કૃષ્ણદેવરાય

January, 2008

કૃષ્ણદેવરાય (જ. 1489; અ. 1529) : સોળમી સદીના પૂર્વાર્ધ દરમિયાન વિજયનગરમાં થયેલ મહાપ્રતાપી રાજા.

વીર નરસિંહદેવરાયના સાવકા ભાઈ કે પુત્ર કૃષ્ણદેવરાય 8 ઑગસ્ટ 1509ના રોજ વિજયનગરની ગાદીએ આવ્યા. તેમણે 1510માં બિજાપુરના આદિલશાહ અને બીદરના સંયુક્ત લશ્કરને હાર આપી. રાયચુર, ગુલબર્ગ અને બીદર જીતી લીધાં. મહમૂદ શાહને બીદરની ગાદી સોંપી ‘યવનરાજ સ્થાપનાચાર્ય’નું બિરુદ મેળવ્યું. ઉમ્મતુરના નંદરાયને હરાવી શિવસમુદ્રમ્ અને શ્રીરંગપટ્ટનમના કિલ્લા જીતી લીધા. ઓરિસાના ગજપતિ પ્રતાપરુદ્રને હરાવી ઉદયગિરિ, કોન્ડાવિડુ પ્રાંતો, કટક તથા તેલંગણ અને વેંગી જીતી લીધાં. બિજાપુરના સુલતાનનું ગોવળકોંડા અને રાયચુર ફરી જીતી તેને સખ્ત હાર આપી. ઈકેરી અને મદુરાના નાયકોનો પરાભવ કર્યો. ચેરા, પાંડ્ય અને ચોલ રાજ્યો તેમનાં ખંડિયાં રાજ્યો હતાં. કટકથી કન્યાકુમારી સુધી દક્ષિણમાં મુસલમાની સત્તાને આવતી રોકી તેમણે રાજ્યવિસ્તાર કર્યો. પ્રતાપરુદ્રે તેમની પુત્રી પરણાવી વિજયનગર સાથે સુલેહ કરી હતી.

કૃષ્ણદેવરાયના સૈન્યમાં 10 લાખ પાયદળ, 35,000 ઘોડેસવારો અને 1,000 હાથી હતા. યુદ્ધમાં તે મોખરે રહીને દુશ્મનો સામે લડતા હતા. તે કુશળ વહીવટકાર અને વીર યોદ્ધા હતા. તેમના પુત્રના અકાળ મૃત્યુથી તથા સેનાપતિ તિમ્માજીના બળવાને કારણે તેમના જીવનનાં અંતિમ વર્ષ દુ:ખમાં વીત્યાં હતાં.

તે વિદ્વાન કવિ અને કલાકારો તથા સાહિત્યકારોના આશ્રયદાતા હતા. તેમની ‘ભુવનવિજય’ સભામાં ‘અષ્ટ દિગ્ગજ’ ગણાતા આઠ મહાન તેલુગુ કવિઓ હતા. તેમણે ‘આમુક્તમાલયદા’ નામના તેલુગુ કાવ્યની રચના કરવા ઉપરાંત સંસ્કૃતમાં ‘મદાલસાચરિત્ર’ ‘જ્ઞાનચિંતામણિ’, ‘રસમંજરી’ વગેરે કાવ્યો રચ્યાં હતાં. વિષ્ણુના ઉપાસક હોવાથી તેમની રચનાઓ વિષ્ણુભક્તિ સાથે સંબંધ ધરાવે છે. ‘આમુક્તમાલયદા’, દક્ષિણની મીરાં ગોદાદેવી અને રંગેશ્વરની પ્રણયકથા છે. આંડાલ અને ભગવાન વિષ્ણુના વિવાહની રચના પાંડિત્યને કારણે ક્લિષ્ટ બનવા છતાં સરસ વર્ણનો અને માર્મિક ચરિત્રલેખનની વિશિષ્ટતા ધરાવે છે. કૃષ્ણદેવરાય અને દરબારી કવિઓની રચનાઓને કારણે તેમનો રાજ્યકાળ તેલુગુ સાહિત્યનો સુવર્ણકાળ ગણાય છે. કૃષ્ણદેવરાય ‘આંધ્રભોજ’ના નામે પ્રસિદ્ધ થયા છે.

પાંડુરંગ રાવ

શિવપ્રસાદ રાજગોર