કૅન્ડેલ, એરિક (જ. 7 નવેમ્બર 1929, વિયેના, ઑસ્ટ્રિયા) : 2000ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ચેતાવિજ્ઞાની (neurologist). તેમણે ન્યૂયૉર્ક યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનમાંથી 1956માં આયુર્વિજ્ઞાનની પદવી પ્રાપ્ત કરી. મનોચિકિત્સા અને રોજગારમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં નિવાસી તરીકે સેવા આપ્યા બાદ, 1965–74 સુધી ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં સહયોગી પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1974થી તેઓ કોલમ્બિયા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદે રહ્યા, જ્યાં તેમણે 1983 સુધી આ સંસ્થાના ‘સેન્ટર ફૉર ન્યૂરોબાયૉલૉજી ઍન્ડ બિહેવિયર’ના નિયામક તરીકે સેવા આપી.

એરિક કૅન્ડેલ

કૅન્ડેલનું પુરસ્કારવિજયી સંશોધન અધિગમન (learning) અને સ્મૃતિમાં અંતર્ગ્રથની પ્રેષણ(synaptic transmission)ના મહત્વ વિશેનું રહસ્ય ખુલ્લું કરે છે. તેમણે પ્રાયોગિક મૉડલ તરીકે દરિયાઈ ગોકળગાય(Aplysia)નો ઉપયોગ કર્યો. તે લગભગ 20,000 ચેતાકોષો ધરાવે છે. તે પૈકી ઘણા ચેતાકોષો ખૂબ મોટા હોય છે અને તેમનો અભ્યાસ સરળતાથી થઈ શકે છે. વળી દરિયાઈ ગોકળગાય તેની ઝાલરોનું રક્ષણ પરાવર્તી ક્રિયા (reflex action) દ્વારા કરે છે. કૅન્ડેલે તેનો પાયારૂપ અધિગમ ક્રિયાવિધિ(learning mecha-nism)ના અભ્યાસ માટે ઉપયોગ કર્યો.

દરિયાઈ ગોકળગાય પર થયેલા પ્રયોગો અને પાછળથી ઉંદર પર થયેલાં સંશોધનો પ્રસ્થાપિત કરે છે કે સ્મૃતિનું સ્થાન ચેતોપાગમોમાં હોય છે અને વિવિધ પ્રકારની સ્મૃતિઓનું નિર્માણ થાય છે ત્યારે ચેતોપાગમના કાર્યમાં થતા ફેરફારો કેન્દ્રીય હોય છે. કૅન્ડેલના સંશોધને દર્શાવ્યું છે કે મંદ ઉત્તેજના ચેતોપાગમોમાં કેટલાક રાસાયણિક ફેરફારો ઉત્પન્ન કરે છે. આ ફેરફારો ટૂંકા ગાળાની સ્મૃતિ માટેનો આધાર હોય છે; જે મિનિટોથી માંડી કલાકો સુધી ટકે છે. વધારે ઉગ્ર સંવેદના ચેતોપાગમોમાં અન્ય ફેરફારો કરે છે; જે લાંબા ગાળાની સ્મૃતિમાં પરિણમે છે અને અઠવાડિયાંઓ સુધી ટકે છે.

કૅરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ, સ્ટૉકહોમ દ્વારા 2000ના વર્ષનો આયુર્વિજ્ઞાન ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર કૅન્ડેલને ઉપર્યુક્ત નોંધપાત્ર સંશોધનો બદલ સહવિજેતા તરીકે એનાયત કરવામાં આવ્યો.

બળદેવભાઈ પટેલ