કૅન્ડી : શ્રીલંકાના મધ્યભાગમાં આવેલું પ્રાંતનું મથક અને સૌંદર્યધામ. કોલંબોની ઈશાને 130 કિમી. દૂર, 520 મી.ની ઊંચાઈએ કૃત્રિમ સરોવરને કાંઠે તે વસેલું છે. ચારે બાજુ ઉષ્ણકટિબંધનાં જંગલો આવેલાં છે. તેનું જાન્યુઆરી અને મેનું સરાસરી તાપમાન અનુક્રમે 23° સે. અને 26° સે. છે. વિષુવવૃત્ત નજીક હોઈ ઉનાળા અને શિયાળા તથા રાત્રિ અને દિવસના તાપમાનમાં ખાસ ફરક પડતો નથી. વનરાજિ તથા આહ્લાદક વાતાવરણ પ્રવાસીને આકર્ષે છે. વરસાદ 2110 મિમી. પડે છે. ચા, રબર, કોકો અને ડાંગર મુખ્ય પાક છે. ચાંદી, પિત્તળ, નેતર અને લાખકામની વસ્તુઓની હાથકારીગરી વખણાય છે. ઈંટો અને ટાઇલ્સનો ઉદ્યોગ અહીં વિકસ્યો છે. તે રસ્તા અને રેલવે દ્વારા દેશનાં મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે.
ભગવાન બુદ્ધના દાંત ઉપર બાંધવામાં આવેલું અહીંનું દલાદા મલગાવા મંદિર પ્રાચીન છે. અહીં જૂના હસ્તલિખિત ગ્રંથોનો ભંડાર છે. દર વરસે ઑગસ્ટમાં શણગારેલા હાથીઓ અને નગારાં, વાજિંત્રો અને નૃત્યકારો સાથે બુદ્ધના પ્રાચીન અવશેષના માનમાં ભવ્ય સવારી નીકળે છે. કૅન્ડી નજીક પેરેડિનિયાનો બૉટેનિકલ બાગ છે, જે એશિયામાં અદ્વિતીય ગણાય છે. તેની નજીક કૅન્ડીનું યુનિવર્સિટી સંકુલ છે. જૂના રાજાઓના રાજમહેલનાં ખંડેરો જોવાલાયક છે.
ઇમારતી લાકડું, ચા, ચોખા, કોકો અને રબરના વેપારનું તે કેન્દ્ર છે. નજીકના બગીચાઓમાં મજૂરી અર્થે આવેલા ભારતીય મજૂરો વસે છે.
આ શહેર ઈ. પૂ. પાંચમી સદી જેટલું જૂનું છે. ચોલ, પોર્ટુગીઝ અને ડચ આક્રમકો સામે તેના દુર્ગમ સ્થાનને કારણે તથા શાસકના દૂરંદેશીપણાને કારણે તેનો બચાવ થયો હતો. તે લંકાનું પાટનગર 1480માં અને સિંહલ રાજ્યનું પાટનગર 1592માં થયું હતું. અંગ્રેજોનો 1803માં તેને જીતવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો, પણ 1815માં તાબેદાર સિંહલ ઠાકોરોને પોતાના પક્ષમાં લઈને કૅન્ડીના રાજ્યને ખાલસા કર્યું હતું. ઠાકોરોના હિતનું રક્ષણ કરવા છતાં તેમણે 1817માં અંગ્રેજો સામે બળવો પોકાર્યો હતો પણ 1818માં તે શમાવી દેવામાં આવ્યો હતો. સિંહલ રાજાનું સિંહાસન બ્રિટનના રાજકુટુંબ પાસે હતું તે 1934માં પરત કરવામાં આવ્યું છે. આ શહેરની વસ્તી 1.25 લાખ (2011) હતી.
શિવપ્રસાદ રાજગોર