કૅન્ડી ટફ્ટ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેને ‘Iberis’ પ્રજાતિ હેઠળ મૂકવામાં આવે છે અને એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય કે ઉપક્ષુપ (undershrub) સ્વરૂપે જોવા મળે છે. આ પ્રજાતિની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં તેના સુંદર પુષ્પસમૂહો માટે ઉછેરવામાં આવે છે.

તેને ક્યારીઓમાં કે ક્યારીઓની કે પ્લોટની સીમાઓ બનાવવા ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તેને કુંડાઓમાં પણ ઉછેરી શકાય છે. પર્ણો સાદાં એકાંતરિક ભાલાકાર, તીક્ષ્ણ, ઉપરનાં અખંડિત, નીચેનાં દંતુર હોય છે. પુષ્પમાં બે દલપત્રો મોટાં અને બે દલપત્રો નાનાં હોય છે. પુષ્પો તોરા (corymb) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફુટપટી (silicula) પ્રકારનું ફળ ટૂંકું અને સપક્ષ (winged) હોય છે અને પ્રત્યેક કોટરમાં એક જ ચપટું બીજ ધરાવે છે.

તેને ખુલ્લા પ્રકાશમાં અને ઉદ્યાનની ફળદ્રૂપ તેમજ કૅલ્શિયમવાળી મૃદામાં ઊગાડી શકાય છે. પ્રસર્જન બીજ કે કટકારોપણ દ્વારા કરી શકાય છે. તરુણ રોપ 15 સેમી.થી 25 સેમી. અંતરે રોપવામાં આવે છે.

  1. amara Linn. syn. I. coronaria Hort. (કૉમન ઍન્યુઅલ કૅન્ડી ટફ્ટ, રૉકેટ કૅન્ડી ટફ્ટ) એકવર્ષાયુ, 30 સેમી. ઊંચી જાતિ છે અને ભારતીય ઉદ્યાનોમાં સામાન્યત: ઉછેરવામાં આવે છે. તે ચામ્બામાં 1500 મી.થી 3000 મી. ઊંચાઈ સુધી થાય છે.

આ વનસ્પતિનો સંધિવા અને ગાઉટમાં ઉપયોગ થાય છે. તે સમચિકિત્સીય (homeopathic) ટિંક્ચર બનાવવામાં વપરાય છે. બીજ દમ અને શ્વસનીશોથ(bronchitis)માં ઉપયોગી છે. તે તૈલી હોય છે અને ગ્લુકોઆઇબેરિન નામનો ગ્લાયકોસાઇડ ધરાવે છે.

ભારતીય ઉદ્યાનોમાં વાવવામાં આવતી Iberisની અન્ય જાતિઓ આ પ્રમાણે છે : I. sempervirens Linn. સદાહરિત બહુવર્ષાયુ જાતિ છે અને સફેદ કે નીલવર્ણી (liliac) પુ્ષ્પો ધરાવે છે; I. umbellata Linn. ગુલાબી કે જાંબલી પુષ્પો ધરાવતી જાતિ છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