્યે શ્વસનનલિકા-અંત:દર્શન (bromchosophy) કરીને અન્નનળી તથા શ્વાસનળી વચ્ચે જોડાણ થયું છે કે નહિ તે જાણી લેવાય છે.

સારણી 2 : અન્નનળીના કૅન્સરના તબક્કા

તબક્કો TNM વર્ગીકરણ રોગનો ફેલાવો
0 Tis N0 M0 શ્લેષ્મસ્તરમાં જ અતિસીમિત કૅન્સર
1 T1 N0 M0 અવશ્લેષ્મસ્તર સુધી ફેલાયેલું કૅન્સર
2 T2/T3, N0 M0 અન્નનળીના સ્નાયુસ્તર (T2) કે બહારની સપાટી સુધી (T3) ફેલાયેલું કૅન્સર
T1/T2, N1 M0 અન્નનળીના સ્નાયુસ્તર સુધી ફેલાયેલું કૅન્સર તથા સ્થાનિક લસિકાગ્રંથિઓ પણ
અસરગ્રસ્ત (N1)
3 T3 N1 M0 અન્નનળીની બહારની સપાટી (T3) તથા સ્થાનિક લસિકાગ્રંથિઓને અસર
T4, N0 / N1, M0 અન્નનળીની આસપાસના અવયવોમાં રોગના ફેલાવા સાથે સ્થાનિક લસિકાગ્રંથિઓને અસર થઈ હોય અથવા ન પણ થઈ હોય
4 કોઈ પણ T કે N તથા M1 લોહી દ્વારા દૂરના અવયવો કે લસિકાગ્રંથિઓમાં ફેલાવો

સારવાર : શસ્ત્રક્રિયા, વિકિરણનચિકિત્સા (radiotherapy) અને દવા વડે સારવાર કરવાથી રાહત આપી શકાય છે તથા જીવન લંબાવી શકાય છે. વધુ આક્રમક શસ્ત્રક્રિયા વડે સારાં પરિણામો મેળવી શકાય છે. સૌપ્રથમ ખોરાક ગળવાની તકલીફને કારણે જો પાણી, ક્ષાર કે પોષણની ઊણપ થઈ હોય તો તે દૂર કરાય છે. ગાંઠ ઉચ્છેદનક્ષમ (resectable) હોય એટલે કે કાપીને દૂર કરી શકાતી હોય તેવી ગાંઠને દૂર કરવા અન્નનળી-ઉચ્છેદન (oesophagect-omy) કે અન્નનળી-જઠર-ઉચ્છેદન(oesophagogastrectomy)ની શસ્ત્રક્રિયા કરીને અન્નનળી તથા જઠરનો થોડો ભાગ દૂર કરાય છે અને ત્યાર બાદ જઠરને અન્નનળી કે ગળા સાથે સીધેસીધું કે મોટા આંતરડાના ટુકડાની મદદથી જોડવામાં આવે છે. આમ અન્નમાર્ગ ફરીથી બનાવાય છે. સામાન્ય રીતે અન્નનળીના નીચલા છેડાની ગાંઠ હોય તો શસ્ત્રક્રિયા કરાય છે. શસ્ત્રક્રિયા સંબંધિત મૃત્યુદર 5 %નો છે. પરંતુ જે દર્દીમાં તે શક્ય બને છે તેમાં તે જીવનકાળ લંબાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ગાંઠને સંપૂર્ણપણે કાઢી નાખ્યા પછી તેના બંને છેડે 5 સેમી. જેટલી સામાન્ય અન્નનળી પણ નીકળી શકી હોય અને પ્રાદેશિક લસિકાગ્રંથિઓ દૂર થઈ હોય તો તેને R0 કક્ષાનું ઉચ્છેદન (resection) કહે છે. જો સૂક્ષ્મકોષો રૂપે કૅન્સર શરીરમાં રહી જાય તો તેને R1 અને નરી આંખે દેખાય તેવો રોગ રહી જાય તો તેને R2 ઉચ્છેદન કહે છે. શસ્ત્રક્રિયા માટે છાતી પર કાપો મૂકીને (પારવક્ષીય, transtholacic) અથવા પેટ પર કાપો મૂકીને ઉરોદરપટલમાંના છિદ્ર દ્વારા (પારછિદ્રીય, transhiatal) માર્ગ મેળવાય છે.

આકૃતિ 3 : અન્નનળીના કૅન્સરના તબક્કા : (1) અન્નનળી, (2) શ્વાસનળી, (3) ઉરોદરપટલ, (4) જઠર, (5) હૃદય, (6) કરોડના મણકા, (7) સામાન્ય લસિકાગ્રંથિઓ (lymphnodes), (8) અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ.

અન્નનળીના ઉપલા કે મધ્યભાગમાં મોટે ભાગે વિકિરણનચિકિત્સા અપાય છે. વિકિરણનની સારવાર સ્ક્વેમસ સેલ કૅન્સરમાં વધુ સફળ રહે છે. જેમને ખોરાક ગળવામાં અવરોધ થતો હોય તેમને વિકિરણનની સારવાર ઘણી ઉપયોગી હોય છે (75 %). તેથી દુખાવામાં પણ ઘણી રાહત રહે છે. બહારથી વિકિરણનચિકિત્સા અપાય છે અને તે દેખીતી ગાંઠની ઉપર અને નીચેની 5 સેમી. અન્નનળીને આવરી લે છે. રોજ જુદી જુદી બેઠકમાં થોડું થોડું વિકિરણન અપાય છે. તેની માત્રા રોગના તબક્કા પર આધારિત હોય છે.

