કૅન્ડિન્સ્કી વાસિલી

January, 2008

કૅન્ડિન્સ્કી, વાસિલી (જ. 4 ડિસેમ્બર 1866, મૉસ્કો, રશિયા; અ. 17 ડિસેમ્બર 1944, ન્યુઇલી, ફ્રાંસ) : ઍબ્સ્ટ્રૅક્ટ – અમૂર્ત કલાના પ્રણેતા, રશિયન ચિત્રકાર. પિતા સાઇબીરિયામાં ચીનની સરહદ પાસે વસ્યા હતા અને માતા મૉંગોલિયન વંશની મૉસ્કોવાસી હતી. 1871માં આ સુખી કુટુંબ ઓડેસામાં આવી વસ્યું અને બાળ કૅન્ડિન્સ્કીનો અભ્યાસ શરૂ થયો. નાનપણમાં જ તેમને સંગીત-શિક્ષણ અપાયું હતું. 1886માં કૅન્ડિન્સ્કી મૉસ્કો યુનિવર્સિટીમાં દાખલ થયા અને કાયદા તથા રાજકીય અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા લાગ્યા. 1893માં તેમણે કાયદાશાસ્ત્રની ડૉક્ટરેટની સમકક્ષ ઉપાધિ પ્રાપ્ત કરી હતી.

વાસિલી કૅન્ડિન્સ્કી

કૅન્ડિન્સ્કીને તેમની નૃવંશશાસ્ત્ર વિશેની સંશોધનયાત્રામાં રશિયન ધાર્મિક ચિત્રો અને પ્રતિમાઓમાં રસ પડ્યો. 1889 અને 1892માં તેમણે ફ્રાન્સના પાટનગર પૅરિસનો પરિચય માણ્યો હતો. એસ્ટોનિયામાં તેમને અધ્યાપકપદ માટે આમંત્રણ મળ્યું. પરંતુ તે ન સ્વીકારતાં તે 1896માં મ્યૂનિક(જર્મની)માં ચિત્રકલાના અભ્યાસ માટે ગયા. મ્યૂનિકમાં ખાનગી ચિત્રશાળામાં અને પછી 1900માં રૉયલ એકૅડેમીમાં જર્મન શિલ્પી અને ચિત્રકાર ફ્રાંઝ શ્ટૂક પાસે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. તેઓ નવોદિત કલાકારોના ‘ફૅલૅન્ક્સ’ વગેરે મંડળો સાથે સંકળાયા અને તેમની સાથે પોતાનાં ચિત્રોનું પ્રદર્શન યોજ્યું. 1902માં તે ફૅલૅન્ક્સના પ્રમુખ બન્યા. તે પછી તેમણે હોલૅન્ડ, ટ્યુનિસિયા અને ઇટાલીનો પ્રવાસ કર્યો (1903). ડ્રેસ્ડન, પૅરિસ, બર્લિન વગેરે સ્થળનો પ્રવાસ કરી 1908થી છ વર્ષ માટે મ્યૂનિકમાં વસ્યા. તેમના પર નિયો-ઇમ્પ્રેશનિઝમ, પૉલ ગોગાં, ફોવિઝમ વગેરેનો પ્રભાવ પડ્યો હતો. તે માનતા હતા કે વિષય કે વસ્તુ સિવાય કેવળ રંગમાં જ જીવનરહસ્ય રહેલું છે અને રંગ દ્વારા સંગીતના સૂરની માફક ભાવવાહી કલાસર્જન થઈ શકે. આ માન્યતાનો પ્રભાવ દર્શાવવા તેમણે 1910માં પ્રથમ વિષયવસ્તુ વિનાનું ઍબ્સ્ટ્રૅક્ટ એટલે કે અમૂર્ત ભાવદર્શક કલાચિત્ર આલેખ્યું. પોતાની આ માન્યતાને તેમણે ‘કન્સર્નિંગ ધ સ્પિરિચ્યુઅલ ઇન આર્ટ’ (1910) એ પુસ્તકમાં સૈદ્ધાંતિક રૂપે ચર્ચી. 1911માં તેમણે ઑગસ્ટ માર્ક, ફ્રાંઝ માર્ક અને પૉલ ક્લી જેવા કલાકારોના સહકારથી પોતાના ચિત્ર ‘ધ બ્લૂ રાઇડર’ પરથી એ જ નામે કલામંડળી સ્થાપી અને 1911ના ડિસેમ્બર તથા 1912ના ફેબ્રુઆરીમાં ઍબ્સ્ટ્રૅક્ટ – અમૂર્ત કલાનાં પ્રદર્શનો યોજ્યાં. તેમણે ચિત્રકલાને રેખાઓ, આકૃતિઓ કે રંગો દ્વારા કોઈ ઓળખી શકાય એવી વસ્તુના આલેખનના બંધનમાંથી મુક્ત કરી.

વાસિલી કૅન્ડિન્સ્કીનું ચિત્ર

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તે રશિયામાં રહી 1917ની રશિયન ક્રાંતિ પછી અનેક સરકારી સાંસ્કૃતિક મંડળોમાં કામ કરતા રહ્યા. 1922માં જર્મનીના વાઇમાર નગરમાં સ્થપાયેલ બાઉહાઉસ ભાતચિત્ર કલાની શાળામાં વૉલ્ટર ગ્રોપિયસ સાથે અધ્યાપક તરીકે કામ કરવાનું તેમને આમંત્રણ મળ્યું અને તે ત્યાં જઈ 1932માં નાઝીશાસને એ શાળા બંધ કરી ત્યાં સુધી રહ્યા. 1926માં તેમણે ‘પૉઇન્ટ ઍન્ડ લાઇન ટુ પ્લેન’ નામનો ભૌમિતિક રચનાઓનું પૃથક્કરણ કરતો ગ્રંથ પ્રગટ કર્યો. બાઉહાઉસ ચિત્રશાળા બંધ થતાં તે પૅરિસ જઈ વસ્યા. આ બધાં વર્ષો દરમિયાન તેમની ખ્યાતિ વધ્યે જતી હતી. 1939માં તેમણે ફ્રેન્ચ નાગરિકત્વ સ્વીકાર્યું. 1944માં તે પૅરિસ પાસે ન્યુઇલીમાં અવસાન પામ્યા. ઍબ્સ્ટ્રૅક્ટ કલાના મુખ્ય પ્રણેતા અને સમર્થ આલેખક તરીકે તેમણે આંતરરાષ્ટ્રીય મહત્વ પ્રાપ્ત કર્યું છે. વીસમી સદીના ઍબ્સ્ટ્રૅક્ટ કલાના ચિત્રકારો પર કૅન્ડિન્સ્કીનો સારો પ્રભાવ પડ્યો છે.

કૃષ્ણવદન જેટલી