સિસ-પ્લૅટિન, 5-ફ્લ્યુરોયુરેસિલ, જેમ્સાયટેબિન, પેક્લિટેક્સેલ, ડોસિટેક્સેલ, ઑક્ઝાસિપ્લૅટિન, ઇરિનોટિકેન, કેપેસિટાબિન, બ્લિયોમાયસિન, મિથોટ્રેક્ઝેટ, ડૉક્સોરુબિસિન, માયટોમાયસિન-સી જેવાં ઔષધો 15 %થી 40 % કિસ્સામાં રાહત આપે છે. બે કે વધુ દવા વડે કરાતી સામૂહિક ઔષધચિકિત્સા (combination chemotherapy) 60 % જેટલી સફળ થાય છે. ખાસ કરીને સિસ-પ્લૅટિનની સાથે અન્ય કોઈ દવા અપાય છે. શસ્ત્રક્રિયા કે વિકિરણનની સારવાર પહેલાં, પછી કે સાથે સાથે દવાઓ અપાય છે. વિકિરણન અને કૅન્સરવિરોધી ઔષધોની સંગામી ચિકિત્સા (concurrent tretment) વધુ લાભકારક જણાઈ છે. શસ્ત્રક્રિયા પહેલાં ઔષધ-વિકિરણનની સહચિકિત્સા (chemoradiation) આપવાથી ઘણાં સારાં પરિણામો મળેલાં છે. જો સ્થાનિક ચિકિત્સા (શસ્ત્રક્રિયા કે વિકિરણન) શક્ય ન હોય તોપણ દવાઓ અપાય છે. જરૂર પડ્યે લેઝર વડે શસ્ત્રક્રિયા કરીને કે પ્રકાશ-ગતિકી (photodynamic) સારવાર પણ અપાય છે.

આનુષંગિક તકલીફો : ક્યારેક રોગને કારણે અન્નનળીમાં કાણું પડવું, અન્નનળી અને શ્વાસનળીને જોડતી સંયોગી નળી (fistula) થવી, લોહીની ઊલટી થવી, ન્યુમોનિયા થવો વગેરે તકલીફો થયેલી જોવા મળે છે. ક્યારેક વિકિરણનને કારણે ફેફસાંમાં તંતુતા કે કરોડરજ્જુમાં અનુપ્રસ્થ મજ્જાશોથ(transverse myelitis)નો સોજો આવે છે. તેવે સમયે બંને પગમાં લકવો થાય છે. ઔષધોને કારણે લોહીના કોષો ઘટે, ચેપ લાગે કે લોહી પડે, મોંમાં ચાંદાં પડે અને ક્યારેક મૂત્રપિંડ અને કાનને ઈજા પહોંચે છે. રોગ વધવાને કારણે જો ખોરાક લેવાતો બંધ થઈ જાય તો પોષણ, ક્ષાર અને પાણીની ઊણપ ઊભી થાય છે અને તેથી નાક-જઠરી નળી (Ryle’s tube) દ્વારા, જઠરમાં કાણું પાડીને નળી દ્વારા કે અન્નનળીની ગાંઠવાળા ભાગમાં એક પસારનળી (stent) ગોઠવીને પોષણ પૂરું પાડવું જરૂરી બને છે. આસપાસ ફેલાતું કૅન્સર ખાસ કરીને પીઠમાં દુખાવો કરે છે. જે તે આનુષંગિક તકલીફની સહાયક સારવાર કરવામાં આવે છે.

પરિણામ અને અપેક્ષાનુમાન : પહેલા કે બીજા તબક્કાના કૅન્સરની શસ્ત્રક્રિયા બાદ 5 %થી 25 %  દર્દી 5 વર્ષ જીવે છે પરંતુ મોટા ભાગના દર્દીઓમાં આ તબક્કો હોતો નથી અને તેથી તેમને રાહતદાયી (palliative) સારવાર અપાય છે. હાલ અન્નનળીના કૅન્સરની સારવારનાં પરિણામો ઘણાં સારાં નથી. તેમાં ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે. જેમની દવા ન કરવામાં આવે તેમનો જીવનકાળ 4 મહિનાનો હોય છે. સારવાર કરવાથી તે લંબાવી શકાય છે તેમજ ખોરાક ગળવાની તકલીફમાં રાહત મળવાથી જિંદગી ઓછી કષ્ટદાયક બને છે. અન્નનળીના કૅન્સરના વિવિધ તબક્કા, તેમની સારવાર અને તેના પરિણામને સારણી 3માં દર્શાવાયું છે.

સારણી 3 : અન્નનળીના કૅન્સરની સારવાર અને પરિણામ

તબક્કો સારવાર 5 વર્ષીય જીવનદર
I, II શસ્ત્રક્રિયા + સહાયક ઔષધચિકિત્સા અથવા ઔષધવિકિરણન સંગામી કિત્સા 27 %
III ઔષધવિકિરણનની નવસહાયક ચિકિત્સા + શસ્ત્રક્રિયા + ઔષધવિકિરણનની સહાયક ચિકિત્સા 13 %
IV શ્રેષ્ઠ સહાયક લક્ષણાલક્ષી સારવાર અથવા વિકિરણનચિકિત્સા અથવા ઔષધચિકિત્સા 2 %
નોંધ :  સહાયક ચિકિત્સા = adjuvant therapy, નવસહાયક ચિકિત્સા = neoadjuvant therapy, સહચિકિત્સા, સંગામી ચિકિત્સા = concurrent therapy

શિલીન નં. શુક્લ